Home Gujarat Surat Election Shravan Joshi Ai Video Controversy Faints

ટિકિટ મળી એ જ દિવસે હોસ્પિટલ! : AAP ઉમેદવાર શ્રવણ જોશી સાથે ગોડાદરા પોલીસ મથકમાં શું થયું?

આપ કાર્યકર્તાનો બેભાનનું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 06, 2026, 07:55 AM IST

સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 26ના શ્રવણ જોશીને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોડાદરા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં જ તેમની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી અને કાર્યકર્તાઓ દ્વારા તેમને બહાર લાવવામાં આવ્યા હતા.

પૂર્વ કોર્પોરેટરની છબી ખરાબ કરવાનો પ્રયાસ

આ સમગ્ર મામલો પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂત દ્વારા નોંધાવાયેલી ફરિયાદ સાથે જોડાયેલો છે. ફરિયાદ મુજબ, શ્રવણ જોશીએ સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પૂર્વ કોર્પોરેટરની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ન્યૂઝ કટીંગ્સ સાથે ફોટોગ્રાફને એડિટ કરીને હાથકડી પહેરાવેલી છબી દર્શાવવામાં આવી હતી.

મામલો અહીં અટક્યો નહોતો. ફરિયાદમાં અનુસાર, શ્રવણ જોશીએ ઓડિયો ક્લિપ્સ અને અન્ય AI જનરેટેડ સામગ્રી બનાવી તેમાં ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેમાં ગાળાગાળી, હુમલાનો પ્રયત્ન અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા દાવાઓ કરવામાં આવ્યા હતા. આ તમામ સામગ્રીને એક ડોક્યુમેન્ટરી સ્વરૂપમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. આ અંગે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને તેના આધારે તેમને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા.

ત્રણ કલાકની પૂછપરછ બાદ લથડી તબિયત

મળતી માહિતી મુજબ, લગભગ ત્રણ કલાક સુધી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન શ્રવણ જોશીની તબિયત બગડવા લાગી અને તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક મેડિકલ મદદ બોલાવીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વિચારણાજનક બાબત એ છે કે, આ ઘટનાના સમય દરમિયાન જ AAP દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં શ્રવણ જોશીને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આવા સમયે ઉજવણીનો માહોલ હોય છે, પરંતુ અહીં પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત રહી હતી.

આ પણ વાંચો: 'શરમ આવે છે? આ વિસ્તાર ભૂલી જજો, વોટ નહીં મળે' : સુરતમાં ભાજપ નેતાઓ સામે જનતાનો 'કાળા પાણી'નો સત્કાર

પોલીસ પર માનસિક ત્રાસના આક્ષેપો

શ્રવણ જોશીના વકીલ અભિષેકસિંહ રાજપૂતએ પોલીસ પર માનસિક ત્રાસના આક્ષેપો લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, શ્રવણ જોશીની તબિયત પહેલેથી નબળી હોવા છતાં લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી અને તેમને આરામ કે જમવાની તક આપવામાં આવી નહોતી, જેના કારણે તેઓ બેભાન થઈ ગયા.

શ્રવણ જોશી વિરુદ્ધ ત્રણ કેસ

પોલીસ સૂત્રો અનુસાર, શ્રવણ જોશી સામે આ ત્રીજો કેસ છે. અગાઉ પણ તેમના વિરુદ્ધ ખંડણી સંબંધિત બે કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં તેમને હાઇકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ વધુ તપાસ ચાલુ છે, જે આગામી દિવસોમાં વધુ રાજકીય ચર્ચા ઊભી કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now