Home Gujarat Ahmedabad Gujarat Local Body Election 2026 Results Live Counting Start

Gujarat Local Body Election Results Live Updates : કેસરિયા રંગે રંગાયું ભાજપ; અમદાવાદમાં વિજયોત્સવ; ભાજપે 15 મનપા, 34માંથી 33 જિ.પં, 76 ન.પા. અને 253 તા.પં. પર મેળવી ભવ્ય જીત

Gujarat Local Body Election Results Live
Image Credit: AI
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 28, 2026, 04:45 PM IST

Gujarat Local Body Election 2026 Results Live Update: જાણો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પળેપળનાં પરિણામો...

10.00 PM
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. સમગ્ર રાજ્યમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. ભાજપે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 76 નગરપાલિકા અને 34માંથી 33 જિલ્લા પંચાયત ભાજપનાં ખાતામાં ગઈ છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે.


6.10 PM
9981 બેઠકો માટે ચૂંટણીના જાહેર થયેલા કુલ 6876 બેઠકો માટેના પરિણામોમાં ભાજપને 5525, કોંગ્રેસને 1312, આપને 383 અને અપક્ષ કે અન્ય પક્ષોને 237 બેઠકો મળી છે. ગુજરાતમા મૃતપ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો છે.

260 તાલુકા પંચાયતની કુલ 552 બેઠકો પર ભાજપનો વિજય નોંધાયો છે, જ્યારે કૉંગ્રેસને 87 બેઠકો મળી છે. 84 નગરપાલિકાની 586 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 57 બેઠકો મળી છે. તે ઉપરાંત 34 જિલ્લા પંચાયતની 127 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 7 બેઠકો પર જીત મળી છે.

કચ્છના ભુજમાં વોર્ડ નંબર-1માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં AIMIM ના 3 ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું છે. જ્યારે ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે.

8:09 PM

ખાનપુર ખાતે આવેલી પાર્ટી ઓફિસે વિજયોત્સવ કાર્યક્રમ

સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાત કેસરિયા રંગે રંગાઈ ગયું છે. આ ચૂંટણીઓમાં ભાજપે 15 મનપા, 34માંથી 33 જિ.પં, 78 ન.પા. અને 253 તા.પં. પર ભવ્ય જીત મેળવી છે. પાર્ટીએ અમદાવાદના ખાનપુર ખાતે આવેલી પાર્ટી ઓફિસે વિજયોત્સવ કાર્યક્રમ યોજ્યો છે.

6:50 PM

અંબાજીમાં મોટો રાજકીય પલટો: ભાજપના ગઢમાં 40 વર્ષ બાદ કોંગ્રેસની જીત

અંબાજીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે તાલુકા અને જિલ્લા પંચાયતની મુખ્ય બેઠકો જીત મેળવી છે. આવું થતા ભાજપના રાજકિય ગઢમાં 40 વર્ષ બાદ ગાબડું પડ્યું છે, ખાસ પરિણામને અંબાજી કોરિડોર વિકાસથી લોકોમાં અસંતોષ હોવાનું એક કારણ મનાવાય છે.

6ઃ28 PM

ખાડિયામાં જીત બદલ રાહુલ ગાંધીએ ઈમરાન ખેડાવાલાને આપ્યાં અભિનંદન
બીજી તરફ ભાજપનો ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં દાયકાઓ બાદ ભાજપના સુપડાં સાફ થયા છે. ખાડિયાની ચારેય બેઠકો પર કોંગ્રેસની પેનલ વિજયી બની છે. જેને પગલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે.

6:20 PM
જીતની ભવ્ય ઉજવણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે, ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતાં. કમલમ અને અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલય સહિત ઠેર-ઠેર ભાજપના કાર્યાલયો પર જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિજેતા ઉમેદવારો કેસરી સાફા સાથે ખાનપુર કાર્યાલય ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં. પ્રદેશ પ્રમુખની હાજરીમાં થશે વિજયોત્સવની ઉજવણી.


6:00 PM

જીત બાદ સુરતમાં ભાજપે રસ્તા પર મમરા નાંખીને ઝાડુ ફેરવ્યું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત અને વિપક્ષના સફાયા બાદ ભાજપના કાર્યકરોએ વિજયની ઉજવણી માટે એક અનોખો અને કટાક્ષમય માર્ગ અપનાવ્યો છે. સુરતના વોર્ડ નંબર ૪ માં કાર્યકર્તાઓએ રસ્તા પર મમરા વેરીને ત્યારબાદ તેના પર ઝાડુ મારીને સફાઈ કરી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિન્હ 'ઝાડુ' પર કટાક્ષ કરવાનો હતો. ઉત્સાહમાં આવીને કાર્યકર્તાઓએ ઝાડુની સળીઓ ઉખેડી નાખી હતી અને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે વિરોધ પક્ષના 'સૂપડા સાફ' થઈ ગયા છે. રસ્તા પર મમરા વેરીને તેને સાફ કરવાની આ સમગ્ર પ્રક્રિયા દ્વારા વિરોધ પક્ષના અસ્તિત્વને સમેટાઈ ગયેલું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને 'ઝાડુ'ના પ્રતીકને નિશાન બનાવીને કરવામાં આવેલી આ પ્રતીકાત્મક ઉજવણી હાલ સમગ્ર સુરતમાં રાજકીય ચર્ચાનો વિષય બની છે.


5:30 PM
અમદાવાદ મનપાનું રસપ્રદ પરિણામ
અમદાવાદ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૧ની ચૂંટણીઓના પરિણામોની તુલના કરતા રસપ્રદ વિગતો સામે આવી છે. બંને ચૂંટણીઓમાં ૪૮ વોર્ડ અને ૧૯૨ બેઠકોનું માળખું સમાન રહ્યું છે, જેમાં ભાજપે બંને વર્ષોમાં ૧૬૦ બેઠકો સાથે પોતાનું એકહથ્થુ વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જોકે, કોંગ્રેસના દેખાવમાં સુધારો જોવા મળ્યો છે; વર્ષ ૨૦૨૧માં કોંગ્રેસે ૨૪ બેઠકો મેળવી હતી, જે વધીને ૨૦૨૬માં ૩૨ બેઠક પર પહોંચી છે. બીજી તરફ, ૨૦૨૧ની ચૂંટણીમાં જોવા મળેલું AIMIMનું ૭ બેઠકોનું પ્રતિનિધિત્વ અને અપક્ષની ૧ બેઠક ૨૦૨૬ના પરિણામોમાં જોવા મળતી નથી, જે દર્શાવે છે કે આ વખતે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જ જંગ રહ્યો હતો.

4:12 PM

આખા પોરબંદરમાં લહેરાયો ભાજપનો ભગવો

પોરબંદર જિલ્લો સંપૂર્ણપણે 'કેસરીયા' રંગે રંગાયો છે. નવનિર્મિત પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. ખાસ કરીને પોરબંદર મનપામાં કોંગ્રેસ અને અન્ય પક્ષોનો શરમજનક પરાજય થયો છે. નવી બનેલી પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. કુલ 52 બેઠકોમાંથી તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. કોંગ્રેસ અહીં એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહી છે.

4:05 PM

AAP-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોની જીત

જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 12માં બે બેઠકો આમ આદમી પાર્ટી મળી અને બે બેઠકો કોંગ્રેસને મળી. જ્યારે વોર્ડ નંબર 12 શહેરમાં સૌથી ચર્ચિત વોર્ડ હતો જ્યારે બંને ટોચના આરોપી જેલમાંથી ચૂંટણી વિજેતા થયા છે જે જામનગરની ઐતિહાસિક ઘટના કહી શકાય જ્યારે બંને ઉમેદવાર ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં છે ત્યારે બંને ગુજ્સીટોકના આરોપીએ જેલમાંથી ચૂંટણી જીતી. અસલમ કરીમ ખીલજી (AAP), જનમબેન ખફી (AAP ), અલ્તાફ ગફાર ખફી ( કોંગ્રેસ), સહારાબેન મકવાણા (કોંગ્રેસ) આ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ આ ચૂંટણીમાં જીત હાંસલ કરી.


3:45 PM
આઝાદી પછી પ્રથમવખત જામનગરના વોર્ડ નં.1માં ભાજપની જીત:ધનસુખ ભંડેરી

જામનગરના ભાજપના પ્રભારી ધનસુખભાઇ ભંડેરીનું નિવેદન સામે આવ્યું. આઝાદી પછી પ્રથમવખત જામનગરના વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઇ છે. આ ઉપરાંત રાજકોટમાં પણ વોર્ડ નંબર 15માં ભાજપે ખાતું ખોલ્યું છે અને પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાને ભાજપના નિલેશ હેરભાએ હાર અપાવી છે. આખા ગુજરાતમાં આજ કેસરીયું વાતાવરણ છે.


3:35 PM
રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય: કોંગ્રેસ-આપના સુપડા સાફ

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચતા પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. નગરપાલિકાની સ્થાપના બાદ પ્રથમ વખત ભાજપે આટલી મોટી જીત હાંસલ કરી છે. કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપે ૨ બેઠક બિનહરીફ અને ૨૩ બેઠકો પર વિજય મેળવી કુલ ૨૫ બેઠકો સાથે સત્તા કબજે કરી છે. આ પરિણામો રાજપીપળાના રાજકીય ઇતિહાસમાં ખૂબ મહત્વના છે, કારણ કે પ્રથમ વખત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) બંનેના સુપડા સાફ થઈ ગયા છે અને કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ છે. નગરપાલિકાની બાકીની ૩ બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપની આ ઐતિહાસિક જીતથી પક્ષના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3:15 PM
લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો

અમદાવાદ શહેરના જમાલપુર, ખાડિયા, દાણીલીમડામાં ભાજપનો કારમો પરાજય. આ તમામ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ જીતી. લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો. 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો અભેદ કિલ્લો ગણાતા ખાડિયામાં ગાબડું પડ્યું.

2:55 PM

અમદાવાદમાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં પડ્યું ગાબડું.

ચૂંટણી પરિણામોમાં ભાજપ માટે મોટો અપસેટ સામે આવ્યો છે. અમદાવાદમાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં ગાબડું પડ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરના ખાડિયા વોર્ડમાં ભાજપની હાર, કોંગ્રેસની પેનલ જીતી. ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા અને સ્થાનિક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ભાજપ નેતા અને વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ વચ્ચે સોશિયલ મીડિયામાં ભારે વાક યુદ્ધ ચાલ્યું હતું. ત્યાર બાદ આવેલાં આ પરિણામો ખુબ સુચક ગણી શકાય.

2:35 PM
નર્મદામાં AAPનો દબદબો:

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર પ્રદર્શન કરતા જિલ્લા પંચાયતની સત્તા કબજે કરી છે. ખાસ કરીને ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારની ત્રણેય તાલુકા પંચાયતોમાં 'આપ'એ સફળતા મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો છે. આ વિજય બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "અમારી પાર્ટીની જીત એ જનતાની જીત છે. એકબાજુ ઘમંડ, સત્તા અને રૂપિયાનું જોર હતું, જ્યારે બીજી બાજુ અમારી પાસે જનતાના કામોનું સમર્થન હતું." નર્મદામાં મળેલી આ જીતથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

2:15 PM

અમદાવાદ જિલ્લામાં ભાજપનો દબદબો: ત્રણ નગરપાલિકામાં ભગવો

અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ધોળકા નગરપાલિકામાં 36 માંથી 31 બેઠકો જીતી ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. વિરમગામ નગરપાલિકામાં પણ ભાજપે પોતાનો દબદબો જાળવી રાખતા 36 માંથી 26 બેઠકો કબજે કરી છે. બીજી તરફ, બારેજા નગરપાલિકામાં પણ ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે, જ્યાં તેને 13 બેઠકો મળી છે, જ્યારે 11 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા છે.

2:10 PM

મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર

મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર અને કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ સહિત આખી પેનલનો વિજય થયો છે.

2:07PM

અમદાવાદ મહાનગરપાલિકા: ભાજપની સત્તા જાળવી, ભવ્ય વિજય

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવી પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. બહુમતી માટે જરૂરી 96 બેઠકોનો આંકડો ભાજપે વટાવી લીધો છે. અત્યાર સુધીના પરિણામો મુજબ જોધપુર, વેજલપુર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ, નવા વાડજ, ઈસનપુર, ગોતા, ચાંદલોડિયા, મણિનગર, સાબરમતી, શાહીબાગ અને અસારવા જેવા મહત્વના વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે. ભાજપની આ જીત સાથે શહેરમાં ફરી ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે.

1:38 PM

પક્ષ પલટો કરનાર રાજુ કરપડાની જીત

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પર ખેડૂત આગેવાન અને ભાજપના ઉમેદવાર રાજુ કરપડાની જીત. રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યાં હતાં.

1:30 PM

રાજકોટમાં નયનાબા જાડેજાનો પરાજય

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા જાડેજાનો પરાજય થયો છે. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં હતા, પરંતુ તેમને મતદારોનો પૂરતો ટેકો ન મળતા તેઓ વિજયી બની શક્યા નથી. તેમના પરાજયને રાજકોટના રાજકીય વર્તુળોમાં એક મહત્વના પરિણામ તરીકે જોવામાં આવી રહ્યો છે.

1:28 PM

ભાભર નગરપાલિકામાં ભાજપનો વિજય: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢ ગણાતા ભાભરમાં મોટું ગાબડું પાડ્યું છે. ભાભર નગરપાલિકાની તમામ 6 વોર્ડની કુલ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. કોંગ્રેસના ગઢમાં ભાજપની આ એકહથ્થુ જીતથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભાભર નગરપાલિકામાં ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.

1:20 PM
હાસ્ય કલાકારના પુત્રની ભવ્ય જીત
હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રનો વિજય, લોધીકા જિલ્લા પંચાયત સીટ પર દિલીપભાઈ સરવૈયા 1100 મતે વિજેતા

1:08 PM

સોશિયલ મીડિયા સ્ટાર હવે બન્યા મ્યુનિસિપલ કાઉન્સીલર

ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ સોશિયલ મીડિયા સ્ટારને ભાજપે વડોદરાની અત્યંત મહત્વની એવી પોર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. હાલ પ્રદેશ ભાજપ યુવા મોરચા ના ઉપાધ્યક્ષ છે સાથે જ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂકી છે. વડોદરા જિલ્લાના પોર બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપના ઉમેદવાર અને સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત થઈ છે.

12:55 PM
અમદાવાદ મનપાની બેઠકોમાં ભાજપની જીતનો સિલસિલો યથાવતઃ

અમદાવાદ મનપાના સરદારનગર, સૌજપુર બોઘા, નવરંગપુરા, વસ્ત્રાલ, ગોતા, જોધપુર અને થલતેજ વોર્ડમાં ભાજપની જીત થઈ છે. પૂર્વ સ્ટેડિંગ કમિટિ ચેરમેન અને ભાજપના ઉમેદવાર હિતેશ બારોટે જીત બાદ કહ્યુંકે, થલતેજ વોર્ડને દેશનો સર્વ શ્રેષ્ઠ વોર્ડ બનાવીશું.

12:44 PM

પૂર્વ આઈપીએસ અધિકારીની ચૂંટણીમાં હાર
અરવલ્લીમાં ભાજપના ઉમેદવાર પૂર્વ IPS મનોજ નિનામાની ચૂંટણીમાં હાર

12:33 PM

5 વર્ષે ખુલ્યું કોંગ્રેસનું ખાતુંઃ

સુરત શહેરમાં 5 વર્ષે ખુલ્યું કોંગ્રેસનું ખાતું. સુરત મનપાના વોર્ડ નં-12 કોંગ્રેસના અરશદ જરીવાલાનો વિજય. આ જીતને કારણે કોંગ્રેસમાં ચોક્કસ એક વિશ્વાસ વધ્યો હશે.

12:10 PM
7 મહાનગરપાલિકામાં ભાજપની જીત
મોરબી, સુરેન્દ્રનગર, નડિયાદ, વાપી, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત 7 મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત.

11:58 AM

પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વતનમાં AAPનું ખાતું ખુલ્યું, ભાજપને ફટકો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોરબંદર જિલ્લામાં પ્રથમવાર સફળતા મેળવી છે. પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર 'આપ'ના શાંતિ હિતેશ મોઢવાડિયા વિજેતા બન્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ બેઠક ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું વતન હોવાથી અહીં ભાજપ માટે આ પરિણામ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.


11:52 AM

ભૂપત ભાયાણીને જનતાનો જાકારો: ભેંસાણ બેઠક પર ભાજપનો પરાજય

જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેંસાણ સીટ પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ૧૭૦૦ મતે પરાજય થયો છે. પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા ભાયાણીને આ વખતે ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ જનતાએ તેમને નકારી દીધા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાનો ભવ્ય વિજય થયો છે, જે પક્ષપલટુ નેતાઓ માટે એક મોટો સંદેશ છે. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યાં હતાં.

11:50 AM
માયા આહીરની પુત્રીની હાર

ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકા પંચાયતની બોરડા સીટમાં કોંગ્રેસ ઉમેદવાર ઝવેર ભાલીયા 367 મતે વિજેતા. હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના દિકરા જયરાજ આહીર અને નવનીત બાલધિયા વચ્ચે મારામારીને કારણે ભારે વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા હતા. એવામાં માયા આહીરના ગામમાં કોંગ્રેસની જીત સુચક છે. માયાભાઈ આહીરની પુત્રની ચૂંટણીમાં હાર થઈ છે.

11:35 AM

પરિણામો પર સરકાર અને સંગઠનની ચાંપતી નજર

સમગ્ર રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ની મતગણતરી હાલ ચાલુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠનના રત્નાકરજી પરિણામો પર નજર રાખી રહ્યા છે.


11:25 AM

ભાજપના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના ગઢમાં ગાબડું

સુરતમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના ગઢમાં ગાબડું પડ્યું. ઝંખવાવ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ. કોંગ્રેસના ઉમેદવાર કિશોર ચૌધરીએ 171 મતથી જીત મેળવી. ભાજપના ભાવના વસાવાની હાર થઈ. બીજી તરફ અસલમ સાયકલ વાલાનો દીકરો હારી ગયો, સુરતમાં વોર્ડ નંબર 19 માં ભાજપ જીતી ગઈ.

11:20 AM
રાજકોટના જંગલેશ્વરમાં ભાજપને ડિમોલિશન નડ્યું, કોંગ્રેસની આખી પેનલની જીત

રાજકોટમાં મનપાના વોર્ડ નંબર 16માં ભાજપને જંગલેશ્વર ડિમોલિશન નડ્યું, કોંગ્રેસની આખી પેનલ જીતી ગઈ છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય થયો છે. રાજકોટના જસદણમાં તાલુકા પંચાયતની આટકોટ-2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મંજુલાબેન ઝીણાભાઈ વાસાણી 7 મતે જીત્યા રાજકોટમાં કોંગ્રેસની પેનલનો વિજય.

11:10 AM

રાજકોટમાં AAPના ઉમેદવાર રાહુલ ભુવાની હાર

રાજકોટના વોર્ડ નંબર 4 માં ભાજપના ઉમેદવાર કાળુભાઈ કુંગસિયા જીત થઈ. તો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવાની હાર થઈ. આમ આદમી પાર્ટીના સૌથી મજબૂત ઉમેદવાર રાહુલ ભુવાની હાર થતા તેઓએ કહ્યું કે, રાહુલ ભુવાએ કહ્યું અમે લોકોના કામ કરતા રહેશો અને પ્રશ્નો ઉઠાવતા રહીશું. કમળ ચાલ્યું છે સાવરણો ચાલ્યો નથી.


11:03 AM
ભુજ નગરપાલિકામાં ઔવેસીના ઉમેદવારોની જીતઃ

કચ્છના ભુજ નગરપાલિકામાં AIMIMનો વિજય. વોર્ડ નંબર 1 માં AIMIMના 3 ઉમેદવારોનો વિજય થયો. સરફરાઝ 3705, મુખ્તાર 3581 અને રોશન 3370 મતથી જીત થઈ. કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો. AIMIM નો કચ્છમાં પ્રવેશ થયો.


10:52 AM

રાજકોટમાં કોંગ્રેસના ફેમસ ફેસ RJ આભાની હાર

રાજકોટ મહાનગર પાલિકા વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના ઉમેદવાર RJ આભાની હાર થઈ છે. ત્યાં ભાજપની પેનલની જીત થઈ છે. આર.જે. આભા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ હતા. તેમના ફોલોઅર્સ પણ સારા એવા હતા સોશિયલ મીડિયામાં. જોકે, તેને તેઓ મતમાં પરિવર્તિત કરી શક્યા નહીં. જેને કારણે આખરે તેમને હારનો સામનો કરવાનો વારો આવ્યો. આમ તેમનું પણ મ્યુનિસિપલ કાઉન્સીલર બનવાનું સપનું પુરું થયું નહીં.

10:40 AM

આમ આદમી પાર્ટી માટે મોટો અપસેટઃ

AAPના દિગ્ગજ નેતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર થઈ છે. મનોજ સોરઠીયાએ આ વખતે સુરત મનપામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું. જોકે, સોરઠીયાના મ્યુનિસિપલ કાઉન્સીલર બનવાના સપના પર પાણી ફરી વળ્યું છે. સોરઠીયાની હારથી ગુજરાત AAPને મોટો ઝટકો લાગશે.

10:35 AM

મહેસાણા મનપા: ભાજપની શાનદાર જીત

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું છે. વોર્ડ નંબર 1, 6 અને 10 માં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. અત્યાર સુધીના પરિણામો મુજબ, 5 બેઠકો બિનહરીફ અને 12 બેઠકો પર સ્પષ્ટ વિજય સાથે ભાજપે કુલ 17 બેઠકો પર ભગવો લહેરાવી લીધો છે. પરિણામો સાથે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

10:30 AM

અમદાવાદમાં મતગણતરીનો પ્રારંભ, તંત્ર સજ્જ

અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાત કોલેજ સહિતના કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસીપી-ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ પારદર્શક પ્રક્રિયા હાથ ધરાઈ છે. દાણીલીમડા, નિકોલ, ગોતા, જોધપુર અને ચાંદખેડા સહિતના વોર્ડના સ્ટ્રોંગ રૂમ ખૂલી ચૂક્યા છે. પ્રથમ રાઉન્ડના પરિણામો આવતા જ શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે.


10:28 AM

અમદાવાદમાં મતગણતરી માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે જેસીપી નીરજ બડગુજરે સુરક્ષાની કડક વ્યવસ્થાની જાણકારી મીડિયા સમક્ષ આપી. ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રો પર ત્રણ લેયરની સુરક્ષા પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. સમગ્ર વિસ્તાર સીસીટીવીની બાજ નજર હેઠળ રહેશે. દરેક સ્તરે કડક ચેકિંગ અને પ્રવેશ પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં ચૂંટણીમાં વિજેતા થનાર ઉમેદવારોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

10:24 AM

પંચમહાલમાં ભાજપનું પ્રભુત્વ: નગરપાલિકા અને પંચાયતોમાં ભગવો

પંચમહાલમાં ગોધરા અને શહેરા નગરપાલિકા સહિત 7 તાલુકા પંચાયતોની મતગણતરીમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે. ગોધરા વોર્ડ 1 અને શહેરા વોર્ડ-2માં ભાજપની પેનલ વિજેતા બની છે. આ ઉપરાંત જાંબુઘોડા, હાલોલ, શહેરા અને ગોધરા તાલુકાની વિવિધ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. કંજરી જિલ્લા પંચાયત સહિત અનેક બેઠકો કબજે કરી ભાજપે પંચમહાલમાં મજબૂત પકડ જમાવી છે.

10:17 AM

મહીસાગરમાં કોંગ્રેસનું જોરદાર પ્રદર્શન

મહીસાગરમાં કોંગ્રેસે મહત્વની બેઠકો પર વિજય મેળવ્યો છે. કોઠંબા તાલુકા પંચાયતની ભોજા બેઠક પર કોંગ્રેસના રાધાબેન પટેલીયાનો ૧૦૮૩ મતો સાથે વિજય થયો છે. વધુમાં, કડાણા તાલુકાની અમથાણી બેઠક પર કોંગ્રેસના મંજુલાબેન ડામોર માત્ર ૨૪ મતોની પાતળી સરસાઈથી જીત્યા છે. ધારાસભ્ય કુબેર ડિંડોરના ગઢ ગણાતા કડાણામાં કોંગ્રેસની આ જીતને રાજકીય રીતે મોટું ગાબડું માનવામાં આવી રહ્યું છે.

10:12 AM
વિવિધ જિલ્લાઓના પરિણામો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. ખેડામાં ભાજપના સંત કૃપા હરિકૃષ્ણ બારોટ અને સોનલબેન ભરવાડ, પંચમહાલમાં વીણાબેન નાયક (કંજરી) અને ઊર્મિલાબેન બારીયા (હીરાપુર), તેમજ તાપીમાં માયાબેન ગામીત વિજયી થયા છે. નવસારીની વેસ્મા બેઠક પર ભાજપના આશિષ પટેલ ૪૫૦ મતોથી વિજેતા બન્યા છે. બીજી તરફ, બનાસકાંઠાની આસેડા બેઠક પર કોંગ્રેસના ગીતાબેન લુણી અને નવસારીની અંકલાછ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. મહીસાગરના બાલાસિનોરમાં ભાજપના રાજેન્દ્રસિંહ સોલંકીએ નોંધપાત્ર લીડ મેળવી વિજય મેળવ્યો છે. વાંસદામાં ભાજપના મહેશ રાઠોડ પણ વિજેતા જાહેર થયા છે. વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ઉમેદવારોના ભાવિ ખુલી રહ્યા છે.

10:04 AM

સ્થાનિક સ્વરાજ્ય: વિવિધ બેઠકો પર 'આપ'નો વિજય

આમ આદમી પાર્ટી (AAP) એ અમરેલીની નવી હડીયાલ, જૂનાગઢની અમરાપુર, અંબાલાસ, અંકોલવાડી, બંધાળા અને બરડિયા બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઉપરાંત પોરબંદરની અલીધ્રા અને સુરેન્દ્રનગરની ચરડવા બેઠક પર પણ 'આપ'ના ઉમેદવારો વિજેતા બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

10:01 AM
અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ

અમદાવાદમાં પશ્ચિમ, બોડકદેવ, અડાલજ, મણિનગર અને નવરંગપુરામાં ભાજપની પેનલ આગળ છે, જ્યારે દાણીલીમડામાં કોંગ્રેસ આગળ છે. બરવાળા, સાવલી અને દાંતીવાડામાં ભાજપે વિજય નોંધાવ્યો છે. રાજકોટ મનપાના વોર્ડ ૧૬માં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાજ્યભરમાં ભાજપનું પલડું ભારે જણાઈ રહ્યું છે.

9:55 AM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપનો દબદબો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રારંભિક વલણોમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ઉના, બહુચરાજી, પાલનપુર અને વિરમગામમાં ભાજપની પેનલ વિજયી બની છે. સાથે જ કેશોદમાં ભાજપે ખાતું ખોલાવ્યું છે. જામનગર અને મહેસાણામાં ભાજપ આગળ છે, જ્યારે સુરત અને વલસાડ મનપાના વિવિધ વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.

9:45 AM

સુરત મહાનગરપાલિકામાં મતગણતરીનો પ્રારંભ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો માટે આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજ ખાતે તમામ 30 વોર્ડની મતગણતરી એક જ સ્થળે કરવામાં આવી રહી છે, જે પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો માટે મેદાનમાં રહેલા 483 ઉમેદવારોના ભાવિ આજે સ્પષ્ટ થશે. આ પ્રક્રિયા માટે આશરે 2,000 જેટલો કર્મચારી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેઓ 5 થી 10 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરશે. વર્તમાન ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને મતગણતરીના સ્થળ પર ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં મંડપ, પીવાનું પાણી, પંખા અને કુલરની સુવિધા ઉપલબ્ધ છે. સુરક્ષાની દ્રષ્ટિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 4 ડીસીપી, 4 એસીપી, 30 પીઆઈ અને 15 પીએસઆઈ સહિત કુલ 550 પોલીસ જવાનો તૈનાત રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

9:40 AM

ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો આરંભ

ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો માટે આજે સવારથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ સવારે 8:45 કલાકે સ્ટ્રોંગરૂમમાંથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમ મશીનો રિલીઝ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બરાબર 9 વાગ્યાથી તમામ કેન્દ્રો પર મતગણતરીનો વિધિવત પ્રારંભ થયો હતો, જેમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટ અને બાદમાં ઈવીએમ મશીનોના મતોની ગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટે જિલ્લાભરમાં અલગ-અલગ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયત માટે સેક્ટર-15 કોલેજ ખાતે, દહેગામ નગરપાલિકા માટે મ્યુનિસિપલ બોયઝ સ્કૂલ અને તાલુકા પંચાયત માટે જી.એમ.એન.એલ. કોલેજ ખાતે મતગણતરી યોજાઈ રહી છે. તેવી જ રીતે કલોલ નગરપાલિકા માટે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, કલોલ તાલુકા પંચાયત માટે સ્વામિનારાયણ ગુરુકુલ અને માણસા તાલુકા પંચાયત માટે શેઠ એમ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે. પ્રશાસન દ્વારા તમામ સ્થળોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિણામો જાહેર થાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને ચૈતર વસાવા વચ્ચે લાફાલાફી! : AAP ના MLA પર પૈસા લીધાનો આક્ષેપ!

Gujarat Local Body Election 2026 Results Live Update: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ હવે પરિણામોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થતાં જ રાજ્યભરમાં રાજકીય ગરમાવો ફરી એકવાર તેજ બન્યો છે. 26 હજારથી વધુ બેઠકોના પરિણામો હવે તબક્કાવાર જાહેર થવા લાગ્યા છે. ગુજરાતની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ઈવીએમના આંકડાઓ આજે હજારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ઉલ્લેખનીય છેકે, 42 ડિગ્રી ગરમીની વચ્ચે 26 એપ્રિલ 2026ને રવિવારના રોજ આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.

કુલ કેટલી બેઠકો પર થયું હતું મતદાન?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને 2027ની આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ માનવામાં આવે છે. એ જ કારણ છેકે, ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોની આ ચૂંટણીના પરિણામો પર બાજ નજર છે. ઉલ્લેખનીય છેકે, રાજ્યની 15 મહા નગરપાલિકામાં 49% અને 84 નગરપાલિકામાં 59% મતદાન થયું હતું, જ્યારે 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં અનુક્રમે 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, લોકસભા અને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now