Ahmedabad News: અમદાવાદ શહેરના વ્યસ્ત લાલદરવાજા વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત રૂપાલી પાર્કિંગમાં આજે અચાનક એક વિશાળ લીમડાનું ઝાડ ધરાશાયી થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઝાડ સીધું પાર્કિંગમાં ઉભેલા વાહનો પર પડતાં અંદાજે 8થી 9 ફોરવ્હીલર કાર તેની નીચે દબાઈ ગઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ તેમજ રાહત કામગીરી શરૂ કરી હતી. સાથે જ AMCના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભારે ઝાડને કાપીને વાહનોને બહાર કાઢવા માટે જરૂરી સાધનોની મદદ લેવામાં આવી રહી છે.
વાહનોને નુકસાન, જાનહાનિના અહેવાલ નહીં
પ્રાથમિક માહિતી મુજબ ઝાડ પડતાં અનેક કારને ભારે નુકસાન પહોંચ્યું છે. વાહનોના કાચ તૂટી ગયા છે અને કેટલાક વાહનોનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જોકે, હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઘટનાના સમયે પાર્કિંગ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ પાર્કિંગમાં દબાયેલા તમામ વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરીમાં વ્યસ્ત છે. સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને પણ સુરક્ષિત કરવામાં આવ્યો છે જેથી વધુ કોઈ અકસ્માત સર્જાય નહીં.
આ પણ વાંચો: અમરેલીમાં ફરી સિંહનો હુમલો : લીલીયામાં સિંહ દર્શન કરવા ગયેલા યુવકને સિંહે ફાડી ખાધો, સિંહ હુમલાની સાતમી ઘટના
અધિકારીઓએ શરૂ કરી તપાસ
ઘટનાના પગલે AMCના સંબંધિત વિભાગના અધિકારીઓએ પણ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. ઝાડ અચાનક કયા કારણોસર ધરાશાયી થયું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદ, જમીનની ભેજ અથવા ઝાડની અંદરની નબળાઈ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે કે નહીં તે અંગે નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવશે. સ્થળ પર હાલમાં ફાયર બ્રિગેડ, પોલીસ અને AMCની ટીમ દ્વારા સંયુક્ત કામગીરી ચાલી રહી છે. નુકસાનનું મૂલ્યાંકન કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





