Gujarat Data Center Policy 2026-29: ગુજરાતને દેશના અગ્રણી ડિજિટલ અને ટેક્નોલોજી હબ તરીકે વિકસાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'Viksit Gujarat Data Center Policy 2026-29'ની સત્તાવાર જાહેરાત કરી છે. આગામી ત્રણ વર્ષ માટે અમલમાં રહેતી આ પોલિસીનો મુખ્ય હેતુ રાજ્યમાં વિશ્વસ્તરીય ડેટા સેન્ટર ઈકોસિસ્ટમ ઉભું કરવું, વૈશ્વિક રોકાણ આકર્ષવું, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું અને રોજગારીની નવી તકોનું સર્જન કરવાનું છે. કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અનેક ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ નવી પોલિસી ગુજરાતને દેશના સૌથી મોટા ડેટા સેન્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પોલિસી જાહેર થતાં જ દેશ-વિદેશની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓએ ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે રસ દર્શાવ્યો હોવાનું પણ જણાવાયું છે.
7.30 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરનું લક્ષ્ય
નવી ડેટા સેન્ટર પોલિસી હેઠળ રાજ્ય સરકારે અંદાજે 7.30 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર વિકાસનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. સરકારનું માનવું છે કે આ પહેલથી ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નકશા પર પણ મજબૂત સ્થાન બનાવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવી પોલિસીનો મુખ્ય ઉદ્દેશ ડેટા સેન્ટર ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ આકર્ષવાનો, આધુનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે.
ધોલેરા બનશે વિશ્વનું સૌથી મોટું Data Center City
રાજ્ય સરકારે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ને ડેટા સેન્ટર વિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ધોલેરા ભવિષ્યમાં વિશ્વનું સૌથી મોટું Data Center City તરીકે ઓળખાશે. તેમણે જણાવ્યું કે, નવી પોલિસીની જાહેરાત બાદ દેશ અને વિદેશની અનેક કંપનીઓએ ધોલેરા તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે પ્રાથમિક રસ દર્શાવ્યો છે. આગામી વર્ષોમાં ધોલેરા વૈશ્વિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની ઝડપનો ઉલ્લેખ
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે અનેક વર્ષોથી પ્રયાસો થયા છતાં અપેક્ષિત સફળતા મળી નહોતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે ભારત આ ક્ષેત્રમાં ઐતિહાસિક પ્રગતિ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે થોડા જ સમયમાં ગુજરાતમાં ત્રણથી વધુ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત થયા છે, જે રાજ્યની કાર્યક્ષમતા, ઝડપી નિર્ણયશક્તિ અને રોકાણકારો પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ છે.
રોકાણકારોને મળશે સંપૂર્ણ સરકારી સહયોગ
નવી પોલિસી હેઠળ રાજ્ય સરકારે રોકાણકારોને ઝડપી અને સરળ મંજૂરી પ્રક્રિયાની ખાતરી આપી છે. દરેક મોટા પ્રોજેક્ટ માટે એક વરિષ્ઠ અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે, જે જમીન ફાળવણીથી લઈને તમામ સરકારી મંજૂરી સુધીની પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે. સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થાપવા ઇચ્છતી કંપનીઓને જરૂરી જમીન, વીજળી, પાણી અને અન્ય તમામ માળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પગલાંથી રોકાણકારોને ઝડપી ગતિએ પ્રોજેક્ટ શરૂ કરવામાં મદદ મળશે.
વિશ્વસનીય વીજળી અને પાણી સાથે ગ્રીન એનર્જી પર ભાર
ડેટા સેન્ટર માટે સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં સ્થાપિત થનારા દરેક ડેટા સેન્ટરને વિશ્વસનીય અને અવિરત વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાણીની પૂરતી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને નવી પોલિસીમાં ગ્રીન એનર્જીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સરકારના આયોજન મુજબ ડેટા સેન્ટરમાં વપરાતી ઓછામાં ઓછી 51 ટકા ઊર્જા ગ્રીન એનર્જીમાંથી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ દરિયાના પાણીનું ડિસેલિનેશન કરીને તેનો ઉપયોગ કરવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે.

'સૌના સાથ, સૌના પ્રયાસ'થી ગુજરાત બન્યું ટેક્નોલોજી વિકાસનું મોડેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને ગુજરાતે સફળતાપૂર્વક વિકાસના મોડેલમાં પરિવર્તિત કર્યો છે. તેમણે જણાવ્યું કે, સરકાર, ઉદ્યોગ અને વિવિધ હિતધારકો વચ્ચેના સહયોગના કારણે રાજ્યમાં ટેક્નોલોજી આધારિત વિકાસને નવી ગતિ મળી છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીન નીતિઓ અને રોકાણકારોને અનુકૂળ વાતાવરણના કારણે ગુજરાત હવે દેશ માટે ટેક્નોલોજી વિકાસનું પ્રેરણાદાયી મોડેલ બની રહ્યું છે.
ડિજિટલ અર્થવ્યવસ્થાને મળશે નવી ગતિ
નવી Data Center Policy 2026-29 માત્ર ડેટા સેન્ટર સુધી મર્યાદિત નથી, પરંતુ રાજ્યની સમગ્ર ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપનારી પહેલ માનવામાં આવી રહી છે. મોટા પાયે રોકાણ, નવી રોજગારી, ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોનો વિકાસ અને આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી ગુજરાત આગામી વર્ષોમાં ભારતનું અગ્રણી ડિજિટલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારનો વિશ્વાસ છે કે, ટેક્નોલોજી વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવીને ગુજરાત માત્ર દેશનું Data Center Hub જ નહીં પરંતુ વૈશ્વિક ડિજિટલ ઇકોનોમીમાં પણ પોતાની મજબૂત ઓળખ ઉભી કરશે.






