ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી દરમિયાન અમદાવાદમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી 1111 ટ્રેક્ટરની આ રેલીને ગાંધીનગર સુધી લઈ જવાની મંજૂરી ન મળતાં રસ્તા પર હોબાળો અને ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા. પક્ષે આરોપ લગાવ્યો હતો કે સરકારની નીતિઓના કારણે ખેડૂતો સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ખેડૂતોની જમીનોમાં બળજબરીપૂર્વક કંપનીઓની લાઈનો નાખવામાં આવી રહી છે. આ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ-AAP વચ્ચે બાકાઝીકી!: "રાહુલ ગાંધીના ઇશારે આંદોલનને હાઈજેક કરી તૈયાર ભાણે બેસવા માંગે છે કોંગ્રેસ", AAPનો આક્ષેપ
ઓગણજ સુધી જ મંજૂરી, ગાંધીનગર માટે નહીં
વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તંત્ર દ્વારા માત્ર અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી જ રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ મેદાનમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કોંગ્રેસના નેતાઓ અને ખેડૂત આગેવાનો ખેડૂતોને સંબોધવાના હતા. જોકે રેલીમાં જોડાયેલા અનેક ખેડૂતો ગાંધીનગર સુધી પહોંચવાની માંગ પર અડગ રહ્યા હતા.
પોલીસ દ્વારા માર્ગ રોકાતા ખેડૂતોમાં રોષ
રેલી આગળ વધતી વખતે પોલીસે ખેડૂતોને આગળ વધતા રોકવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલો મુજબ, કેટલાક સ્થળોએ JCB અને અન્ય અવરોધો ગોઠવીને રેલીને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસની આ કાર્યવાહીથી ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થળ પર સૂત્રોચ્ચાર અને વિરોધના દૃશ્યો જોવા મળ્યા હતા. કેટલાક ખેડૂતો અને કાર્યકરોએ પોલીસની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો અને ગાંધીનગર સુધી કૂચ કરવાની પોતાની માંગ દોહરાવી હતી.
અમિત ચાવડા, ગેનીબેન સહિતના કોંગ્રેસના નેતાઓ મેદાનમાં: ગાંધીનગરમાં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ
“અમે ગાંધીનગર જઈને જ રહીશું”
રેલીમાં જોડાયેલા ખેડૂતોનું કહેવું હતું કે તેઓ માત્ર ઓગણજ ખાતે યોજાનારી સભામાં હાજરી આપવા માટે આવ્યા નથી, પરંતુ પોતાના પ્રશ્નો સીધા સરકાર સુધી પહોંચાડવા ગાંધીનગર જવા માગે છે.
વિરોધ દરમિયાન કેટલાક ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “અમે ઓગણજ સભામાં નહીં જઈએ, અમે તો ગાંધીનગર જઈને જ રહીશું.” ખેડૂતોના આ વલણને કારણે સ્થળ પર તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.
ખેડૂતોના પ્રશ્નો પર રાજકીય ઘમાસાણ
કોંગ્રેસ આ રેલી દ્વારા જમીન સંપાદન, ખેતી સંબંધિત પ્રશ્નો, વીજ લાઈનોના મુદ્દા અને ખેડૂતોના અધિકારો જેવા મુદ્દાઓને ઉઠાવી રહી છે. પક્ષનો દાવો છે કે ખેડૂતોની માંગણીઓને સરકાર સુધી પહોંચાડવા માટે આ ટ્રેક્ટર માર્ચ યોજવામાં આવી છે.
બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. રેલી દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
હાલ સમગ્ર ઘટનાક્રમ પર રાજકીય વર્તુળો અને ખેડૂતોની નજર છે. આગામી કલાકોમાં ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે શું સમાધાન થાય છે અને રેલીનો અંતિમ માર્ગ શું રહે છે તે મહત્વપૂર્ણ બનશે.






