સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં ગત રાત્રિએ બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. મોડી રાત્રે બાઈક પર આવેલા કેટલાક અજાણ્યા યુવકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને રાજકારણીઓને બદનામ કરતી હજારો પત્રિકાઓ ફેંકી હતી. આ પત્રિકાઓમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને ધારાસભ્ય સુધીના પદોનો ઉલ્લેખ કરીને ગંભીર અને વાંધાજનક લખાણ લખવામાં આવ્યું છે.
કોન્સ્ટેબલની તસવીર અને નંબરનો દુરુપયોગ
આ પત્રિકામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમાં પોરબંદરમાં ફરજ બજાવતા અને મૂળ વડાલીના વતની એવા એક પોલીસ કોન્સ્ટેબલની તસવીર અને મોબાઈલ નંબર છાપવામાં આવ્યો છે. પત્રિકામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે 'પરમિશન' અપાવવાની અને પોલીસ સેટિંગ હોવાની વાતો લખવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ લખાણ કોઈને વ્યક્તિગત રીતે અને પોલીસ તંત્રને સામાજિક રીતે બદનામ કરવાના ઈરાદે તૈયાર કરાયું હોય તેવું જણાય છે.
તંત્ર એક્શન મોડમાં: CCTV તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સતર્ક બની છે. જે પોલીસકર્મીનું નામ પત્રિકામાં છે તેમણે પોતે પણ આ ષડયંત્ર રચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં વડાલી પોલીસે શહેરના વિવિધ માર્ગો પર લાગેલા CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી બાઈક પર પત્રિકાઓ ફેંકવા આવેલા યુવકોની ઓળખ કરી શકાય.
આ પ્રકારની પત્રિકાઓના કારણે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે તેમાં એસપી (SP) થી લઈને ધારાસભ્ય (MLA) સુધીના લોકોના સેટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળ કોઈ અંગત અદાવત છે કે પછી સોશિયલ મીડિયા અને જાહેર જીવનમાં અરાજકતા ફેલાવવાનું કોઈ મોટું ષડયંત્ર.






