Home Gujarat Gujarat Police 50000 Recruitment Announcement Harsh Sanghavi

ગુજરાત પોલીસ ભરતી અંગે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત : DyCM હર્ષ સંઘવીએ કહ્યું - પોલીસ ફોર્સમાં 50,000 થી વધુ યુવાનોની ભરતી થશે

hrash sanghvi
Published by: Chintan Chavda
Last Updated: Jul 08, 2026, 10:24 AM IST

ગાંધીનગર: ગુજરાત સરકાર આગામી વર્ષોમાં પોલીસ દળને વધુ મજબૂત બનાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારીમાં છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાત પોલીસમાં 50 હજારથી વધુ યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું કે હાલમાં પણ 13,500થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે.

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને નિમણૂકપત્રો એનાયત કરવાના કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ રાજ્ય સરકારના ભરતી અભિયાન અને પોલીસ દળના વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા 10 વર્ષમાં 54 હજારથી વધુ ભરતી

હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ગુજરાત સરકારે સંપૂર્ણ પારદર્શિતા સાથે 54,590થી વધુ જગ્યાઓ પર ભરતી કરીને રાજ્યના હજારો યુવાનોને સરકારી સેવામાં જોડવાનો અવસર આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પોલીસ દળને આધુનિક અને વધુ સક્ષમ બનાવવા માટે સતત આયોજનબદ્ધ રીતે નવી ભરતી કરી રહી છે, જેથી વધતી વસ્તી અને બદલાતા સુરક્ષા પડકારોને અસરકારક રીતે પહોંચી વળી શકાય.

આ પણ વાંચો: ગુજરાતના 18 હજારથી વધુ માછીમારો માટે ખુશખબર! : હવે તમામ યાંત્રિક બોટોને ડીઝલ પર પ્રતિ લિટર ₹15 સુધીની વેટ રાહતનો મળશે લાભ

મહિલાઓની ભાગીદારી વધારવા પર ભાર

કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ પોલીસ દળમાં મહિલાઓની વધતી ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 15,653 મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. હાલમાં પોલીસ દળમાં મહિલાઓનો હિસ્સો આશરે 33 ટકા છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારનો પ્રયાસ મહિલાઓની ભાગીદારીને વધુ વધારવાનો છે. તેમણે નવા અધિકારીઓને પણ મહિલા પોલીસ કર્મચારીઓ માટે વધુ સાનુકૂળ અને પ્રોત્સાહક કાર્યપરિસ્થિતિ ઊભી કરવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.

2008 પછી એક લાખથી વધુ યુવાનો પોલીસ સેવામાં જોડાયા

હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં એક લાખ જેટલા યુવાનો ગુજરાત પોલીસનો ભાગ બન્યા છે, જે રાજ્યના પોલીસ દળના ઇતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. તેમણે કહ્યું કે સતત ભરતી અને આધુનિક તાલીમના કારણે ગુજરાત પોલીસ વધુ સશક્ત અને કાર્યક્ષમ બની રહી છે. તેમણે નવા PSIને સંબોધતા કહ્યું કે પોલીસની નોકરી માત્ર રોજગાર નથી પરંતુ સમાજ અને રાજ્યની સેવા કરવાની જવાબદારી છે. કાયદાનું પાલન કરાવવાની સાથે નાગરિકોનો વિશ્વાસ જીતવો પણ દરેક પોલીસ અધિકારીની મહત્વપૂર્ણ ફરજ છે.

આ પણ વાંચો: "ગામમાં વર્દી પહેરીને જશો એટલે વટ એવો પડશે કે..." : 449 નવનિયુક્ત PSIને નિમણૂકપત્રો એનાયત કર્યા બાદ બોલ્યા DyCM હર્ષ સંઘવી

આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે ગુજરાત પોલીસ

રાજ્ય સરકારના આયોજન મુજબ હાલ ચાલી રહેલી 13,500 જગ્યાઓની ભરતી પૂર્ણ થયા બાદ પણ આગામી વર્ષોમાં તબક્કાવાર નવી ભરતી કરવામાં આવશે. 2033 સુધીમાં 50 હજારથી વધુ યુવાનોને પોલીસ દળમાં સ્થાન આપવાના આયોજનથી રાજ્યની કાયદો-વ્યવસ્થાની વ્યવસ્થા વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જાહેરાત રાજ્યના પોલીસ વિભાગમાં નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આગામી વર્ષોમાં મોટા પાયે રોજગારીની તકો ઉપલબ્ધ થવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now