ગુજરાતની સરહદે આવેલો દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે કચ્છ ચર્ચામાં આવ્યું તેનું કારણ છે અડધી રાત્રે ત્યાંના આકાશમાં થયેલા ભેદી ચમકારા. કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અડધીરાત્રે કોઈ મિલ ગયા ફિલ્મના 'જાદુ' જેવી ઘટનાની તસવીરો સામે આવી. આ ઘટનાની તસવીરો અને વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયુવેગે વહેતા થઈ ગયા છે. કોઈ કહી રહ્યું છેકે, આકાશમાં જાદુ દેખાયું તો કોઈ કહી રહ્યું છેકે, એલિયન આવ્યા હોય એવું લાગે છે. આ ઘટના બાદ અલગ અલગ અફવાઓ પણ ઉડી રહી છે.
આ ઘટનાને કારણે થોડીવાર માટે તો આખો વિસ્તાર રોશનનીથી ઝળહળી ઉઠયો હતો. આ ઘટનાને પગલે એક તરફ સ્થાનિકોમાં કુતૂહલતા હતી કે આ શું થઈ રહ્યું છે તો બીજી તરફ લોકોમાં ડર અને ફફડાટ પણ હતો. રાત્રે 3 વાગ્યાને 10 મિનિટ આસપાસની આ ઘટના છે. જેમાં આકાશમાંથી કંઈક ચમકદાર વસ્તુ ધરતી પર પડતી જોવા મળી. જેને કારણે આખાય વિસ્તારમાં થોડીવાર માટે તો અલગ પ્રકારનો પ્રકાશ છવાઈ ગયો હતો.
ભુજમાં રણકાંધી વિસ્તારમાં આકાશમાં અડધીરાત્રે ભેદી ચમકારો થતાં સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. કેટલાંક ખગોળ શાસ્ત્રી માને છેકે, આ ઘટના આકાશમાંથી ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે. આ ઘટના સંદર્ભે તેવો એવું પણ માને છેકે, પૃથ્વીની આજુબાજુ પણ કેટલાક ખડકો છે. આમાંથી કેટલાક નાના-નાના ખડકો ગુરુત્વાકર્ષણથી આકર્ષાઈ પૃથ્વી તરફ આવે છે. ઘણી વખત નાના મોટી ઉલકાઓ આવે છે. જ્યારે આ ઉલકા આવે છે ત્યારે પૃથ્વીના વાયુમંડળ સાથે જબરદસ્ત ઘર્ષણ થાય છે.
કેટલાંક ખગોળવિદો આ ઘટનાને ઉલ્કાનો ફાયરબોન પણ કહી રહ્યાં છે. કારણ કે, જ્યારે ઉલ્કાનો મોટો ટુકડો આકાશની અંદર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે ઘર્ષણથી સળગે છે. મોટાભાગે તે આકાશમાં જ બળીને ખાખ થઈ જતો હોય છે. પરંતુ બળતા પહેલા તેના નાના-નાના ટૂકડાઓ થતા હોય છે. જ્યારે ઉલ્ટા ફાટે છે ત્યારે મોટો પ્રકાશ દેખાય છે.





