Home Gujarat Gujarat Politics Chaitar Vasava Gopal Italia Bhupendra Patel Harsh Sanghvi

ચૈતર વસાવાનો હુંકાર! "ભાજપના શાસનનો અહંકાર હવે ઉતારવો પડશે" : આદિવાસી નેતા અને AAP ના ધારાસભ્યએ CM અને DyCM પર સાધ્યું નિશાન

ગોપાલ ઇટાલીયાના સમર્થનમાં ઉતર્યા ચૈતર વસાવા
Play Video
Published by: Vishal Dave
Last Updated: Apr 08, 2026, 10:45 AM IST

આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સત્તામાં આવ્યા પછી તમામ ક્ષેત્રે આ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે. હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે સત્તાના નશામાં ચુર બનેલા ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે. ગુજરાતની જનતાએ હવે જાણવું પડશે અને જાગવું પડશે. છેલ્લા એક મહિનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને ઉમેદવારો પર સૌથી વધુ ફરિયાદો કરવામાં આવી છે.

જે કોઈ ઉમેદવાર તરીકે નામ જાહેર થાય અથવા ફોર્મ ભરવા જાય, તેમના ઘરે પોલીસ પહોંચી તપાસ કરે છે, તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને ખોટી એફઆઈઆર કરીને જેલમાં નાખવામાં આવે છે. તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં એક જ પેટર્નથી આ કાર્યવાહી થઈ રહી છે. ગઈકાલે પણ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના ઘરે પોલીસ પહોંચી અને તેમના માતાશ્રી સાથે જે વર્તન કર્યું તે નિંદનીય છે. તેમને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ નીચી કક્ષાની રાજનીતિનો ભાગ છે.

આ પણ વાંચોઃ "હર્ષ સંઘવીએ મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું" : "હું પોલીસમાં રહી ચૂક્યો છું અને વકીલ પણ છું તો મને બધી જ ખબર છે", ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપો

ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતુ કે અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા શાસનનો અહંકાર હવે ઉતારવો પડશે. આ લડાઈ માત્ર આમ આદમી પાર્ટીની નથી, આ લડાઈ ગોપાલ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા કે ઇસુદાનભાઈ ગઢવીની નથી, પરંતુ ગુજરાતની જનતાને ન્યાય અપાવવાની લડાઈ છે.

આ પણ વાંચોઃ "ભાજપના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલીયાના ફેન છે" : "ઇટાલીયાની ધરપકડનું ષડયંત્ર રચાયું" જાણો ઇસુદાન ગઢવીએ બીજું શું કહ્યું

આપણે સૌ સાથે મળીને આ લડાઈ લડવી પડશે. ભાજપના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓને પણ અમે જણાવવા માંગીએ છીએ કે અમે તમારી રેડ, તપાસ, ખોટી એફઆઈઆર અને જેલથી ડરવાના નથી. અમે ગુજરાતની જનતાનો અવાજ છીએ અને લોકશાહી અને બંધારણ બચાવવા માટે લડીશું. અમે જનતાને અપીલ કરીએ છીએ કે આ તમારી લડાઈ છે અને આ ચૂંટણીમાં સૌ સાથે મળીને ભાજપની તાનાશાહી સરકારને જવાબ આપવો પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now