મધ્ય-પૂર્વ એશિયામાં વધતી જતી અસ્થિરતા અને વૈશ્વિક ઈંધણ બજારમાં સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે દેશભરમાં ઈંધણ બચત અંગે ચર્ચા તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી ઉપયોગ ઘટાડવા, જાહેર પરિવહન અપનાવવા અને આર્થિક સંયમ રાખવા કરાયેલી અપીલ બાદ હવે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જાહેર કર્યું છે કે દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ રાજ્યની અંદરના સત્તાવાર પ્રવાસ માટે સરકારના વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ ટાળશે. તેના બદલે તેઓ ટ્રેન, ST બસ અને અન્ય જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરશે. સાથે જ તેમણે પોતાના ‘Z+’ સુરક્ષા કાફલામાં પણ જરૂરી મર્યાદિત વાહનો જ રાખવાની સૂચના આપી છે.
લોકભવનમાં બેઠક બાદ જાહેરાત
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે યોજાયેલી બેઠક દરમિયાન રાજ્યપાલે અધિકારીઓ સમક્ષ આ નિર્ણય જાહેર કર્યો હતો. બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્યપાલના કાર્યાલયના સભ્યો હાજર રહ્યા હતા. રાજ્યપાલે જણાવ્યું કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણ બચાવવું હવે માત્ર આર્થિક મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય જવાબદારી બની ગયું છે.
આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વડાપ્રધાનની અપીલ માત્ર સરકારી તંત્ર માટે નહીં, પરંતુ દરેક નાગરિક માટે છે. તેમણે કહ્યું કે દરેક લિટર ઈંધણની બચત દેશની આર્થિક સ્થિરતા અને વિદેશી ચલણ બચાવવામાં મદદરૂપ બની શકે છે.
યુનિવર્સિટીઓ માટે પણ ખાસ માર્ગદર્શિકા
રાજ્યપાલે માત્ર પોતાના પ્રવાસ સુધી જ નિર્ણય મર્યાદિત રાખ્યો નથી. રાજ્યની તમામ યુનિવર્સિટીઓને પણ તેમણે વિશેષ સૂચનાઓ આપી છે. રાજ્યપાલના નિર્દેશ અનુસાર હવે યુનિવર્સિટીઓમાં સાયકલ, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. કેટલાક દિવસોને ‘કમ્બશન એન્જિન ફ્રી ડે’ તરીકે ઉજવવાની પણ ભલામણ કરવામાં આવી છે.
સરકારી વિભાગોને પણ બિનજરૂરી વાહન વપરાશ ઘટાડવા અને ઈંધણ કાર્યક્ષમતા વધારવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યપાલે સ્પષ્ટ કર્યું કે સરકારી ખર્ચ અને ઈંધણ બચત બંને મુદ્દાઓ હવે પ્રશાસનની પ્રાથમિકતા બનવા જોઈએ.
વડાપ્રધાનની અપીલનો ત્વરિત પ્રભાવ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો
પહેલાથી જ જાહેર પરિવહનનો ઉપયોગ કરતા રહ્યા છે રાજ્યપાલ
આચાર્ય દેવવ્રત અગાઉ પણ સામાન્ય નાગરિકની જેમ જાહેર પરિવહનમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. થોડા દિવસો પહેલાં તેમણે સુરતથી ઓલપાડ તાલુકાના જિનોદ ગામ સુધી ગુજરાત ST બસમાં મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન તેમણે અન્ય મુસાફરો સાથે વાતચીત કરી હતી અને ડિજિટલ પેમેન્ટ દ્વારા પોતાનું ટિકિટ પણ લીધું હતું.
રાજ્યપાલનો આ સાદગીભર્યો અભિગમ અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત તેઓ નિયમિત રીતે ગામડાઓની મુલાકાત લે છે અને સામાન્ય લોકો સાથે સીધો સંપર્ક સાધે છે.
રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા
રાજ્યપાલના આ નિર્ણય બાદ હવે રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે મુખ્યમંત્રી, મંત્રીઓ અને અન્ય સરકારી તંત્ર પણ આવી જ બચત અભિયાન તરફ આગળ વધશે કે નહીં. સરકારી કાર્યક્રમોમાં મોટા વાહન કાફલા અને હેલિકોપ્ટર વપરાશને લઈને લાંબા સમયથી પ્રશ્નો ઉઠતા રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પણ લોકો રાજ્યપાલના નિર્ણયને આવકારતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે જો ઉચ્ચ પદાધિકારીઓ જાહેર પરિવહનનો ઉપયોગ કરશે તો સામાન્ય નાગરિકોમાં પણ ઈંધણ બચત અંગે સકારાત્મક સંદેશ જશે.
વડાપ્રધાનની અપીલનો ત્વરિત પ્રભાવ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો
DyCM નો વિદેશ પ્રવાસ રદ
આ વચ્ચે ગુજરાત સરકારના સ્તરે પણ ઈંધણ અને ખર્ચ બચત અંગે પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યના DyCM હર્ષ સંઘવીએ પોતાનો નિર્ધારિત અમેરિકા પ્રવાસ રદ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર વિગતવાર નિવેદન હજુ બહાર આવ્યું નથી.
રાજ્યપાલના આ નિર્ણયને વડાપ્રધાનની “આર્થિક સ્વરક્ષણ” અને સંયમની અપીલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ઊર્જા બચત, જાહેર પરિવહન અને જવાબદાર વપરાશ અંગે હવે સરકાર અને નાગરિક બંને સ્તરે વધુ ગંભીરતા જોવા મળી રહી છે.





