ગાંધીનગરમાં યોજાયેલી પાટીદાર સમાજની બેઠકમાં હોબાળો થયો છે. શાંતિલાલ સોજીત્રાએ પૂર્વ પાસ કન્વીનર જયેશ પટેલને આમંત્રણ ના આપવાના મુદ્દાને લઈ હોબાળો મચાવ્યો હતો. જો કે, ચાલુ બેઠકમાં મોટી બબાલ થાય તેના પહેલા શાંતિલાલને અન્ય પાટીદાર યુવાનો બહાર લઈ ગયા હતા
હોબાળા મુદ્દે વરૂણ પટેલે શું કહ્યું ?
પાટીદાર બેઠકમાં થયેલા હોબાળા મુદ્દે વરૂણ પટેલે કહ્યું કે, ''આ મારા કે બીજા કોઈના દીકરાના લગ્ન નહોતા, આવામાં એક બે રીસાતા હોય છે, આ સમાજનું કામ છે અને સમાજ અવિરત પ્રવાહ છે. સમાજ માટે લાગણી હોય એ આવ્યા છે, અમે મીડિયાના માધ્યમથી સમાચાર આપ્યા અને જેને આવવું હતું તે આવ્યા છે જેમને ના આવવું હોય તે નથી આવ્યા.
10 મુદ્દા પર ચર્ચા કરાઈ: પૂર્વિન પટેલ
SPG પ્રવક્તા પૂર્વિન પટેલે કહ્યું કે, ''પાટીદાર સમાજ ચિંતન શિબિર યોજાઈ છે, જેમાં ગુજરાતના પાસના આંદોલનની શરૂઆત કરનાર પાસ અને SPG તેમજ અન્ય પાટીદાર સમાજના આગેવાનો આવ્યા હતા, આંદોલનના 10 વર્ષ પછી સમાજ ને શું મળ્યું તેમજ અન્ય 10 મુદ્દા પર ચર્ચા કરાઈ છે. સાથો સાથ આવનાર સમયમાં કેવી રીતે સામાજિક લાભ મળી શકે, સરકારમાં રજુઆત કેવી રીતે કરવી તેની ચર્ચા કરી છે''
ચિંતન શિબિરમાં શુ ચર્ચા કરાઈ ?
ચિંતન શિબિરને લઈ વરૂણ પટેલે કહ્યું કે, ''ગુજરાતના શિક્ષિત, વિકસિત સમાજનો મહત્વનો પ્રશ્ન ભાગેડુ લગ્ન છે, આ એક મોટું રેકેટ ચાલે છે ત્યારે સરકારમાં રજૂઆત છે કે લગ્નની નોધણી સ્થાનિક કક્ષાએ કરવી
માતા-પિતામાંથી એક જણની સહમતી લેવી જોઈએ'' વધુમાં કહ્યું કે,'' ઓનલાઇન ગેમિંગ, વ્યાજે પૈસા આપવા, જમીન પડાવી લેવી, સામાજિક સુરક્ષા જેવી બાબતે ચર્ચા કરી છે''
પાટીદાર બેઠકમાં હોબાળો મચ્યો હતો
સમાજની ચિંતા કરવામાં માટે એકઠા થયેલા પાટીદાર અગ્રણીઓ અને યુવાનો વચ્ચે હોબાળો મચ્યો હતો. જે હોબાળા દરમિયાન શાંતિલાલ કહી રહ્યાં છે કે, ''પાટીદાર આંદોલનમાં અમે પણ હતા''. જો કે, હોબાળો કેટલાક અગ્રણીઓને આમંત્રણ ન અપાયું હોવાથી મચ્યો હોવાની વિગતો છે. ઉલ્લેખનીય છે કે, આ ચિંતન શિબિરમાં હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલિયાની ગેરહાજરી દેખાઈ છે.
આ બેઠકને લઈ તર્ક વિતર્ક
પાટીદાર આંદોલનના નેતાઓનું રાજકીય પુનરાગમન ગુજરાતના રાજકારણમાં નવા ફેરફારોનો સંકેત રૂપમાં ગણવામાં આવે છે. AAPનો ઉદય, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓની સફળતા, આ ઉપરાંત, ભાજપ અને કોંગ્રેસમાં પાટીદારોની મજબૂત પકડ રહી શકે તે માટે પણ ચર્ચા થઈ છે. જો કે, સૂત્રો પાપ્ત એવી વિગતો છે કે, આ બેઠક પછી અન્ય અંગત જગ્યાએ પણ મીટિંગ યોજાઈ શકે છે.
મુખ્ય બેઠક અન્ય કોઈ જગ્યાએ: સૂત્રો
આ બેઠકમાં કેટલાક પાટીદાર નેતાઓની ગેરહાજરી પણ દેખાઈ છે. સૂત્રો પાપ્ત વિગતો છે કે, આ બેઠક બાહ્ય દેખાવ અને સમાજિક ચર્ચાઓ માટે છે, મુખ્ય બેઠક, રાજકીય ચર્ચાઓ માટે અન્ય કોઈ જગ્યાએ રાખવામાં આવી છે, જેમાં ચોક્કસ પાટીદાર અગ્રણી અને યુવાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

_5c5cb8a7-43ae-4eef-96d3-61d2dadb8942.jpg)




