Home Gujarat Gujarat News Plane Crash Victims Nears Completion Dna Matching Process

તંત્ર 'કસોટી'માં ખરૂ ઊતર્યું! : DNAએ મેચિંગ માટે સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે

તંત્ર 'કસોટી'માં ખરૂ ઊતર્યું!
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 12:31 PM IST

અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનાના તત્કાળ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વરિષ્ઠ મંત્રીઓના નેતૃત્વ હેઠળ અમદાવાદના સિવિલ મેડિસિટીમાં આવેલ કસોટી ભવનમાં તાત્કાલિક એક ડેડિકેટેડ કમાંડ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું હતું. મૃતદેહોની ઓળખ માટે જરૂરી ડીએનએ મેચિંગ પ્રક્રિયા માટે સ્વજનોના ડીએનએ સેમ્પલિંગની કામગીરી આવશ્યક હતી. જે બીજે મેડીકલ કોલેજના કસોટી ભવન ખાતે શરૂ કરવામાં આવેલી. આરોગ્ય તંત્ર આ 'કસોટી' પાર ઊતર્યું છે. ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.

દુઃખદ વિમાન અકસ્માત બાદ મૃતદેહોની ઓળખ કરવા ડીએનએ મેચિંગ માટે સેંપલ કલેક્શનની પ્રક્રિયા વહેલી તકે અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા માટે માઇક્રોબાયોલોજિસ્ટની 5 નિષ્ણાત ટીમોની રચના કરવામાં આવી હતી.મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારજનોને દરેક શક્ય સહાય વિના વિલંબે પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આ સેન્ટર કાર્યરત છે. પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ (પીઆઈયુ)ને જવાબદારી સોંપવામાં આવી હતી કે તે તમામ જરૂરી વ્યવસ્થાઓ જેમ કે બેસવાની સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, ચા-કોફી વગેરેની વ્યવસ્થા સંપૂર્ણ સંવેદનશીલતા સાથે સુનિશ્ચિત કરે કે જેથી ત્યાં પહોંચેલા શોકમગ્ન પરિજનો અને મુલાકાતીઓને યથાસંભવ આરામ અને સન્માજનક વાતાવરણ મળી શકે.

આ મુશ્કેલ અને લાગણીશીલ ક્ષણોમાં પરિવારજનોને માનસિક સહાય આપવા તથા માર્ગદર્શન પૂરું પાડવા માટે મનોચિકિત્સકો તથા કાઉન્સેલરોની ટીમ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારના શોક કે ઘબરાટથી ઉત્પન્ન થનાર પરિસ્થિતિમાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવા માટે ફર્સ્ટ એડ ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. ડીએનએ સેંપલ મેચિંગ પ્રક્રિયા માટે જે પરિજનો પોતે ઉપસ્થિત નથી રહી શકતાં, તેવી પરિસ્થિતિમાં તેમના ઘરેથી જ ડીએનએ સેંપલ કલેક્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્થળ પર આવનાર તમામ વ્યક્તિઓની સહાય અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ જનસેવકોએ વહીવટી અધિકારીઓ સાથે મળી સમર્પણ અને સહાનુભૂતિ સાથે કામ કર્યુ છે.

આ કટોકટીભરી પરિસ્થિતિમાં તમામ પ્રકારના ડેટાને રીયલ-ટાઇમમાં અપડેટ કરવાની પણ વ્યવવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈ પણ પ્રકારની ભ્રામક માહિતી ન ફેલાય. સાથે જ, ડીએનએ સેંપલ કલેક્શનની ખાસ ટીમો અત્યંત સહાનુભૂતિ અને સંવેદનશીલતા સાથે તેવા પરિવારજનોનો વ્યક્તિગત રીતે સંપર્ક કર્યા હતા કે જેઓ કોઈ કારણસર સેંપલ આપવા માટે આવી નથી શક્યાં. રાજ્ય સરકારની તમામ ટીમો તરફથી એ સુનિશ્ચિતિ કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પરિવાર આ મહત્વની પ્રક્રિયાથી વંચિત ન રહે અને દરેક પીડિતને સન્માનપૂર્વક ઓળખ, ન્યાય તથા લાગણીશીલ સપોર્ટ પ્રાપ્ત થઈ શકે.સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવન ખાતે મૃતકોના ડીએનએ સેંપલ્સ તથા સ્ટાફિંગની પ્રક્રિયા સ્ટેટ કંટ્રોલ રૂમના સંકલનમાં 24x7 કાર્યરત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now