Home Gujarat Gujarat Fishing Ban June 2026 Monsoon News

ગુજરાતમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી યાંત્રિક બોટથી માછીમારી પર પ્રતિબંધ : જળચર સંપત્તિના સંવર્ધન માટે લેવાયો નિર્ણય

નાવડીઓની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 22, 2026, 07:35 AM IST

ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા રાજ્યના દરિયાકાંઠાના પ્રાદેશિક જળક્ષેત્રોમાં ચોમાસા દરમિયાન જળચર સંપત્તિના સંવર્ધન અને માછલીઓના પ્રજનનને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશ અનુસાર તા. 1 જૂન, 2026થી તા. 15 ઓગસ્ટ, 2026 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ નિર્ણય દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ તેમજ માછલીઓની વિવિધ પ્રજાતિઓના પ્રજનન ચક્રને સુરક્ષિત રાખવાના હેતુસર લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સમુદ્રમાં માછલીઓ પ્રજનન પ્રક્રિયામાં વ્યસ્ત હોય છે, ત્યારે યાંત્રિક બોટો દ્વારા મોટા પાયે થતી માછીમારી જળચર સંપત્તિ પર પ્રતિકૂળ અસર કરતી હોવાનું નિષ્ણાતો માને છે.

સરકારના જાહેરનામા મુજબ, આ સમયગાળા દરમિયાન રાજ્યના આંતરદેશીય તેમજ દરિયાકાંઠાના પ્રાદેશિક જળક્ષેત્રોમાં તમામ પ્રકારની યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી સંપૂર્ણપણે બંધ રહેશે. નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં મનરેગા કૌભાંડનો ફૂટ્યો ભાંડો : મૃતક અને પાકિસ્તાનમાં વસ્તા લોકોનાં નામે કૌભાંડ

કઈ બોટોને મળશે છૂટ?

સરકારે કેટલીક પરંપરાગત માછીમારી પદ્ધતિઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપી છે. જેમાં નોન-મોટરાઇઝ્ડ ક્રાફ્ટ એટલે કે લાકડાની બિન-યાંત્રિક હોડીઓ, શઢવાળી હોડીઓ તેમજ પગડિયા માછીમારોને માછીમારી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રકારની પરંપરાગત પદ્ધતિઓ દરિયાઈ પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડતી હોવાથી તેમને છૂટછાટ આપવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.

જામનગરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં રાજ્યના તમામ માછીમાર બોટ માલિકો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, એસોસિએશનોના હોદેદારો અને માછીમારોને સરકારના આદેશનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Petrol Diesel Price : દેશમાં અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ, અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં જાણો આજના લેટેસ્ટ રેટ

દરિયાઈ જૈવિક સંપત્તિના સંરક્ષણ પર ભાર

ગુજરાતનો લાંબો દરિયાકાંઠો રાજ્યના મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાય છે. હજારો પરિવારો સીધા કે પરોક્ષ રીતે માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન માછીમારી પર પ્રતિબંધ મૂકવાથી માછલીઓના કુદરતી પ્રજનનને અનુકૂળ વાતાવરણ મળે છે, જેના કારણે આગામી સીઝનમાં માછીમારી ઉત્પાદન વધે છે અને માછીમારોને લાંબા ગાળે લાભ મળે છે.

દર વર્ષે લાગુ પડતા આ મોસમી પ્રતિબંધને કારણે દરિયાઈ પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે અને જૈવ વૈવિધ્યતા સુરક્ષિત રહેવામાં મદદ મળે છે. સરકાર દ્વારા પણ માછીમારોને જળચર સંપત્તિના સંરક્ષણ અને સંવર્ધનમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now