Home Gujarat Gujarat Heatwave Surendranagar 44 Degree Temperature Update

ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત : સુરેન્દ્રનગર 44.5°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

રાજ્યમાં ગરમી દર્શવાતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: May 18, 2026, 11:33 AM IST

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સરેરાશ મહત્તમ તાપમાનમાં આશરે 2 ડિગ્રી સુધીનો વધારો નોંધાતા અનેક શહેરોમાં લોકોને ભારે ગરમી અને તાપનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે, જ્યારે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે પણ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.

અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા બપોરના સમયમાં રસ્તાઓ પર જનજીવન પર અસર જોવા મળી હતી. ખાસ કરીને બપોર દરમિયાન લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે, જ્યારે હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં પણ વધારો થવાની શક્યતા વચ્ચે આરોગ્ય વિભાગે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

સુરત અને ડીસામાં સામાન્ય કરતાં ઘણું વધુ તાપમાન

સુરત શહેરમાં સામાન્ય તાપમાન કરતાં 6.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા નાગરિકોએ ભારે હીટવેવ જેવી સ્થિતિનો અનુભવ કર્યો હતો. શહેરમાં ભેજનું પ્રમાણ પણ ઊંચું હોવાથી ગરમીનો અનુભવ વધુ તીવ્ર રહ્યો હતો. સુરત સિવાય ડીસામાં 5.8 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું, જ્યારે દીવમાં 3.6 ડિગ્રી અને ભુજમાં 3.4 ડિગ્રી વધારે તાપમાન નોંધાતા પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ સ્પષ્ટ દેખાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદનાં દરિયાપુરમાં જીમની હાલત કફોડી હોવાનો આક્ષેપ : કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો આક્ષેપ

છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સુકું રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું વધુ, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય કરતાં વધારે નોંધાયું હતું.

મોટા શહેરોમાં આજે પણ ગરમી યથાવત રહેવાની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43°C સુધી પહોંચી શકે છે, જ્યારે રાજકોટમાં 42°C અને વડોદરામાં 43°C સુધી તાપમાન નોંધાવાની શક્યતા છે. સુરતમાં 41°C, અમરેલીમાં 43°C, ભૂજમાં 41°C અને ડીસામાં 42°C સુધી પારો પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં 17 મેના રોજ મહત્તમ તાપમાન 43.1°C નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 29.4°C રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ 53 ટકા અને સાંજે 22 ટકા નોંધાયું હતું. આજે શહેરનું આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેવાની શક્યતા છે, જેના કારણે બપોર દરમિયાન ગરમી વધુ કડક અનુભવાઈ શકે છે.

આગામી દિવસોમાં મળશે થોડી રાહત

હાલ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત હોવા છતાં હવામાન વિભાગે આગામી દિવસોમાં લોકોને થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક બાદ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થશે અને આગામી છ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.

હાલ માટે રાજ્યમાં કોઈ સત્તાવાર હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે લોકોમાં અકળામણ વધી શકે છે. હવામાન નિષ્ણાતો ખાસ કરીને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને વૃદ્ધો તથા બાળકોની વિશેષ કાળજી રાખવાની સલાહ આપી રહ્યા છે.

રાજ્યના શહેરોમાં નોંધાયેલું તાપમાન

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ રાજકોટ અને અમરેલીમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગર અને ભુજમાં 42.6 ડિગ્રી જ્યારે વડોદરામાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. જોકે આગામી દિવસોમાં પવનની દિશામાં ફેરફાર અને વાતાવરણમાં ભેજ વધવાના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે.

આ પણ વાંચો: રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતી વિદેશી દારૂની મોટી હેરાફેરી પકડી : પાલનપુર LCB એ ફિલ્મી ઢબે જપ્ત કર્યો કરોડોનો મુદ્દામાલ

ચોમાસું વહેલું પહોંચવાની શક્યતા

ગરમીની વચ્ચે ચોમાસાને લઈને પણ સારા સંકેતો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને તેની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. હાલની સ્થિતિ જોતા 26 મે આસપાસ કેરળમાં ચોમાસું બેસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જો આ અનુમાન સાચું સાબિત થાય તો આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં આશરે ચાર દિવસ વહેલું પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસાની ગતિ ઝડપથી આગળ વધી શકે છે. ગુજરાતમાં પણ આગામી અઠવાડિયાઓ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now