રાજકોટ પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા જૂન મહિનામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર મહિના દરમિયાન કુલ 1,909 નિયમભંગના કેસ નોંધાયા હતા, જેમાં વિવિધ ગુનાઓ બદલ કુલ રૂ.61 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન 82થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ઈ-ચલણ પણ જારી કરવામાં આવ્યા હતા.
RTO દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સૌથી વધુ કાર્યવાહી ઓવરલોડ વાહનો સામે કરવામાં આવી હતી. કુલ 177 ઓવરલોડ વાહનો ઝડપાઈ આવ્યા હતા, જેમની સામે રૂ.21.74 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા 205 વાહનચાલકો સામે કાર્યવાહી કરીને રૂ.4.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’ : 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર, સર્પદંશથી થતા મૃત્યુ ઘટશે
વિવિધ પ્રકારના નિયમભંગ સામે સઘન ચેકિંગ
જૂન મહિનામાં RTOની ટીમે વ્હાઇટ LED લાઇટનો ગેરકાયદેસર ઉપયોગ, પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC), રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી, ફિટનેસ સર્ટિફિકેટ, ઈન્સ્યોરન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના વિવિધ મુદ્દાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરાંત ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન તેમજ અન્ય નિયમભંગના કેસોમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન ફિટનેસ વિના દોડતા 166 વાહનો સામે કાર્યવાહી કરીને રૂ.8.30 લાખનો દંડ વસૂલાયો હતો. ટેક્સ બાકી રાખનારા 39 વાહનો પાસેથી રૂ.7.62 લાખ વસૂલવામાં આવ્યા હતા. વ્હાઇટ LED લાઇટ લગાવવાના 344 કેસ નોંધાયા હતા, જ્યારે રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી ન હોવાના 221 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધનીય બાબત એ છે કે જૂન મહિનામાં અંડરએજ ડ્રાઇવિંગ, સ્પીડ ગવર્નર કાર્યરત ન હોવા, મોબાઇલ પર વાત કરતાં વાહન ચલાવવું તેમજ બેફામ ઝડપે વાહન ચલાવવાના કોઈ કેસ નોંધાયા ન હોવાનું RTOએ જણાવ્યું હતું.
24 કલાક કાર્યરત ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ
રાજકોટ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે વિભાગની એક ટીમ માલિયાસણ ખાતે 24 કલાક સતત કાર્યરત રહે છે. ઉપરાંત વિશેષ ચેકિંગ માટે સમયાંતરે અલગ-અલગ સ્થળોએ ઓર્ડર આપવામાં આવે છે અને બે ફ્લાઇંગ સ્ક્વોડ શહેર તથા જિલ્લામાં નિયમિત ચેકિંગ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં શાળાઓ શરૂ થતાં સ્કૂલ બસ અને સ્કૂલ વાનની પણ વિશેષ તપાસ ચાલી રહી છે. પરમિટ ભંગ કરનાર કેટલીક સ્કૂલ વાન સામે ગુના નોંધવામાં આવ્યા છે. રોડ સેફ્ટી અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફિટનેસ વિના દોડતા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અધિકારીના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં કુલ 1,909 મેમો ઇસ્યૂ કરવામાં આવ્યા હતા અને રૂ.61 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત આશરે 90 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા ફાયર વિભાગ પર ગંભીર આક્ષેપ : તાલીમાર્થીઓ પાસે વાહન સાફ કરાવાતું હોવાનો દાવો
જૂન મહિનામાં નોંધાયેલા મુખ્ય નિયમભંગના કેસ
RTOના આંકડા મુજબ ટેક્સ બાકી રાખવાના 39 કેસમાં રૂ.7.62 લાખ, ઓવરલોડિંગના 177 કેસમાં રૂ.21.74 લાખ, ઓવર ડાયમેન્શનના 67 કેસમાં રૂ.2.61 લાખ, વ્હાઇટ LEDના 344 કેસમાં રૂ.3.44 લાખ, RUPD-SUPD સંબંધિત 57 કેસમાં રૂ.57 હજાર, રોંગ લેન ડ્રાઇવિંગના 7 કેસમાં રૂ.21 હજાર, રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી ન હોવાના 221 કેસમાં રૂ.2.21 લાખ, ઈન્સ્યોરન્સ વગર વાહન ચલાવવાના 140 કેસમાં રૂ.2.80 લાખ, ભયજનક ડ્રાઇવિંગના 12 કેસમાં રૂ.18 હજાર, PUC વગરના 254 કેસમાં રૂ.1.27 લાખ, ફિટનેસ વિના વાહન ચલાવવાના 166 કેસમાં રૂ.8.30 લાખ, હેલ્મેટના 5 કેસમાં રૂ.2,500, સીટ બેલ્ટના 26 કેસમાં રૂ.13 હજાર, ડ્રાઇવિંગ લાયસન્સ વગરના 205 કેસમાં રૂ.4.10 લાખ તથા અન્ય નિયમભંગના 137 કેસમાં રૂ.68,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
RTOનું કહેવું છે કે આગામી સમયમાં પણ માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના કડક અમલ માટે આ પ્રકારના ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે. નિયમોનું પાલન કરનાર વાહનચાલકો માટે સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉભી કરવાના હેતુથી આવા અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવશે.





