આમ આદમી પાર્ટી (AAP)માં ચાલી રહેલો આંતરિક તણાવ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. તાજેતરમાં રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવવામાં આવ્યા બાદ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ ગણાવાયા પછી રાઘવ ચઢ્ઢા એ સોશિયલ મીડિયા પર આક્રમક અંદાજમાં પ્રતિસાદ આપ્યો છે. તેમના વીડિયોએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે.
"પિક્ચર હજુ બાકી છે" રાઘવ ચઢ્ઢા
વીડિયો સાથે રાઘવ ચઢ્ઢાએ લખ્યું હતું, “આ તો માત્ર ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે,” જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ આ વિવાદને આગળ પણ લઈ જવાના મૂડમાં છે. વીડિયોમાં તેમણે ભાવુક સ્વરમાં કહ્યું કે પંજાબ તેમના માટે માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ તેમનું ઘર અને તેમની ‘રુહ’ છે. તેમણે તેમના પર લાગેલા આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું કે તેઓ સતત પંજાબના હિત માટે અવાજ ઉઠાવતા આવ્યા છે.
તેમણે પોતાના દાવાને મજબૂત કરવા માટે સંસદમાં આપેલા ભાષણોની ક્લિપ્સ પણ શેર કરી. જેમાં ખેડૂતો માટે MSPની કાનૂની ગેરંટી, દેવા માફી, પરાલી મેનેજમેન્ટ માટે કેન્દ્ર સરકાર પાસેથી સહાય, પંજાબમાં ઘટતા ભૂગર્ભ જળ અને પ્રદૂષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સાથે જ તેમણે કેન્સર પીડિતો માટે ભટિંડા-બીકાનેર ટ્રેન સેવા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની અછત જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હોવાનું જણાવ્યું.
AAP માં આંતરિક ગૂંચવણ વધી
આ સમગ્ર વિવાદ વચ્ચે AAP માં આંતરિક ગૂંચવણ વધુ ઊંડી બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીના અન્ય નેતાઓ દ્વારા પણ રાઘવ ચઢ્ઢા પર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. હરિયાણાના પૂર્વ AAP અધ્યક્ષ નવીન જયહિંદ એ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે મામલો વધુ ગરમાયો છે.
આ પરિસ્થિતિએ સંકેત આપ્યો છે કે પાર્ટીમાં અંદરખાને મતભેદો ચરમસીમાએ પહોંચી રહ્યા છે. રાઘવ ચઢ્ઢાનો ‘ટ્રેલર’ વાળો વીડિયો આવતા દિવસોમાં પંજાબની રાજનીતિમાં વધુ મોટો રાજકીય તોફાન લાવી શકે છે. હવે જોવાનું રહ્યું કે પાર્ટી આ આંતરિક વિવાદને કેવી રીતે સંભાળે છે અને તેનો ચૂંટણી રાજકારણ પર શું અસર પડે છે.





