નર્મદા જિલ્લામાં ભાજપના કાર્યક્રમ દરમિયાન પક્ષની આંતરિક ખેંચતાણ જાહેર મંચ પર સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. રાજપીપળાના આંબેડકર હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સન્માન કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ નારાજ થઈ કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી ગયા હતા. ત્યારબાદ તેમણે ગાંધી ચોક ખાતે ધરણા પર બેસીને પોતાની નારાજગી જાહેર કરી હતી.
કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ વનમંત્રી ગણપત વસાવા સહિત ભાજપના અનેક આગેવાનો હાજર હતા. જોકે, કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય તરીકેના પ્રોટોકોલનું પાલન ન થતાં અને સ્વાગત ન કરાતા ડો. દર્શના દેશમુખે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
"મારું નહીં, પદનું અપમાન થયું"
ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સતત તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોવા છતાં તેમને યોગ્ય સન્માન કે પ્રોટોકોલ આપવામાં આવતો નથી.
તેમણે એવો પણ દાવો કર્યો કે સંગઠનમાં મનમાની ચાલી રહી છે અને મનપસંદ લોકોને ટિકિટો આપવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેના કારણે ચૂંટણીમાં પક્ષને નુકસાન સહન કરવું પડ્યું હતું. તેમના નિવેદનથી જિલ્લા ભાજપની આંતરિક ગતિશીલતા અને અસંતોષ જાહેરમાં આવી ગયો છે.
આ પણ વાંચો: જામનગરમાં મોડપર નજીકથી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપાયો યુવક : મધ્યપ્રદેશથી હથિયાર લીધુ હોવોનો થયો ખુલાસો
રાજીનામાની ચીમકીથી રાજકીય ગરમાવો
વિવાદ વધુ ઉગ્ર ત્યારે બન્યો જ્યારે ડો. દર્શના દેશમુખે સંગઠન તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા ભાજપ પ્રમુખને ગાંધીનગરના એક પ્રભાવશાળી મંત્રીનું પીઠબળ મળતું હોવાથી તેઓ મનમાની કરી રહ્યા છે. ધારાસભ્યના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. પક્ષની અંદર લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ હવે ખુલ્લેઆમ બહાર આવ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
મનસુખ વસાવા આવ્યા ખુલ્લા સમર્થનમાં
આ સમગ્ર ઘટનાક્રમમાં વધુ એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ભરુચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવા પણ ધારાસભ્યના સમર્થનમાં જાહેરમાં સામે આવ્યા. તેમણે જણાવ્યું કે આ માત્ર ડો. દર્શના દેશમુખનું અપમાન નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે.
સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે કડક વલણ અપનાવતા કહ્યું કે આવા જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવું જોઈએ. તેમના નિવેદન બાદ મામલો માત્ર સ્થાનિક વિવાદ ન રહી રાજ્યસ્તરની રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: સુરતમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત : પરિવારનો ધક્કો મારી નીચે ફેંક્યાનો આક્ષેપ
ભાજપમાં આંતરિક અસંતોષની ચર્ચા
નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે મતભેદ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, અત્યાર સુધી આ અસંતોષ જાહેર મંચ પર દેખાયો નહોતો. રાજપીપળાની ઘટનાએ આ તમામ ચર્ચાઓને વધુ બળ આપ્યું છે.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે લોકસભા અને વિધાનસભાની આગામી રાજકીય વ્યૂહરચના વચ્ચે પક્ષ માટે આવા વિવાદો પડકારરૂપ બની શકે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા નર્મદા જિલ્લામાં આ ઘટનાના રાજકીય પ્રભાવ પર સૌની નજર રહેશે.






