Home Gujarat Ahmedabad Gujarat Local Body Election 2026 Bjp Sense Process

'ભાજપમાં સેટિંગ હોય તો ટિકિટનું કંઈક કરો', જાણો કોને મળશે પહેલો ચાન્સ : મૂરતિયા શોધવા મથામણ શરૂ! ભાજપે શરૂ કરી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા

ગુજરાત ભાજપે શરૂ કરી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 02, 2026, 06:36 AM IST

રાજ્યભરમાં ભાજપની ‘સેન્સ પ્રક્રિયા’થી ચૂંટણીનો માહોલ ગરમાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ લેવા પડાપડી

અમદાવાદના 48 વોર્ડ માટે 12 નિરીક્ષકો દાવેદારોને સાંભળી સેન્સ લેશે

ગુજરાત ચૂંટણી 2026: મૂરતિયા શોધવા ભાજપે મેદાનમાં ઉતાર્યા નિરીક્ષકો

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગૂલ ફૂંકાઈ ચુક્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત પછી હાલ દરેકના મોઢે એક જ વાત છે; 'ભાજપમાં સેટિંગ હોય તો ટિકિટનું કંઈક કરો'. ભાજપે પણ હવે મૂરતિયા શોધવા મથામણ શરૂ કરી દીધી છે. જોકે, આ વખતે પાલિકા હોય કે પંચાયત ટોળા લઈને આવનારા અને શક્તિ પ્રદર્શનો કે કોઈ પ્રકારનો દમ બતાવી દાવો કરનારાને ટિકિટ નહીં મળી. જાણો આ વખતે ભાજપે કેવા ઉમેદવારોને પસંદ કરવાનું નક્કી કર્યું છે, કોને મળશે ભાજપની ટિકિટ.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધતો જાય છે. ખાસ કરીને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ભાજપ દ્વારા શરૂ કરાયેલી “સેન્સ પ્રક્રિયા”એ ચૂંટણીનું ચિત્ર વધુ રસપ્રદ બનાવી દીધું છે. ટિકિટ મેળવવા માટે દાવેદારોની ભીડ અને કાર્યકરોની સક્રિયતા હવે ખુલ્લી દેખાઈ રહી છે. ત્યારે આજથી અમદાવાદ ભાજપ ઉમેદવાર શોધવા પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. જેમાં પક્ષ દ્વારા નિમાયેલા 12 નિરીક્ષકો અમદાવાદના 48 વોર્ડના 192 ઉમેદવારોને પસંદ કરવા માટે તમામ દાવેદારોની સેન્સ લેશે.

‘સેન્સ પ્રક્રિયા’ કેમ છે મહત્વપૂર્ણ?

સેન્સ પ્રક્રિયા એટલે પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પહેલા કાર્યકરો, સ્થાનિક નેતાઓ અને સંગઠનના સભ્યો પાસેથી અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા.

આ પ્રક્રિયામાં સામાન્ય રીતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે:
સ્વચ્છ છબિ ધરાવતો ઉમેદવાર
યુવા અને શિક્ષિત વ્યક્તિ
વિસ્તારનો પ્રતિષ્ઠિત વ્યક્તિ

ઉમેદવારની લોકપ્રિયતા

વિસ્તારની રાજકીય સ્થિતિ

પાર્ટી પ્રત્યેની વફાદારી

જીતવાની શક્યતા

આ પ્રક્રિયા દ્વારા ભાજપ “ગ્રાઉન્ડ રિયાલિટી” સમજીને ટિકિટ ફાળવે છે, જેથી ચૂંટણીમાં વધુ મજબૂત સ્થિતિ બનાવી શકાય. ભાજપ આ વખતે ઉપર દર્શાવેલાં પેરામિટર્સને ધ્યાને લઈને ટિકિટ આવશે.

અમદાવાદ સહિત રાજ્યમાં ભાજપની સેન્સ પ્રક્રિયાની આજથી શરૂઆત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રાજ્યભરમાં ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયામાં પાર્ટીના નિરીક્ષકો વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં જઈ કાર્યકરો અને દાવેદારોના અભિપ્રાય લઈ રહ્યા છે. અમદાવાદમાં આ પ્રક્રિયા ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે અહીંના મહાનગરપાલિકા ક્ષેત્રોમાં ભાજપે વર્ષોથી મજબૂત પકડ બનાવી રાખી છે. આવી સ્થિતિમાં યોગ્ય ઉમેદવારની પસંદગી પક્ષ માટે નિર્ણાયક બની શકે છે. રાજકોટ, પાટણ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ આ જ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં દાવેદારોની મોટી સંખ્યાને કારણે પાર્ટી માટે પસંદગી કરવી પડકારજનક બની રહી છે. રાજકોટમાં પણ આ જ પ્રક્રિયા હેઠળ અલગ-અલગ વોર્ડમાં કાર્યકરો પાસેથી પ્રતિસાદ લેવામાં આવી રહ્યો છે, જે દર્શાવે છે કે પાર્ટી રાજ્યભરમાં એક જ વ્યૂહરચના પર કામ કરી રહી છે.

ચૂંટણીનો માહોલ: દાવેદારોમાં ભારે ઉત્સાહ

અમદાવાદમાં ભાજપના કાર્યાલયોમાં આ દિવસોમાં ખાસ્સી ચહલપહલ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ ટિકિટ મેળવવા માટે દાવેદારોની ભીડ વધતી જઈ રહી છે. પાર્ટીના ઓફિસોમાં દિવસભર કાર્યકરો અને ઇચ્છુક ઉમેદવારોની અવરજવર ચાલતી હોય છે, જે ચૂંટણીના ગરમાયેલા માહોલને સ્પષ્ટ દર્શાવે છે. આ વખતે માત્ર અનુભવી નેતાઓ જ નહીં, પરંતુ ઘણા નવા ચહેરાઓ પણ સક્રિય બન્યા છે. યુવા નેતાઓ અને સ્થાનિક સ્તરે કાર્ય કરનારા કાર્યકરો ટિકિટ મેળવવા માટે આગળ આવી રહ્યા છે. સાથે જ, વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા જૂના નેતાઓ પણ ફરી એકવાર પોતાની દાવેદારી મજબૂત બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પાર્ટી આ વખતે ઉમેદવાર પસંદગીમાં કેટલાક ખાસ મુદ્દાઓ પર ભાર મૂકી રહી છે. તેમાં યુવા નેતાઓને તક આપવી, મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવું અને સ્થાનિક સ્તરે લોકપ્રિય ચહેરાઓને પ્રાથમિકતા આપવી જેવા મુદ્દાઓ મુખ્ય છે. આ નીતિના કારણે આંતરિક સ્પર્ધા વધુ તીવ્ર બની છે, જે ભાજપ માટે એક તરફ સંગઠનશક્તિ દર્શાવે છે તો બીજી તરફ પડકારરૂપ સ્થિતિ પણ ઊભી કરી શકે છે.

આ પણ ખાસ વાંચોઃ શું હોય છે સેન્સ લેવાની પ્રક્રિયા? : દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો કેમ કરે છે Sense Process?

કેમ મહત્વપૂર્ણ છે અમદાવાદની ચૂંટણી?

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર છે. અહીંની મહાનગરપાલિકા પર કબજો જાળવવો કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાય છે. વર્ષોથી ભાજપે અહીં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે, જેના કારણે આ ચૂંટણી પક્ષ માટે ખાસ મહત્વ ધરાવે છે. પરંતુ આ વખતે સ્થિતિ થોડું બદલાઈ રહી છે. શહેરમાં ઊભી થતી શહેરી સમસ્યાઓ, વિકાસ સંબંધિત પ્રશ્નો અને વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતી ટીકાઓ કુલ મળીને ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. નાગરિકોમાં પણ વિકાસ અને સુવિધાઓને લઈને વધતી અપેક્ષાઓ રાજકીય સમીકરણોને અસર કરી શકે છે. વિપક્ષ પક્ષો પણ આ વખતે વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. તેઓ ભાજપને કડક પડકાર આપવા માટે મેદાનમાં ઊતર્યા છે, જેના કારણે ચૂંટણી વધુ સ્પર્ધાત્મક બનવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં અમદાવાદની ચૂંટણીનું પરિણામ રાજ્યના રાજકીય માહોલ પર પણ અસર કરી શકે છે.

આ પણ ખાસ વાંચોઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ : જાણી લો મતદાન, પરિણામ અને મહત્વની તારીખોની વિગતો

રાજ્યમાં ચૂંટણીનો શેડ્યૂલ અને રાજકીય સ્પર્ધાઃ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે અને પરિણામો 28 એપ્રિલે જાહેર થશે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિત કુલ 15 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. આ પ્રકારે એક સાથે હજારો બેઠકો પર કરોડો લોકો મતદાન કરશે. ભાજપ ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અન્ય નાના પક્ષો પણ જોરશોરથી મેદાનમાં છે, જેના કારણે આ વખતે ટક્કર વધુ કઠિન બનવાની શક્યતા છે.

રાજકીય સૂત્રોની માનીએ તો આ વખતે ભાજપે ચૂંટણીમાં ઉમેદવારો માટે કડક પેરામિટર્સ નક્કી કર્યા છે. સૌથી પહેલાં ઉમેદવાર સ્વચ્છ છબિ ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર યુવા અને ટેકનોસેવી હોવો જોઈએ. જેતે વિસ્તારમાં જ્ઞાતિના ગણિત મુજબ ફીટ બેસે તેવી વ્યક્તિને મોકો મળી શકે છે. તેની જીતવાની શક્યતા કેટલી છે તેનું અને તે પાર્ટીને વફાદર કેટલો છે તેનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ ઉમેદવારની લોકપ્રિયતા અને આવખતે તો સોશિયલ મીડિયામાં તેનો ફોલોઅર્સ કેટલાં છે તે પણ ભાજપ ચકાસશે. આ તમામ પાસાઓ પર પાસ થનારને જ ભાજપ આ વખતે ચૂંટણીમાં પોતાના પક્ષનો મૂરતિયો બનાવીને મેદાનમાં ઉતારશે.

આ પણ ખાસ વાંચોઃ ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ : જાણો શું છે આચાર સંહિતા, જાહેરાતોથી લઈને રેલી સુધી શું કરી શકાય અને શું નહીં?

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માત્ર શહેરી શાસન માટે જ નહીં, પરંતુ રાજ્યની રાજકીય દિશા નક્કી કરવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં મળતી જીત કોઈપણ પક્ષની શહેરી પકડ દર્શાવે છે. આ ચૂંટણીના પરિણામો આગામી વિધાનસભા ચૂંટણી માટે સંકેતરૂપ બની શકે છે. જે પક્ષ અહીં મજબૂત પ્રદર્શન કરશે, તેને આગળની રાજકીય લડાઈમાં લાભ મળી શકે છે. સાથે જ, આ જીત પક્ષના નેતૃત્વને વધુ મજબૂત બનાવવામાં પણ મદદરૂપ બને છે. આથી ભાજપ દ્વારા ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા પર રાજકીય વર્તુળો અને જનતા બંનેની નજર ટકેલી છે, કારણ કે તેનો સીધો પ્રભાવ ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now