Home Gujarat Gujarat First Maha Van Kavach Project Deesa Davas Pravin Mali

ગુજરાતના પ્રથમ 'મહા વન કવચ' પ્રોજેક્ટનો ડીસાના ડાવસ ગામેથી પ્રારંભ : મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે 120 એકરમાં હરિયાળીની મહાયાત્રાનો પ્રારંભ

ડીસામાં મહા વન કવચ પ્રોજેક્ટના પ્રારંભે વૃક્ષારોપણ કાર્યક્રમ
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2026, 05:42 PM IST

Banaskantha News: ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ, આબોહવા પરિવર્તન સામે લડત અને હરિયાળા વિકાસને નવી દિશા આપતા ઐતિહાસિક પગલાંરૂપે બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામેથી રાજ્યના પ્રથમ 'મહા વન કવચ' પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસ નદીના કિનારે આશરે 120 એકર વિસ્તારમાં વિકસનારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. 'આઓ ધરતી માં કો હમ સજાયે, એક પેડ માં કે નામ લગાયે' થીમ આધારિત 'એક પેડ માં કે નામ-3.0' અભિયાન અંતર્ગત શરૂ થયેલો આ પ્રોજેક્ટ માત્ર વૃક્ષારોપણ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ, જૈવવિવિધતા, કુદરતી સંસાધનોના સંવર્ધન અને ભવિષ્યની પેઢી માટે હરિયાળું વારસો ઉભું કરવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ સાબિત થશે.

'ગ્રીન ડે' તરીકે ઉજવાયો જન્મદિવસ, હજારો લોકોએ કર્યો વૃક્ષારોપણનો સંકલ્પ

આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસર સાથે મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસને 'ગ્રીન ડે' તરીકે ઉજવવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં લોકભાગીદારીનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પર્યાવરણપ્રેમીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ વૃક્ષારોપણમાં ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી મંત્રી પ્રવીણભાઈ માળી પોતાના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ અને હરિયાળી અભિયાન સાથે જોડતા આવ્યા છે, જેના કારણે આ પહેલ હવે લોકચળવળનું સ્વરૂપ ધારણ કરી રહી છે.

બનાસ નદી કિનારે ઉભું થશે ગુજરાતનું સૌથી અનોખું ગ્રીન ઝોન

મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ડાવસ ખાતે વિકસાવવામાં આવનાર 'મહા વન કવચ' માત્ર એક ગ્રીન પ્રોજેક્ટ નથી પરંતુ ભવિષ્ય માટેનું પર્યાવરણલક્ષી રોકાણ છે. આશરે 120 એકર વિસ્તારમાં વિકસનારા આ પ્રોજેક્ટમાં ગુજરાતના વિવિધ ભૌગોલિક અને પર્યાવરણીય ઝોનને પ્રતિબિંબિત કરતા વિશેષ વિભાગો ઉભા કરવામાં આવશે. અહીં મિયાવાકી પદ્ધતિથી 2 લાખથી વધુ વૃક્ષોનું સંવર્ધન કરવામાં આવશે. સાથે જ સાંસ્કૃતિક વન, બાયોડાયવર્સિટી ઝોન, ઔષધીય વનસ્પતિ વિસ્તાર, કુદરતી વોકિંગ ટ્રેલ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને ઇકો-ટૂરિઝમ માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવશે. ભવિષ્યમાં આ સમગ્ર વિસ્તાર પર્યાવરણ શિક્ષણ, સંશોધન, જૈવવિવિધતા અભ્યાસ અને કુદરતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

મિયાવાકી પદ્ધતિથી ઝડપથી વિકસશે હરિયાળું વન

પ્રોજેક્ટમાં જાપાનની પ્રખ્યાત મિયાવાકી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ઓછી જગ્યામાં વધુ ઘનતાથી વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરીને ઝડપથી કુદરતી જંગલ વિકસાવવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન એમ ત્રણ સ્તરના આયોજન હેઠળ 25થી વધુ પ્રજાતિના 10 હજાર વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉચ્ચ સ્તરમાં પીપળો, વડ, લીમડો, શીસમ, અર્જુન, જાંબુ, કરંજ, રાયણ અને બદામ જેવા વૃક્ષો, મધ્યમ સ્તરે ચંદન, ઉમરો, બિલી, પારસ પીપળા અને બોરસલ્લી, જ્યારે નિમ્ન સ્તરે દાડમ, સીતાફળ, કચનાર, વાંસ, નગોડ, જામફળ, કરેણ અને ઔષધીય છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.

આગામી તબક્કાઓમાં અહીં 100થી વધુ પ્રજાતિના બે લાખથી વધુ વૃક્ષો વિકસાવવામાં આવશે.

'ટ્રી કટિંગ નહીં, ટ્રી પ્લાન્ટેશન' બનશે નવી ઓળખ

મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હવે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા નવી નીતિ સાથે આગળ વધી રહી છે. શક્ય હોય ત્યાં સુધી વૃક્ષો કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટેશનને પ્રોત્સાહન આપવામાં આવશે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં એક વૃક્ષ દૂર કરવું પડે તો તેના બદલામાં ઓછામાં ઓછા 100 નવા વૃક્ષો વાવવાની નીતિ અમલમાં મુકવામાં આવશે. "ટ્રી કટિંગ નહીં, ટ્રી પ્લાન્ટેશન"નો અભિગમ ગુજરાતના પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

સ્થાનિક રોજગારી અને ઇકો-ટૂરિઝમને મળશે નવી દિશા

મહા વન કવચ પ્રોજેક્ટનો સીધો લાભ સ્થાનિક ગ્રામજનોને પણ મળશે. વૃક્ષારોપણ, જાળવણી, પર્યાવરણ માર્ગદર્શન અને ઇકો-ટૂરિઝમ જેવી પ્રવૃત્તિઓના કારણે રોજગારીની નવી તકો ઉભી થશે. વન વિભાગ સમગ્ર પ્રોજેક્ટના લાંબા ગાળાના સંવર્ધન અને જાળવણીની જવાબદારી નિભાવશે, જેથી વાવવામાં આવેલા વૃક્ષોનો વિકાસ સુનિશ્ચિત થઈ શકે.

આ પણ વાંચો: અમરેલીમાં ફરી સિંહનો હુમલો : લીલીયામાં સિંહ દર્શન કરવા ગયેલા યુવકને સિંહે ફાડી ખાધો, સિંહ હુમલાની સાતમી ઘટના

રાજ્યભરમાં 12 હજાર એકરમાં હરિયાળી અભિયાન

મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં 12 હજાર એકર વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે. ઉપરાંત ગબ્બર પર્વતને વધુ હરિયાળું બનાવવા માટે વિશેષ ગ્રીન પ્રોજેક્ટ પણ અમલમાં મૂકવામાં આવશે. રાજ્ય સરકારનો પ્રયાસ માત્ર વૃક્ષો વાવવાનો નથી, પરંતુ હરિયાળીનું સંવર્ધન કરીને આગામી પેઢી માટે સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી ગુજરાતનું નિર્માણ કરવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now