ગાંધીનગર: ગુજરાત પોલીસ દળમાં જોડાયેલા 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે આયોજિત કાર્યક્રમમાં નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ નવી જવાબદારી સંભાળનારા અધિકારીઓને નિષ્ઠા, પારદર્શિતા અને જનસેવાની ભાવના સાથે ફરજ બજાવવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ નવા PSIને કાયદાનું કડક પાલન કરાવવા સાથે પોતાના વર્તન અને કામગીરીમાં નૈતિક મૂલ્યો જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કાયદો તોડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈ સંકોચ રાખવો નહીં, પરંતુ પોતાની ફરજ હંમેશા નિષ્પક્ષ રીતે બજાવવી જોઈએ.
ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહનશીલતાનો સંદેશ
હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં ભ્રષ્ટાચાર મુદ્દે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહી છે અને કોઈપણ અધિકારીએ પોતાના કાર્યકાળ દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી ન થવા દેવી જોઈએ કે તેના પર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય.
તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા પારદર્શક અને જવાબદાર વહીવટ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતાં નવા અધિકારીઓને પ્રામાણિકતા જાળવવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિ ગંભીર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી સમીક્ષા
સુરતમાં વરસાદ દરમિયાન પોલીસની કામગીરીની પ્રશંસા
તાજેતરમાં સુરતમાં પડેલા ભારે વરસાદ દરમિયાન પોલીસકર્મીઓએ બજાવેલી કામગીરીને પણ હર્ષ સંઘવીએ બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિમાં પોલીસકર્મીઓ પાણીમાં ઉતરી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં સતત કાર્યરત રહ્યા હતા. અનેક સ્થળોએ પોલીસકર્મીઓએ લોકોને પોતાના ખભા પર બેસાડીને પણ બચાવ્યા હતા.
તેમણે કહ્યું કે પોલીસ સેવા કોઈ નિશ્ચિત સમયની નોકરી નથી. આપત્તિ, અકસ્માત કે અન્ય કોઈપણ સંકટની ઘડીએ પોલીસને તરત જ ફરજ પર હાજર રહેવું પડે છે. તેથી પોલીસની નોકરીમાં સમર્પણ, શિસ્ત અને સેવાભાવ સૌથી મહત્વપૂર્ણ છે.
'વર્દીનો વટ જાળવવો હોય તો જમીન સાથે જોડાયેલા રહો'
નવનિયુક્ત PSIને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ અધિકારી તરીકે સમાજમાં માન-સન્માન મેળવવું હોય તો લોકો સાથે સતત સંપર્કમાં રહેવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર વર્દીથી નહીં પરંતુ વર્તન, ઈમાનદારી અને લોકો માટેની સંવેદનશીલ કામગીરીથી પોલીસની સાચી પ્રતિષ્ઠા ઉભી થાય છે.
તેમણે કહ્યું કે જ્યારે અધિકારીઓ પોતાના ગામ કે વિસ્તારમાં વર્દી પહેરીને જાય ત્યારે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને ગૌરવની ભાવના ઊભી થવી જોઈએ. તેના માટે જમીન સાથે જોડાયેલા રહીને સામાન્ય નાગરિકોની સમસ્યાઓને સમજવી અને સમયસર મદદરૂપ થવું જરૂરી છે. લોકો સાથે મજબૂત સંપર્ક જ પોલીસ માટે સૌથી મોટું નેટવર્ક અને વિશ્વાસનું આધારસ્તંભ બની શકે છે.
તમને કહ્યું, "કારણ કે ગામમાં આમ જેમ વરદી પહેરીને જશો એટલે વટ એવો પડશે કે તમને એમ લાગશે કે હવે બધું આમ ગામમાં બહાર બેસાય કે નહી ઓટલે બેસાય કે નહી બધે જ બેસાય અને બધે જ આપણા કાન ખુલ્લા રાખવા જોઈએ તો જ આપણે ઇન્ફોર્મેશનનો સોર્સ વધશે મોડું કેટલું ખોલવું હોય એ આપણે જાતે નક્કી કરવું પણ કાન ખુલ્લા રાખશો અને દરરોજ વધુમાં વધુ લોકોને મળશો તો ભવિષ્યની અંદર ઇન્ફોર્મેશનની સોર્સ આપની વધતી જશે."
આ પણ વાંચો: 85 વર્ષના ઇતિહાસમાં સુરતમાં સૌથી મોટી આકાશી આફત : 300 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ, પાણીમાં તરતા દેખાયા લાખો રૂપિયાના મોબાઈલ
જનહિત માટે કામ કરવાની તક
હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકારી નોકરી ઘણા યુવાનો માટે એક સપનું હોય છે, પરંતુ પોલીસ સેવા માત્ર રોજગાર નથી, તે સમાજ અને રાજ્યની સેવા કરવાનો અવસર છે. તેમણે નવા અધિકારીઓને યાદ અપાવ્યું કે કોઈપણ મુશ્કેલી કે આપત્તિ સમયે સૌથી પહેલાં લોકો પોલીસ તરફ જ આશાભરી નજરે જુએ છે. તેથી દરેક અધિકારીએ પોતાની ફરજને જવાબદારી અને સંવેદનશીલતા સાથે નિભાવવી જોઈએ.
કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારે નવા PSIને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.






