Home Gujarat Gujarat Rain Forecast South Gujarat Saurashtra Monsoon Update

ગુજરાતમાં ચાતક નજરે વરસાદની રાહ! : આગામી 7 દિવસમાં ક્યાં અને કેવો પડશે વરસાદ? IMD એ કરી આગાહી

વરસાદ
Published by: Chintan Chavda
Last Updated: Jun 15, 2026, 01:12 PM IST

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ વચ્ચે હાલ વાતાવરણમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન મોટાભાગે સૂકું રહ્યું છે, જ્યારે આગામી કેટલાક દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી એક અઠવાડિયા દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, જેના કારણે ગરમી અને ભેજનું પ્રમાણ યથાવત રહી શકે છે.

રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર ન હોવા છતાં સરેરાશ તાપમાનમાં 1.3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં ગરમીનો પ્રભાવ યથાવત છે. સમગ્ર ગુજરાતમાં સતત બીજા દિવસે ભાવનગર સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે, જ્યાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. બીજી તરફ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, પરંતુ ગરમીથી રાહત નહીં

અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. જોકે વાદળોની હાજરી છતાં ગરમી અને અકળામણમાં ખાસ ઘટાડો થવાની શક્યતા ઓછી છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે વાદળછાયા વાતાવરણ અને ઊંચા ભેજના કારણે દિવસ દરમિયાન ઉકળાટનો અનુભવ વધી શકે છે. ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળતા લોકોને ગરમીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ હાલ રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી માછીમારો અથવા દરિયાકાંઠાના વિસ્તારો માટે કોઈ ખાસ વેધર વોર્નિંગ જાહેર કર્યું નથી.

ખેડૂત રેલીમાં કોંગ્રેસના ટ્રેક્ટર સામે મેદાનમાં ઉતર્યું પોલીસનું JCB!: ગાંધીનગર જતાં પહેલા રસ્તામાં જ થઈ ગઈ જોવા જેવી

દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ તેજ બનશે

હવામાન વિભાગની આગાહી મુજબ 15થી 17 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે.

આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. જોકે દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ વધુ સક્રિય બનવાના સંકેતો મળી રહ્યા છે.

18 અને 19 જૂન દરમિયાન વરસાદનો વ્યાપ થોડો વિસ્તરવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

"ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલે ઉદાર મનથી કામ કર્યું": ખેડૂત રેલી વચ્ચે હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વરસાદી માહોલ

19થી 21 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે.

જોકે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. આગાહી મુજબ આ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી સૂકું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના નિરીક્ષણ મુજબ જૂન મહિનાના આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ વધુ વેગ પકડી શકે છે, જે ચોમાસાના આગમન માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.

ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે

ચોમાસાની પ્રગતિની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું હાલમાં તેની નિર્ધારિત દિશામાં આગળ વધી રહ્યું છે. હાલ ચોમાસાની ઉત્તરીય સીમા હરનાઈ, સોલાપુર અને હૈદરાબાદ સુધી પહોંચી ગઈ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના વિસ્તારોમાં ચોમાસું વધુ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધવાની શક્યતા છે. હાલમાં દેશના 19 રાજ્યોમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે અને આગામી 48થી 72 કલાક દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ તેના પ્રવેશની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચોમાસા પર અલ નીનોની અસર!: વરસાદમાં 10% સુધી ઘટાડાની આશંકા; જુલાઈ-ઓગસ્ટમાં ખેતીથી લઈને વીજ ઉત્પાદન સુધી દુષ્કાળનો ખતરો

ગુજરાતના 30 જિલ્લાઓમાં એલર્ટ

દેશભરમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ વધુ સક્રિય બની રહી છે. ગુજરાતના લગભગ 30 જિલ્લાઓમાં આજે વાવાઝોડા અને વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ દેશના 20થી વધુ રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી માટે રાહ જોવાઈ રહી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં શરૂ થનારી વરસાદી ગતિવિધિઓ રાજ્યમાં ચોમાસાના આગમનની પૂર્વભૂમિકા તૈયાર કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now