સાત-સાત દિકરીઓએ એકથી થઈને જ્યારે પિતાને કાંધ આપી ત્યારે આખે આખું ગામ હિબકે ચઢ્યું અને ધ્રુસકેને ધ્રુસકે સૌ કોઈ રડી પડ્યાં. આ ઘટના છે ગુજરાતના મોરબી જિલ્લાના હળવદ તાલુકાની. હળવદના શક્તિનગરમાં હાલ શોકનો માહોલ છે. કારણકે, એક પિતાના તેમની સાત-સાત દિકરીઓએ કાંધ આપવાનો વારો આવ્યો છે. સાત દિકરીઓ જ્યારે પિતાને અગ્નિદાહ આપવા ઉભી રહી ત્યાં આખું ગામ આ દ્રશ્યો જોઈને ચોધાર આંસુંએ રડી પડ્યું.
પ્રાપ્ત માહિતી મુજબ શક્તિનગરમાં રહેતાં અને મજૂરીકામ કરતા ભાવેશભાઈ ભટ્ટને સાત દિકરીઓ હતી. તેમને પુત્રની આશા હતી. ભગવાને તેમના ત્યાં પુત્ર આપ્યો પણ ખરાં. જોકે, બાળક અધૂરા મહિને જન્મતા બાળકનું હોસ્પિટલમાં જ મોત નિપજ્યું હતું. તેને લઈને બાળકના પિતા ભાવેશભાઈ ભટ્ટ આઘાતમાં આવી ગયા હતા.
પુત્રના મુત્ય બાદ ભાવેશભાઈ નાસીપાસ થઈ ગયા હતા. રોજની જેમ તેઓ મજૂરીકામ માટે ગયા હતા. મજુરીકામેથી પરત આવતી વખતે તેમને રસ્તામાં જ છાતીમાં દુઃખાવો થવા તેઓ બાઈક પરથી પડી ગયા. સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. તબીબે હાર્ટ અટેકને કારણે મૃત્યુ થયું હોવનાનું જણાવ્યું હતું. તેમના નિધનના સમાચાર મળતાની સાથે આખુ ગામ શોકમા ગરકાવ થઈ ગયું હતું. 19 વર્ષિય મોટી દિકરી મિત્તલે પોતાના અન્ય છ બહેનો સાથે મળીને પિતાને કાંધ આપીને તેમની અંતિમવિધિ કરી હતી. કરમની કઠિનાઈ કહો કે વિધિની વક્રતા પણ આ દુઃખદ ઘટનામાં પણ એક સારો સંદેશો હતો. એક તરફ દુઃખદ ઘટના હતી અને બીજી તરફ ગ્રામજનો એવી પણ ચર્ચા કરતા હતા કે, ખુબ નસીબદાર પિતા છે જેને એક સાથે સાત-સાત દિકરીઓએ કાંધ આપીને તેમના અંતિમ સંસ્કાર કર્યાં.






