Home Gujarat Gujarat Rain Forecast Heavy Rain Thunderstorm Alert June 2026

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ : 4 જૂન સુધી ગાજવીજ અને 60 કિમીની ઝડપે પવનની આગાહી

વરસાદનું એલર્ટ
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 30, 2026, 11:03 AM IST

ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્ય માટે આગામી સાત દિવસની આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં આજથી 4 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાત રામશ્રય યાદવે જણાવ્યું છે કે ગુજરાત રિજન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.

આગાહી મુજબ વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને આગામી ચાર દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે ઝાટકાવાળા પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદના દિવસે અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ત્રીજા દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ચોથા દિવસે નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વરસાદ સ્થાનિક સ્તરે વધુ તીવ્ર બની શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

વિભાગે ગુજરાત રિજન માટે બીજા, ત્રીજા અને ચોથા દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય દિવસો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં યલો એલર્ટ અમલમાં રહેશે.

આ પણ વાંચો: દિલ્હી પોલીસનું મોટું આતંકવાદ વિરોધી ઓપરેશન : ISI સાથે જોડાયેલા 9 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા, દાઉદ નેટવર્કના તારની તપાસ

ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર બીજા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા (હેલસ્ટોર્મ) પડવાની પણ શક્યતા છે. આ કારણે ખેડૂતો માટે વિશેષ સાવચેતી જરૂરી બની છે. પાક, પશુધન અને ખુલ્લામાં રાખવામાં આવેલા કૃષિ સાધનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનો, વૃક્ષોની નીચે અથવા વીજ થાંભલાઓની નજીક ઊભા રહેવાનું ટાળવું જોઈએ.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ હવામાન વિભાગે મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. સમગ્ર ગુજરાત કિનારાપટ્ટી માટે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં પવનની ઝડપ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાટકાવાળા પવનની ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

અરબી સમુદ્રમાં સર્જાતી અસ્થિર હવામાન પરિસ્થિતિને કારણે દરિયો તોફાની રહેવાની સંભાવના છે. તેથી માછીમારોને દરિયામાં જવાનું ટાળવા અને પહેલેથી દરિયામાં રહેલા બોટ સંચાલકોને સુરક્ષિત બંદરો તરફ પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: 15 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ : 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો તમારા રાજ્યની સ્થિતિ

તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે

વરસાદી સિસ્ટમના પ્રભાવને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળશે.

રાજ્યના ભૂમિ વિસ્તારોમાં હાલમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો સક્રિય છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

આ પણ વાંચો: NEET UG 2026 Re-examને લઈને મોટું અપડેટ! : ફી રિફંડની સમયમર્યાદા લંબાઈ, જાણો સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો

પાકિસ્તાન નજીકનું ચક્રવાતી પરિભ્રમણ બન્યું કારણ

હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્ય પાકિસ્તાન વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમમાંથી એક ટ્રફ રેખા સૌરાષ્ટ્ર અને પશ્ચિમ રાજસ્થાન થઈને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ સુધી વિસ્તરી રહી છે. આ હવામાન પ્રણાલીના કારણે ગુજરાત ઉપર ભેજયુક્ત પવનોનું પ્રવેશ વધ્યો છે અને વરસાદી પ્રવૃત્તિમાં તેજી આવી રહી છે.

વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આ સિસ્ટમ વધુ સક્રિય બનવાની સંભાવના હોવાથી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજવાળા ઝાપટાં ચાલુ રહી શકે છે. ખાસ કરીને ઓરેન્જ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં સ્થાનિક તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસા પૂર્વેની આ વરસાદી સિસ્ટમ ખેડૂતો, શહેરી વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની અપડેટ્સ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now