Home Gujarat Surat Surat Flood Situation Amit Shah Review With Cm Bhupendra Patel

સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિ ગંભીર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી સમીક્ષા

amit shah and cm bhupendra patel
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 08, 2026, 08:52 AM IST

સુરત: સુરત શહેરમાં સતત ભારે વરસાદને કારણે ખાડીપૂરની સ્થિતિ ગંભીર બની છે. શહેરની પાંચ મુખ્ય ખાડીઓમાંથી ત્રણ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ છે, જ્યારે સીમાડા ખાડીનો જળસ્તર 5.50 મીટરે પહોંચતા ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે. પરિણામે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં જનજીવન અને વાહનવ્યવહાર પર વ્યાપક અસર પડી છે.

સરથાણા જકાત નાકા, પર્વત પાટિયા, ચીકુવાડી, સાણીયા, સમ્રાટ સર્કલ, લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની અને રાહત કામગીરી હાથ ધરવાની જરૂરિયાત ઉભી થઈ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીની મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા

વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સુરતમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ચર્ચા દરમિયાન રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને દરેક જરૂરી સહયોગ અને સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપવામાં આવી હોવાનું જણાવાયું છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરી શકાય.

આ પણ વાંચો: 85 વર્ષના ઇતિહાસમાં સુરતમાં સૌથી મોટી આકાશી આફત : 300 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ, પાણીમાં તરતા દેખાયા લાખો રૂપિયાના મોબાઈલ

વહીવટી તંત્ર સતર્ક, રાહત કામગીરી ચાલુ

ભારે વરસાદ અને વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને જિલ્લા અને શહેર વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ, ફાયર વિભાગ તેમજ અન્ય સંબંધિત એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને આવશ્યક સેવાઓ જાળવી રાખવા માટે કામગીરી ચાલી રહી છે.

અધિકારીઓએ નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા, વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now