Gujarat Local Body Elections 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. 9,200 બેઠકો પર થયેલી આ ચૂંટણીમાં એક તરફ ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે, તો બીજી તરફ કેટલીક બેઠકો પર તેને કારમી હારનો સામનો પણ કરવો પડ્યો છે. ભુજ નગરપાલિકામાં AIMIM ની એન્ટ્રીએ સૌને ચોંકાવી દીધા છે.
મુખ્ય પક્ષોનું પ્રદર્શન: કોણ ક્યાં જીત્યું?
ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ભાજપ તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત મેળવી કેસરીયો લહેરાવ્યો છે. કોંગ્રેસે ડભોઈ નગરપાલિકામાં 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાતની 5 તાલુકા પંચાયતો પર કબજો જમાવ્યો છે.
ભાજપનો દબદબો અને ક્યાંક પીછેહઠ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ભાજપે ફરી સત્તા મેળવી છે. બહુમતી માટે જરૂરી 96 બેઠકોનો આંકડો પાર્ટીએ પાર કરી લીધો છે. રાજકોટના વોર્ડ નંબર 2 માં પણ ભાજપની પેનલ વિજેતા બની છે, જોકે અહીં સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર થઈ છે.
ડભોઈમાં ઉલટફેર: ભાજપે 8 વર્ષ બાદ ડભોઈ નગરપાલિકામાં સત્તા ગુમાવી છે. પૂર્વ પ્રમુખ બિરેન શાહ ચૂંટણી હારી ગયા છે.
સેલિબ્રિટીઝની જીત: સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી 2,400 મતે જીત્યા છે.
દબંગ નેતાની પુત્રીની જીત: વડોદરાના નેતા મધુ શ્રીવાસ્તવની પુત્રી દીપા શ્રીવાસ્તવ કોંગ્રેસની ટિકિટ પર વિજેતા બન્યા છે.
ગાયક કલાકારોનો જાદુ: ભાજપના ઉમેદવાર અને સિંગર રાજલ બારોટ (ઊના) અને લોક ગાયિકા નેહા સુથાર (વિજાપુર તાલુકા પંચાયત) એ જીત હાંસલ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસની બેઠકો વધી : ભાજપે ગુમાવી ગઢ ગણાતી ખાડિયા બેઠક
કચ્છમાં AIMIM નો દબદબો
કચ્છની ભુજ નગરપાલિકામાં AIMIM એ મોટી જીત મેળવી છે. પાર્ટીના ત્રણ ઉમેદવારો સરફરાઝ, મુખ્તાર અને રોશન સારા મતોથી વિજેતા બન્યા છે. બીજી તરફ, વાવ-થરાદની ભાભર નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને ભાજપે તમામ 24 બેઠકો પર જીત મેળવી છે.
મોટા માથાની હાર અને પક્ષપલટાની અસર
ચૂંટણી પરિણામોમાં કેટલાક દિગ્ગજ નેતાઓને ઝટકો લાગ્યો છે..
1. ભૂપત ભાયાણી: AAP છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની ભેંસાણ બેઠક પર હાર થઈ છે.
2. અર્જુન મોઢવાડિયા: પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પોતાની બેઠક બચાવી શક્યા નથી, ત્યાં AAP ના ઉમેદવારની જીત થઈ છે.
3. સુરત: સુરતમાં AAP ના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાર થઈ છે, જ્યારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયા મોટા મતોથી જીત્યા છે.
4. માયાભાઈ આહીરની પુત્રી: અમરેલીમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલબેન ડેરની હાર થઈ છે.
મતોની ગણતરી દરમિયાન સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના પણ સામે આવી છે, જેમાં કોંગ્રેસના એક ઉમેદવાર પર હુમલો થયો હોવાના અહેવાલ છે.





