Home Gujarat Ahmedabad Ahmedabad New Rto Office Inauguration Subhash Bridge Harsh Sanghavi

અમદાવાદમાં નવી અત્યાધુનિક RTO કચેરીનું લોકાર્પણ : હવે એક જ સ્થળે મળશે વાહન અને ડ્રાઇવિંગ લાયસન્સની તમામ સેવાઓ

હર્ષ સંઘવી
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 05:07 AM IST

અમદાવાદ: અમદાવાદના વાહનચાલકો અને નવા ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરતા નાગરિકો માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી નવી અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) કચેરીનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. નવી કચેરી શરૂ થતાં વાહન નોંધણીથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ, ફિટનેસ, પરમિટ અને અન્ય અનેક સેવાઓ વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે.

લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત અને પારદર્શક સરકારી સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. નવી RTO કચેરીમાં ડિજિટલ સુવિધાઓ અને આધુનિક વ્યવસ્થાના કારણે અરજદારોને અગાઉ કરતાં વધુ સરળ અને સમયબદ્ધ સેવા મળશે. તેમણે ઉમેર્યું કે સરકારી સેવાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતાનો વધારો સરકારની પ્રાથમિકતા છે.
ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી વધશે પારદર્શિતા

નવી RTO કચેરીનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત પ્રક્રિયા દ્વારા લેવામાં આવશે, જેના કારણે માનવ હસ્તક્ષેપમાં ઘટાડો થશે અને માત્ર ડ્રાઇવિંગની યોગ્યતા ધરાવતા અરજદારોને જ લાયસન્સ આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આ વ્યવસ્થા લાયસન્સ પ્રક્રિયાને વધુ વિશ્વસનીય અને પારદર્શક બનાવશે. સાથે જ માર્ગ સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ આ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

એક જ સ્થળે મળશે અનેક RTO સેવાઓ

નવી કચેરીમાં નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ સેવાઓ માટે અલગ-અલગ કાઉન્ટર અને શાખાઓ કાર્યરત કરવામાં આવી છે. અહીં નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ વાહનો સંબંધિત કામગીરી, નવા વાહનોની નોંધણી, વાહન પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ, બ્લેકલિસ્ટ સંબંધિત પ્રક્રિયા, ડ્રાઇવિંગ લાયસન્સ, DL અને ચલણ શાખા, આર.એમ.એ., AMC ટેક્સ તેમજ કેશ કાઉન્ટર જેવી તમામ મહત્વપૂર્ણ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.
આ વ્યવસ્થાથી અરજદારોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં રહે અને મોટાભાગની કામગીરી એક જ કેમ્પસમાં સરળતાથી પૂર્ણ કરી શકાશે.

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર : વચેટિયાઓ અને છેતરપિંડી પર લાગશે નિયંત્રણ, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

જાહેર સંપત્તિ જાળવવાની અપીલ

નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને નવી RTO કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર આધુનિક જાહેર સુવિધાઓ ઊભી કરી રહી છે, પરંતુ તેનું જતન કરવું દરેક નાગરિકની પણ જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સતત સંકલન જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now