Home Gujarat Gujarat News Vadodara School Bomb Threat Update

સંસ્કારી નગરી પર મોટું સંકટ! : વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ-સ્ક્વોડ, ડોગ-સ્ક્વોડ સહિતની ટીમો પહોંચી

સંસ્કારી નગરી પર મોટું સંકટ!
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2025, 05:40 AM IST

ગુજરાતમાં આ શું થવા બેઠું છે. શિક્ષણ સંસ્થાનો હવે જાણે ખતરના ઘેરામાં આવી ગયા છે. સતત બીજા દિવસે વડોદરાની બીજી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે વડોદરાની રિફાનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. આ પ્રકારનો ઈમેલ મળતા સાવચેતીના ભાગરૂપે સ્કૂલને ખાલી કરાવવામાં આવી છે. સાથે જ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની તપાસ ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. તપાસ ટીમોએ હાલ તપાસ શરૂ કરી દીધી છે.

વડોદરાની રિફાઈનરી ગુજરાત બોર્ડ સ્કૂલને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું છેકે, સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે. આ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ રિફાઈનરી સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યો છે. બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ-ઓપરેશન શરૂ કર્યું છે. ધમકીભર્યો મેલ મળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતાં વાલીઓ ચિંતામાં મુકાયા છે.

મહત્ત્વનું છેકે, સોશિયલ મીડિયા હવે મોટું સંકટ બનીને પણ ઉભરી રહ્યું છે. સાયબર ક્રાઈમ સતત વધી રહ્યાં છે. ત્યારે સોશિયલ મીડિયાનો સહારો લઈને હવે કોઈપણ ગમે ત્યાં ઈમેલ કે મેસેજ કરીને ખોટા સંદેશાઓ અને અફવાઓ વહેતી કરતું થયું છે. આવામાં પોલીસ વિભાગ, સુરક્ષા અને તપાસ એજન્સીઓનું કામ વઘારે અઘરું થઈ ગયું છે.

ઉલ્લેખનીય છેકે, વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો 24 કલાકમાં આ બીજો બનાવ છે. ગઈકાલે પણ વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમાં પણ આજ પ્રકારે ધમકી ભર્યો ઈમેલ કરવામાં આવ્યો હતો. જોકે, તપાસના અંતે પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોંતી. આ પહેલાં જાન્યુઆરીમાં પણ આજ રીતે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

ગૃહ વિભાગ અને પોલીસ તંત્રએ હવે આ પ્રકારની ગુનાઈત પ્રવૃત્તિઓને ડામવા નક્કર પગલાં લેવાની જરૂર છે. વાલીઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિને કારણે સતત ભયના ઓથાર હેઠળ રહે છે. તેમને પણ પોતાના નોકરી-ધંધા છોડીને તાત્કાલિક સ્કૂલમાં પોતાના સંતાન માટે દોડવું પડે છે. જેથી વાલીઓએ પણ આવા તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now