ગુજરાત કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખીને આજે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી કિસાન અધિકાર ટ્રેક્ટર યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાની વિશેષતા એ રહી કે કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ ખુદ ખેડૂતોની વચ્ચે ઉતરી આવ્યા હતા અને ટ્રેક્ટર રેલીનું નેતૃત્વ સંભાળ્યું હતું. રાજ્યમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને કોંગ્રેસે આ કાર્યક્રમ દ્વારા રાજકીય અને સંગઠનાત્મક શક્તિ પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ટ્રેક્ટર ચલાવીને યાત્રામાં જોડાયા હતા. શાંતિપુરા ચોકડી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરોની હાજરી વચ્ચે તેમણે ટ્રેક્ટર રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ યાત્રાને ખેડૂતોના અધિકારો માટેની લડત તરીકે રજૂ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરની શાળામાં વિદ્યાર્થી સાથે યૌન શોષણના આક્ષેપ: આચાર્યના પુત્ર પર લાગ્યા ગંભીર આરોપો
ઘણા કોંગ્રેસ નેતાઓએ સંભાળ્યું સંકલન
આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ અને મહેશ રાજકોટીયા પણ યાત્રાના આયોજનમાં સક્રિય રહ્યા હતા.
કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો આ યાત્રામાં જોડાયા છે. પક્ષના જણાવ્યા અનુસાર 20થી વધુ ખેડૂત સંગઠનો આ અભિયાનનો ભાગ બન્યા છે, જે કોંગ્રેસ માટે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પ્રગતિ આહિર, ગેનીબેન અને કરસન ભાદરકા પણ જોડાયા
યાત્રા દરમિયાન કોંગ્રેસના અન્ય નેતાઓ અને આગેવાનો પણ ખેડૂતો સાથે ટ્રેક્ટરમાં સવાર થઈને જોડાયા હતા. પ્રગતિ આહિરે ટ્રેક્ટરમાં ગેનીબેન ઠાકોર અને કરસન ભાદરકાને સાથે બેસાડીને યાત્રામાં ભાગ લીધો હતો. આ દૃશ્યો કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમોમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
પક્ષના નેતાઓએ ખેડૂતોની જમીન, કૃષિ નીતિઓ અને જમીન સંપાદન જેવા મુદ્દાઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર પૂરતી ગંભીર નથી અને ખેડૂતોના હિતોની અવગણના થઈ રહી છે.
ભાજપના કાર્યક્રમમાં જ નારાજગીનો વિસ્ફોટ: ધારાસભ્ય દર્શના દેશમુખનો વોકઆઉટ, મનસુખ વસાવા પણ સમર્થનમાં
ડો. તુષાર ચૌધરી અને અમિત ચાવડા કરશે સંબોધન
યાત્રાનો અંત ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં યોજાનારી ખેડૂત સભા સાથે થવાનો છે. આ સભામાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ખેડૂતોને સંબોધશે.
કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને માત્ર વિરોધ પ્રદર્શન નહીં પરંતુ ખેડૂતોના મુદ્દાઓને રાજકીય એજન્ડાના કેન્દ્રમાં લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આવનારા સમયમાં ગ્રામ્ય અને કૃષિ આધારિત વિસ્તારોમાં પક્ષના જનસંપર્ક અભિયાનનો પણ આ એક ભાગ માનવામાં આવે છે.
સુરતમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત: પરિવારનો ધક્કો મારી નીચે ફેંક્યાનો આક્ષેપ
ગાંધીનગર સુધી મંજૂરી ન મળતાં રાજકીય ચર્ચા
કોંગ્રેસે મૂળ આ ટ્રેક્ટર યાત્રા ગાંધીનગર સુધી લઈ જવાની જાહેરાત કરી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન મળતાં યાત્રાને ઓગણજ સુધી મર્યાદિત રાખવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી અને ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજકીય વિશ્લેષકોના મતે, ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા આયોજિત આ યાત્રા રાજ્યમાં આગામી રાજકીય વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક વધારવા માટે કોંગ્રેસ આ પ્રકારના કાર્યક્રમોને વધુ પ્રાધાન્ય આપી રહી હોવાનું માનવામાં આવે છે.






