વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાઓની ભૂમિકા મહત્વની રહેશે. જેમાં આપણું રાજ્ય પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યની રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં કુલ ૭,૭૧૨ ભરતીમેળાઓ થકી અંદાજે ૬.૨૯ લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
ભરતી મેળાઓના આયોજન દ્વારા રોજગારી આપનાર તથા મેળવનાર વચ્ચે સેતુ બનીને વધુમાં વધુ યુવાનો રોજગારી પ્રાપ્ત કરી શકે તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર નક્કર કામગીરી કરી રહી છે. શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ગુજરાત દેશભરમાં નીચા બેરોજગારી દર માટે તથા રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે.
રોજગાર વિનિમય કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે કેન્દ્ર સરકારના સપ્ટેમ્બર-૨૦૨૪ના સર્વે મુજબ ભારતના ૩.૨ ટકા બેરોજગારી દરની સરખામણીએ ગુજરાતનો બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા જ છે. જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. રાજ્ય સરકારની ડિજિટલ પહેલ થકી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા 'અનુબંધમ પોર્ટલ' થકી યુવાનો રોજગારલક્ષી સેવાઓ ઓનલાઈન માધ્યમથી પણ મેળવી શકે છે. આ પોર્ટલ પર અત્યારસુધીમાં ૪.૫ લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓએ નોંધણી કરાવી છે.
આ પોર્ટલ પર ૫૧ હજારથી વધુ નોંધાયેલા નોકરીદાતાઓ દ્વારા ૧૦.૯૪ લાખ કરતાં વધુ જગ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ, આ વેબ પોર્ટલ થકી નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ વચ્ચેનું અંતર ઘટાડી બન્નેને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી શકવામાં સફળતા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નોંધણી પ્રક્રિયામાં રાજ્યના રોજગારવાંચ્છુ ઉમેદવાર અને નોકરીદાતાઓની રોજગાર કચેરી ખાતે રૂબરુ તથા ‘અનુબંધમ પોર્ટલ’માં ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. નોકરીદાતાઓ દ્વારા તેમના એકમ ખાતે ખાલી પડેલી જગ્યાની જાણ કરવામાં આવે છે. ભરતી મેળાના પ્રકાર મુજબ આયોજન માટે સુચારુ વ્યવસ્થા ધરાવતુ સ્થળ નિયત કરવામાં આવે છે.
રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રચારના વિવિધ માધ્યમો થકી ભરતી મેળાની વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ભરતી મેળાના દિવસે ઉમેદવારોની સ્થળ પર પસંદગી તેમજ આનુષાંગિક કામગીરીનું અમલીકરણ કરવામાં આવે છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






