Home Gujarat Gandhinagar Gujarat Farmers Protest Congress Aap Tractor Rally

ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ-AAP વચ્ચે બાકાઝીકી! : "રાહુલ ગાંધીના ઇશારે આંદોલનને હાઈજેક કરી તૈયાર ભાણે બેસવા માંગે છે કોંગ્રેસ", AAPનો આક્ષેપ

ગુજરાતમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jun 15, 2026, 10:25 AM IST

Farmers Protest Gujarat: ગુજરાતમાં ભાજપ સરકાર સામે ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ અને AAP હવે રીતસરના એકબીજાની સામસામે આવી ગયા છે. જેને કારણે વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે રાજકીય રંગે રંગાઇ ગયું છે. તેથી હવે આ ખેડૂત આંદોલને રાજકીય વળાંક લીધો હોય તેવું પ્રતિક થઇ રહ્યું છે. કારણકે, એક તરફ કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષા નેતા ડો.તુષાર ચૌધરી અને સાંસદ ગીનબેન ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ ટ્રેક્ટર પર ચઢીને સરકાર સામે ખેડૂતોની માંગને લઇને મેદાનમાં ઉતર્યા છે. ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ રેલીને ખેડૂતોની નહીં પણ સંપૂર્ણ કોંગ્રેસ પ્રેરિત રેલી તરીકે ગણાવીને આંદોલનથી અંતર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.

અમિત ચાવડા, ગેનીબેન સહિતના કોંગ્રેસના નેતાઓ મેદાનમાં : ગાંધીનગરમાં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

કોંગ્રેસ 'તૈયાર ભાણે' બેસવા માંગતી હોવાનો AAPનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું છે કે, AAP ના આગેવાનો આ રેલીમાં નહીં જોડાય. ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે, "રાહુલ ગાંધીના ઇશારે કોંગ્રેસ ખેડૂતોના આંદોલનને હાઈજેક કરી રહી છે અને તેઓ માત્ર તૈયાર ભાણે બેસવા માંગે છે." ગુજરાતમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી અને વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલને હવે રાજકીય વળાંક લીધો છે. ખેડૂતોના વીજપોલ અને જમીન સંપાદનના મુદ્દે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે.

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ગાંધીનગરમાં યોજાનારી ટ્રેક્ટર રેલી અને ખેડૂત આંદોલનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા લાંબા સમયથી ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો વચ્ચે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) બંને આ મુદ્દે સક્રિય દેખાઈ રહ્યા છે. પરિણામે ખેડૂતોના પ્રશ્નો સાથે રાજકીય શ્રેયની સ્પર્ધા પણ ખુલ્લેઆમ સામે આવી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરવાની તૈયારીમાં છે. ખેડૂતોની મુખ્ય માંગોમાં પાક નુકસાનનું યોગ્ય વળતર, કૃષિ સંબંધિત નીતિગત પ્રશ્નોનું નિરાકરણ, જમીન સંબંધિત મુદ્દાઓ અને ખેતી ખર્ચ સામે મળતા ઓછા વળતરનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના પ્રશ્નો ગુજરાતની રાજનીતિમાં સતત મહત્વનું સ્થાન ધરાવતા રહ્યા છે.

AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના કોંગ્રેસ પર પ્રહાર

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ટ્રાન્સમિશન લાઈન અને ખાનગી કંપનીઓના મુદ્દાઓ વિધાનસભામાં તેમણે ઉઠાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે ખેડૂતોની જમીનનું ઘટતું મૂલ્ય અને તેમને મળતું વળતર માત્ર પૈસા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ ખેડૂતોના હિતમાં નવો કાયદો બનાવવાની જરૂર છે.

ગુજરાતમાં મેઘો ભૂક્કા કાઢશે કે ખેડૂતોને ચોંધાર આંસુએ રડાવશે?: અંબાલાલ પટેલની ચોમાસા અંગે સૌથી ઘાતક આગાહી

ખેડૂતોના પ્રશ્નો ફરી ચર્ચાના કેન્દ્રમાં

ખેડૂતોનું કહેવું છે કે વધતા ઉત્પાદન ખર્ચ, અનિયમિત વરસાદ, કુદરતી આફતો અને બજારની અનિશ્ચિતતા વચ્ચે ખેતી કરવી વધુ મુશ્કેલ બની રહી છે. અનેક વિસ્તારોમાં ખેડૂતો લાંબા સમયથી પાક નુકસાનના સંપૂર્ણ વળતર, કૃષિ વીમા વ્યવસ્થાના સુધારા અને ખેતીલાયક જમીનને અસર કરતી વિવિધ યોજનાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ અગાઉ પણ ‘ખેડૂત આક્રોશ યાત્રા’ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને રાજ્યવ્યાપી સ્તરે ઉઠાવી ચૂકી છે. ખેડૂતોના સંગઠનોનું માનવું છે કે માત્ર વચનો નહીં પરંતુ નીતિગત અને વ્યવહારુ ઉકેલો જરૂરી છે. ખાસ કરીને જમીન સંપાદન, વીજ લાઈનો, ઔદ્યોગિક પ્રોજેક્ટો અને પાક નુકસાનના વળતર જેવા મુદ્દાઓને લઈને અસંતોષ સતત વધતો રહ્યો છે. મોરબી જિલ્લાના ટંકારા સહિતના વિસ્તારોમાં પણ ખેડૂતો વળતર અને જમીન સંબંધિત પ્રશ્નોને લઈને ટ્રેક્ટર રેલીઓ અને રજૂઆતો કરી ચૂક્યા છે.

કોંગ્રેસનો દાવો: ખેડૂતોની લડાઈ લાંબા સમયથી લડી રહ્યા છીએ

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને સતત ઉઠાવતી પાર્ટી કોંગ્રેસ છે. પાર્ટી દ્વારા છેલ્લા ઘણા મહિનાઓ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ખેડૂત આક્રોશ યાત્રાઓ અને જનઆક્રોશ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોના દેવા, પાક નુકસાન અને વળતર જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. પાર્ટીનો આક્ષેપ છે કે ખેડૂતોને મળતું વળતર વાસ્તવિક નુકસાનની સરખામણીએ ખૂબ ઓછું છે અને રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યાઓને પૂરતું મહત્વ આપી રહી નથી. કોંગ્રેસ આંદોલનને ખેડૂતોના હિત માટેની લડત તરીકે રજૂ કરી રહી છે.

AAP પણ ખેડૂતોના મુદ્દે સક્રિય

બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ખેડૂતોના મુદ્દાઓને લઈને સક્રિય અભિગમ અપનાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત અને વિવિધ કાર્યક્રમો મારફતે ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે કેટલાક કાર્યક્રમો દરમિયાન કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો અને મંજૂરી સંબંધિત વિવાદો પણ સામે આવ્યા હતા. AAPનું માનવું છે કે રાજ્યમાં ખેડૂતોને યોગ્ય સહાય, બજાર આધાર અને નીતિગત સુરક્ષા મળતી નથી. પાર્ટી ખેડૂતોના મુદ્દાઓને આગામી રાજકીય એજન્ડામાં કેન્દ્રસ્થાને રાખવા પ્રયાસ કરી રહી છે. વિવિધ વિસ્તારોમાં ખેડૂતોને અસર કરતા જમીન અને કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પણ પાર્ટી અભિયાન ચલાવી ચૂકી છે.

ખેડૂતોના આંદોલનનું રાજકીય મહત્વ

ગુજરાતમાં ખેડૂતોનો વર્ગ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ખેતી અને કૃષિ આધારિત અર્થતંત્ર મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી ખેડૂતોના પ્રશ્નો માત્ર સામાજિક કે આર્થિક મુદ્દો નથી રહેતા, પરંતુ ચૂંટણી અને રાજકીય વ્યૂહરચનાનો પણ મહત્વનો ભાગ બને છે. વિશ્લેષકોનું માનવું છે કે ગાંધીનગરમાં યોજાનારી ટ્રેક્ટર રેલી ખેડૂતોના પ્રશ્નોને ફરી એકવાર રાજ્યના રાજકીય કેન્દ્રમાં લાવી શકે છે. જો મોટી સંખ્યામાં ખેડૂતો ભાગ લેશે તો સરકાર પર દબાણ વધવાની શક્યતા છે. બીજી તરફ વિરોધ પક્ષો માટે પણ આ ખેડૂતો સુધી સીધી પહોંચ બનાવવાની તક બની શકે છે.

હાલમાં ખેડૂતોના સંગઠનો પોતાની માંગણીઓને લઈને એકજૂટતા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમ દરમિયાન સરકારને આવેદનપત્ર આપવામાં આવે તેવી શક્યતા છે. ખેડૂતોની માંગણીઓ પર સરકાર શું પ્રતિસાદ આપે છે અને રાજકીય પક્ષો આ મુદ્દાને કેવી રીતે આગળ વધારે છે તેના પર આગામી દિવસોમાં સૌની નજર રહેશે. ખેડૂતો માટે મુખ્ય પ્રશ્ન એ છે કે આંદોલન અને રાજકીય નિવેદનોની બહાર જઈને તેમના પ્રશ્નોનો વાસ્તવિક અને ટકાઉ ઉકેલ ક્યારે મળશે. ટ્રેક્ટર રેલી અને સંબંધિત કાર્યક્રમો રાજ્યમાં કૃષિ નીતિ, વળતર વ્યવસ્થા અને ખેડૂતોના અધિકારો અંગે નવી ચર્ચાને જન્મ આપી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now