અમદાવાદના રામોલમાં અસમાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પોલીસ અક્શનમાં આવી છે અને રતનપુરા ગામમાંથી ડેકોરેશનના ગોડાઉનમાંથી રૂપિયા 50.12 લાખના જુગાર સાથે કિશોર સહિત પાંચની ધરપકડ કરી છે.
પોલીસે 50.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
રામોલમાં આવેલા રતનપુરા ગામમાં ડેકોરેશનના ગોડાઉનમાં ચાલતા હાઇફાઇ જુગારધામ પર રામોલ પોલીસે દરોડા પાડીને જુગાર રમી રહેલા કિશોર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. અત્રે જણાવીએ કે, પોલીસે બે મોંઘીદાટ ફોર વ્હીલર ગાડી સહિત કુલ 50.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે દરોડા પડતાની સાથે જ પોલીસ પકડથી ભાગી છૂટેલો ડેકોરેશનનો મૂળ માલિક સૌરવ દેસાઈની પોલીસે શોધખોળ શરુ કરી છે.
પોલીસે ફરાર આરોપીઓ શોધખોળ હાથધરી
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેકોરેશના ગોડાઉનના મૂળ માલિક સૌરવ દેસાઈએ જુગાર રમવા માટે ગોડાઉન ભાડેથી આપતો હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે, ગોડાઉન માલિકે પોલીસ દરોડા પાડે નહી તેના માટે વોચ માટે વિશાલ ભરવાડ, અંકુર દેસાઈ અને વિપુલ દેસાઈને રાખ્યા હતા. પોલીસે ગૌરવ ચૌહાણ, હિતેશ રબારી, આતિષ દેસાઈ, સહિત કિશોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. રામોલ પોલીસે દરોડા પાડીને બે મોંઘીદાટ ફોર વ્હીલર અને મોબાઈલ ફોન કબ્જે કરીને ફરાર સૌરવ દેસાઈ, વિશાલ ભરવાડ અને અંકુર દેસાઈ તથા વિપુલ દેસાઈની શોધખોળ હાથ ધરી છે.
સુરતમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોનો હલ્લાબોલ: "પાણી નહીં તો વોટ નહીં"ના નારા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી






