Ahmedabad News: કેરલમ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રચારના ધમધમાટ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ વિરુદ્ધ આપેલા એક વિવાદાસ્પદ નિવેદને ગુજરાતના રાજકારણમાં ભારે હોબાળો મચાવ્યો છે. ખડગેએ ગુજરાતીઓને 'અભણ' ગણાવતા જ ભાજપના નેતાઓ સહિત પૂર્વ કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસની માનસિકતા પર આકરા પ્રહારો કર્યા છે.
અર્જુન મોઢવાડિયાનો કોંગ્રેસ પર પ્રહાર: "કોંગ્રેસ હંમેશા ગુજરાત વિરોધી રહી છે"
ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાએ આ ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસની માનસિકતાને ખુલ્લી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા હંમેશાથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે વિરોધી રહી છે. મેં પોતે વારંવાર આ અનુભૂતિ કરી છે. સ્વયં રાષ્ટ્રીય નેતા બની બેઠેલા કોંગ્રેસના આવા નેતાઓ દ્વારા દર વખતે ગુજરાત વિરુદ્ધ આપત્તિજનક માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવે છે, જેના કારણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ માટે જનતાની વચ્ચે જવું પણ કઠિન થઈ ગયું છે."
શું છે સમગ્ર વિવાદ?
9 એપ્રિલ,2026ના રોજ યોજાનારી કેરલમ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા મલ્લિકાર્જુન ખડગેએ ૫ એપ્રિલના રોજ એક સભામાં કહ્યું હતું કે, "મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં..." આ નિવેદન બાદ ગુજરાતમાં ભાજપ આક્રમક મૂડમાં આવી ગયું છે.
આ પણ વાંચો: "ગુજરાતીઓ અભણ..." કોંગ્રેસના નેતા ખડગેનું નિવેદન : ગુજરાતીઓમાં ભભૂક્યો રોષ, "જો માફી નહીં માંગે તો...!"
જગદીશ વિશ્વકર્માના આકરા સવાલ: "ગુજરાતીઓ પ્રત્યે આટલું ઝેર કેમ?
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખડગેના નિવેદનને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે, "ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે આટલી બધી ઈર્ષ્યા શેના માટે છે? પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ નિવેદન માત્ર જીવિત ગુજરાતીઓનું જ નહીં, પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાનુભાવોનું પણ અપમાન છે. જો ખડગે માફી નહીં માંગે તો જનતા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસનો 'કાળો પંજો' ગુજરાતની જનતા છેલ્લા ૨૭ વર્ષથી તિજોરી પર પડવા નથી દેતી, તેનો આ ફ્રસ્ટ્રેશન (નિરાશા) છે.
નેહરુએ સરદાર પટેલને હટાવ્યા હતા" - સાંસદ ધવલ પટેલ
વલસાડના સાંસદ અને પ્રદેશ ભાજપ સહ-પ્રવક્તા ધવલ પટેલે ઇતિહાસને યાદ કરતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "આ પહેલીવાર નથી. જવાહરલાલ નેહરુએ કાવતરાપૂર્વક સરદાર પટેલને પ્રધાનમંત્રી બનતા અટકાવ્યા હતા અને ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને હટાવવાનું કામ કર્યું હતું. રાહુલ ગાંધીએ પણ અગાઉ ગુજરાતીઓને કૌભાંડી કહ્યા હતા." ધવલ પટેલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીને ઘેરતા સવાલ કર્યો કે, "શું તમે તમારા રાષ્ટ્રીય પ્રમુખના આ નિવેદનને સમર્થન આપો છો? જો તમે જાહેરમાં વિરોધ નહીં કરો, તો સાબિત થશે કે ગુજરાત કોંગ્રેસ પણ ગુજરાતીઓને નફરત કરે છે."
આ પણ વાંચો: “આ તો માત્ર ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે” : રાઘવ ચઢ્ઢાની ખુલ્લી ચેતવણી; શું AAP છોડશે?
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે ખડગેના આ નિવેદને ભાજપને મોટું હથિયાર આપી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદની અસર આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણ પર કેવી પડે છે.





