એલિસબ્રિજ પાસે મધરાતે સર્જાયો અકસ્માત
અમદાવાદમાં AMTS બસના એક ડ્રાઈવરની બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, 7 July ની મોડી રાત્રે લગભગ 12:00 વાગ્યે સાળંગપુરથી એલિસબ્રિજ તરફ જઈ રહેલી AMTS બસ બ્રિજ પર ચઢવાને બદલે રિવરફ્રન્ટના રસ્તે પહોંચી ગઈ હતી. ત્યારબાદ બસ એલિસબ્રિજ નીચે આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી.
ડ્રાઈવર દારૂના નશામાં હોવાનો આરોપ
અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી. પોલીસ પહોંચી ત્યારે ડ્રાઈવર પાસેથી દારૂની ગંધ આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રાઈવરને મેડિકલ તપાસ માટે પણ મોકલવામાં આવ્યો હતો.
પોલીસે બસ કબજે કરી
બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી બસને કબજે લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ડ્રાઈવરને બસના રૂટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
મોટી દુર્ઘટના ટળી
આ અકસ્માતમાં કોઈ મુસાફર અથવા અન્ય વ્યક્તિને ઇજા પહોંચી ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, વ્યસ્ત માર્ગ પર આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ AMTSની સુરક્ષા વ્યવસ્થા અને ડ્રાઈવરોની ચકાસણી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.






