અમદાવાદ/ગાંધીનગર: ખેડૂતોના ખેતરોમાં વીજ લાઇન અને ટાવર માટે જમીન વળતર સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગાંધીનગરની અનશન છાવણી ખાતે સામૂહિક ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપવાસમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન AAPના નેતાઓએ રાજ્ય સરકારની જમીન વળતર નીતિ, વીજ થાંભલા, સ્માર્ટ મીટર, ભ્રષ્ટાચાર અને ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ ખેડૂતોના હિતમાં લડત ચાલુ રાખવાની અને જરૂર પડશે તો વિધાનસભા ઘેરવાની પણ ચેતવણી આપી હતી.
સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપતી નથી: AAP
પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો, શિક્ષણ, સ્માર્ટ મીટર, બિસ્માર રસ્તાઓ અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર જેવા મુદ્દે લોકોમાં ભારે અસંતોષ છે. તેમના કહેવા મુજબ, ગામ પંચાયત અને ગ્રામસભાના અધિકારો માત્ર કાગળ પર રહી ગયા છે અને ગામડાઓને આર્થિક તેમજ વહીવટી રીતે વધુ સ્વતંત્ર બનાવવાની જરૂર છે.
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ચૂંટણી જીતવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આવનારા સમયમાં જનતા તેનો જવાબ આપશે.
બજાર ભાવના વળતર અંગે સરકારને ઘેરી
AAPના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે દાવો કર્યો કે સરકાર જે બજાર ભાવના આધારે વળતરની વાત કરી રહી છે તે વ્યવહારમાં ખેડૂતોને લાભ આપશે નહીં. તેમના જણાવ્યા મુજબ, જમીનના દસ્તાવેજોમાં કિંમત વાસ્તવિક બજાર ભાવ કરતાં ઘણી ઓછી દર્શાવવામાં આવતી હોવાથી ખેડૂતોને પૂરતું વળતર મળશે નહીં.
તેમણે કહ્યું કે, જો 25 લાખ રૂપિયાની જમીનનો દસ્તાવેજ 7થી 8 લાખ રૂપિયાનો હશે તો સરકાર તેના આધારે જ વળતર નક્કી કરશે, જેના કારણે ખેડૂતોને નુકસાન થશે. AAPની માંગ છે કે ખેડૂતોને બજાર ભાવના ચાર ગણા વળતર ચૂકવવામાં આવે.
ખેડૂતોની લડત ચાલુ રાખવાનો દાવો
યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું કે AAP ખેડૂતોના મુદ્દે કોઈ રાજકીય શ્રેય લેવા માટે નહીં પરંતુ ખેડૂતોની વેદના સમજીને તેમની સાથે ઊભી છે. તેમણે મોરબીના જેતપુર અને સુરેન્દ્રનગરના કોંઢ સહિતના આંદોલનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પાર્ટી શરૂઆતથી ખેડૂતોની લડતમાં જોડાયેલી છે.
તેમણે જણાવ્યું કે ખેડૂતોના દેવા માફી, સિંચાઈ, 24 કલાક મફત વીજળી, કૃષિ નીતિ અને યોગ્ય વળતર જેવા મુદ્દાઓ માટે આગામી સમયમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરાશે અને જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે.





