Home Gujarat Sagbara Bjp Leelaben Vasava Resigns Over Forest Land Issue

સાગબારામાં જંગલ જમીન મુદ્દે રાજકીય ગરમાવો : ખેડૂતોના સમર્થનમાં ભાજપના મહિલા આગેવાનનું રાજીનામું

લીલાબેન વસાવા
Published by: Chintan Chavda
Last Updated: Jul 08, 2026, 10:00 AM IST

નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતાં સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. તેમણે ખેડૂતોના પ્રશ્ને પક્ષમાંથી પૂરતો સહકાર ન મળ્યાનો આક્ષેપ કરતાં આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

ખોપી ગામે પત્રકારો સાથે વાતચીત દરમિયાન લીલાબેન વસાવાએ જણાવ્યું કે સાગબારા તાલુકાના ખોપી સહિતના વિસ્તારોમાં 280થી વધુ જંગલ જમીનો પર ખેડૂતો વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી આ ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારોની આજીવિકા પર અસર પડી રહી છે.

પક્ષ સમક્ષ અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યો હોવાનો દાવો

લીલાબેન વસાવાના જણાવ્યા અનુસાર તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને પક્ષના આગેવાનો અને હોદ્દેદારો સમક્ષ અનેક વખત રજૂઆત કરી હતી. જોકે, આ મુદ્દે કોઈ હકારાત્મક પ્રતિસાદ કે સહકાર ન મળતાં તેમણે 7 જુલાઈ, 2026ના રોજ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે એવો પણ દાવો કર્યો કે ઉમરપાડા સહિતના અન્ય તાલુકાઓમાં ખેડૂતો જંગલ જમીન પર ખેતી કરી રહ્યા છે, જ્યારે સાગબારા તાલુકાના ખેડૂતોને ખેતી કરવાની મંજૂરી મળતી નથી. આ સ્થિતિને તેમણે ખેડૂતો પ્રત્યે અસમાન વર્તન ગણાવ્યું અને આ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી.

ખેડૂતો સાથે મળીને લડત ચાલુ રાખવાની જાહેરાત

લીલાબેન વસાવાએ જણાવ્યું કે હવે તેમની લડત માત્ર રાજકીય નહીં પરંતુ ખેડૂતોના હિત માટેની સામાજિક લડત રહેશે. તેમણે ખોપી સહિતના ગામોના ખેડૂતો સાથે મળીને જંગલ જમીનના પ્રશ્ને એકજૂથ રહી કાયદેસર રીતે સંઘર્ષ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે સંબંધિત સત્તાધીશો ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ યોગ્ય અને ન્યાયસંગત ઉકેલ લાવશે.

આ પણ વાંચો: ગુજરાતના 18 હજારથી વધુ માછીમારો માટે ખુશખબર! : હવે તમામ યાંત્રિક બોટોને ડીઝલ પર પ્રતિ લિટર ₹15 સુધીની વેટ રાહતનો મળશે લાભ

વન વિભાગ-ખેડૂતો વચ્ચેનો વિવાદ ચર્ચામાં

સાગબારા તાલુકામાં જંગલ જમીનને લઈને ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. આ રાજીનામા બાદ સમગ્ર મુદ્દો ફરી રાજકીય કેન્દ્રસ્થાને આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ચર્ચા તેમજ વિવિધ સ્તરે રજૂઆતો થવાની શક્યતા છે. જોકે, આ સમગ્ર મુદ્દે ભાજપના જિલ્લા સંગઠન અથવા સંબંધિત સરકારી તંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. પક્ષ અથવા વન વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા આવે તો તેનાથી સમગ્ર મામલાનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now