અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં દેશી બનાવટની ચાર પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ સાથે એક શાતિર આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ ચોરી, લૂંટ, મારામારી, અપહરણ, ધમકી, પ્રોહિબિશન, હથિયાર સહિતના કુલ 53 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તેની સામે પાંચ વખત PASA હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી હોવાનું પોલીસે જણાવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા અકબરખાન મોહરમઅલીખાન પઠાણ (ઉંમર 34)ને 3 જુલાઈ, 2026ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે અમદાવાદના શાહઆલમ વિસ્તાર નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ ઇસનપુર વિસ્તારમાં રહે છે જ્યારે તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના રૂદૌલી તાલુકા વિસ્તારમાં આવેલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’ : 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર, સર્પદંશથી થતા મૃત્યુ ઘટશે
દેશી હથિયારોનો જથ્થો કબજે
ક્રાઇમ બ્રાન્ચે આરોપીના કબ્જામાંથી પાસ-પરવાના વિના રાખવામાં આવેલા ચાર દેશી બનાવટના પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ કબજે કર્યા છે. ગેરકાયદેસર રીતે હથિયારો રાખવા બદલ અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 121(2), 132 તેમજ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ 7 જુલાઈ, 2026 સુધીના પોલીસ રિમાન્ડ પર મેળવ્યો છે. રિમાન્ડ દરમિયાન હથિયારો ક્યાંથી મેળવ્યા, કોને પહોંચાડવાના હતા અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે સહિતના મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપી સામે અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 53 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેમાં ચોરી, લૂંટ, મારામારી, અપહરણ, ધમકી, જાહેરનામાનો ભંગ, પ્રોહિબિશન અને હથિયાર સંબંધિત ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આરોપી સામે અગાઉ પાંચ વખત PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. તેમ છતાં આરોપી ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : રાજકોટ RTOની જૂન માસમાં મોટી કાર્યવાહી : 1,909 નિયમભંગના કેસમાં રૂ.61 લાખનો દંડ, ઓવરલોડ વાહનો સામે સૌથી કડક એક્શન
ગેરકાયદેસર હથિયારો સામે સતત અભિયાન
અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર હથિયારોના સપ્લાય અને ઉપયોગને રોકવા માટે સતત અભિયાન ચલાવી રહી છે. શહેરમાં ગંભીર ગુનાઓ અટકાવવા માટે શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને બાતમીના આધારે નિયમિત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
તાજેતરની આ કાર્યવાહી પણ શહેરમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે પોલીસની સક્રિય કામગીરીનું વધુ એક ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. પોલીસ હવે આરોપીની પૂછપરછના આધારે અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.





