EPFO UAN Services Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના ડિજિટલ પ્લેટફોર્મમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે કરોડો PF ધારકોને સીધી અસર કરશે. તાજેતરમાં કરવામાં આવેલા મોટા ટેક્નિકલ અપગ્રેડેશન બાદ EPFOએ પોતાના પોર્ટલ પરથી બે મહત્વપૂર્ણ સેવાઓ બંધ કરી દીધી છે. હવે સભ્યો EPFOની વેબસાઇટ મારફતે UAN (Universal Account Number) એક્ટિવેટ કરી શકશે નહીં અને નવો UAN પણ જનરેટ કરી શકશે નહીં.
આ બંને સેવાઓ હવે સંપૂર્ણપણે સરકારના ડિજિટલ પ્લેટફોર્મ UMANG એપ પર સ્થાનાંતરિત કરવામાં આવી છે. EPFOનું કહેવું છે કે આ નિર્ણય ઓનલાઈન સેવાઓને વધુ સુરક્ષિત, ઝડપી અને વિશ્વસનીય બનાવવા માટે લેવામાં આવ્યો છે. નવી સિસ્ટમ હેઠળ હવે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication Technology - FAT) ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
EPFO પોર્ટલ પરથી કઈ બે સેવાઓ બંધ થઈ?
EPFOના સોફ્ટવેર અને ડેટાબેઝ અપગ્રેડેશન બાદ બે મહત્વપૂર્ણ સેવાઓ વેબસાઇટ પરથી દૂર કરવામાં આવી છે. હવે સભ્યો EPFOના મેમ્બર પોર્ટલ પરથી સીધું UAN એક્ટિવેટ કરી શકશે નહીં. આ ઉપરાંત, નવા Universal Account Number (UAN) જનરેટ કરવાની સુવિધા પણ પોર્ટલ પરથી હટાવી દેવામાં આવી છે. EPFOએ સ્પષ્ટ કર્યું છે કે, આ બંને સેવાઓ હવે માત્ર UMANG એપ દ્વારા જ ઉપલબ્ધ રહેશે.
હવે UMANG એપ પર ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત
નવી વ્યવસ્થા મુજબ UAN એક્ટિવેશન અને નવા UANના એલોટમેન્ટ માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. EPFOનું માનવું છે કે, ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીથી ખોટી ઓળખ, છેતરપિંડી અને ડેટાના દુરુપયોગની સંભાવનાઓમાં ઘટાડો થશે. સાથે જ સભ્યોને વધુ સુરક્ષિત અને પારદર્શક સેવા ઉપલબ્ધ થશે. આ પગલાથી EPFOની ઓનલાઈન કામગીરી વધુ મજબૂત અને વિશ્વસનીય બનશે.
UMANG એપથી કેવી રીતે એક્ટિવ કરશો UAN?
જો તમારે તમારો UAN એક્ટિવેટ કરવો હોય તો હવે નીચે મુજબની પ્રક્રિયા અપનાવવી પડશે. સૌપ્રથમ Google Play Store અથવા Apple App Store પરથી UMANG એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ એપમાં EPFO સર્વિસ વિભાગમાં જવું પડશે અને 'Face Authentication' હેઠળ ઉપલબ્ધ UAN Activation વિકલ્પ પસંદ કરવો પડશે. આગળ આધાર કાર્ડ સાથે ફેસ ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ સ્ક્રીન પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને UAN એક્ટિવેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાશે.
હવે UMANG એપથી જ જનરેટ થશે નવો UAN
જે કર્મચારીઓને નવો UAN મેળવવાનો હોય તેઓએ પણ હવે UMANG એપનો જ ઉપયોગ કરવો પડશે. તે માટે એપ ખોલીને EPFO Services વિભાગમાં જવું પડશે અને UAN Allocation and Activation વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરીને જરૂરી વિગતો દાખલ કર્યા બાદ નવો UAN જનરેટ કરી શકાય છે.
આ પણ વાંચો: 74 વર્ષ જૂના PFના નિયમોમાં મોટો ફેરફાર! : જમા કરાવવા અને ઉપાડવાના નવા નિયમો લાગુ, જાણો શું પડશે અસર
અપગ્રેડેશન બાદ હજુ કેટલીક સેવાઓમાં વિલંબ શક્ય
EPFOએ જણાવ્યું છે કે એક સપ્તાહ સુધી ચાલેલા ટેક્નિકલ અપગ્રેડેશન બાદ પોર્ટલ ફરી કાર્યરત કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક દાવા (Claims) અને ઓનલાઈન સેવાઓની પ્રક્રિયામાં હજુ થોડો સમય લાગી શકે છે. કેટલાક યુઝર્સને શરૂઆતના દિવસોમાં સેવાઓનો ઉપયોગ કરતી વખતે ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં EPFO હેલ્પલાઇન અથવા નજીકની EPFO ઓફિસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
ડિજિટલ સેવાઓને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ
વિશેષજ્ઞોના મતે EPFO દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો ડિજિટલ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવાના પ્રયાસનો ભાગ છે. આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશનથી યુઝર્સની ઓળખ વધુ સુરક્ષિત રીતે ચકાસી શકાશે અને ભવિષ્યમાં ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં ઘટાડો થઈ શકે છે. આ બદલાવ ખાસ કરીને નવા કર્મચારીઓ અને પ્રથમ વખત PF ખાતું શરૂ કરનારા સભ્યો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.





