રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો કે, આ વરસાદ ક્યાંક ખુશીની લહેર લઈ આવ્યો છે તો ક્યાંક આફત સમાન વરસ્યો છે. જેમા જૂનાગઢ અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
વડાલીમાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો
જૂનાગઢના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલીમાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના તલાલા અને સુરતના મહુવા તથા વિસાવદર અને માંગરોળમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ખેડબ્રહ્મા, વડગામ, ખેરગામ, સૂત્રાપાડામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ઉત્તર ગુજરાતમાં મેઘો મૂશળધાર
સૌરાષ્ટ્રનો વારો કાઢ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘો મૂશળધાર વરસ્યો છે. પાલનપુર હોય કે મહેસાણા વરસાદ અવિરત વરસ્યો છે, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. બનાસકાંઠામાં પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર કડાકા-ભડાકા સાથે વીજળી પડી છે. વીજળીના કારણે જળાધારીના પથ્થરો 200 સુધી ઊડીને પડ્યા હતા. તો બીજી તરફ સાબરકાંઠાના વડાલીમાં ખેતરોનો પાક સાથે ટપક સિંચાઈની નળીઓ તણાઈ છે. 21 તારીખની સાંજ પછી રાત્રેથી સાબરકાંઠામાં વરસાદે જમાવટ કરી છે.
આફતનો વરસાદ
ખેડબ્રહ્મામાં 21 તારીખ પછી શરૂ થયેલા વરસાદના કારણે 4 મકાન ધરાશાયી થયા છે તેમજ 5 પશુનાં મોત થયાની વિગતો પણ સામે આવી છે. ગલોડિયામાં ચારે બાજુ પાણી ફરી વળતા ખેતી પાકમાં નુકસાન થયું છે. ચોકમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા.
"અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!": સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા


_9bc26c2c-00b0-490a-bfc8-ed6cb95cc468.jpg)



