Home Gujarat Ahmedabad Ahmedabad Green Growth 10 Lakh Tree Plantation Amit Shah

અમદાવાદ-ગાંધીનગરમાં 'ગ્રીન ગ્રોથ'નો મેગા પ્લાન : અમિત શાહના માર્ગદર્શન હેઠળ 10 લાખથી વધુ વૃક્ષો રોપાશે, નારણપુરામાં હરિયાળીનો સૌથી મોટો વધારો

અમદાવાદમાં હરિયાળી વધારવા મેગા વૃક્ષારોપણ અભિયાન
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2026, 04:56 PM IST

Ahmedabad - Gandhinagar News : વૈશ્વિક સ્તરે વધી રહેલા તાપમાન, ગ્લોબલ વોર્મિંગ અને શહેરી વિસ્તારોમાં વધતા પ્રદૂષણ વચ્ચે અમદાવાદ હવે પર્યાવરણ સંરક્ષણ માટે મોટા પાયે હરિયાળી અભિયાન તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમદાવાદના નારણપુરા, વેજલપુર, ઘાટલોડિયા અને સાબરમતી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી વ્યાપક વૃક્ષારોપણ અને ગ્રીન કવર વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં હરિયાળીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વૃક્ષારોપણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ શહેરી ગરમી ઘટાડવી, પ્રદૂષણ નિયંત્રિત કરવું, ઓક્સિજનનું પ્રમાણ વધારવું અને આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું શહેર આપવાનું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને સ્થાનિક નાગરિકોના સહયોગથી શહેરમાં 'ગ્રીન કવચ' તૈયાર કરવાની દિશામાં કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.

2019થી 2025 વચ્ચે હરિયાળીમાં નોંધપાત્ર વધારો

વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2025 સુધીમાં અમદાવાદના ચાર મુખ્ય વિધાનસભા વિસ્તારોમાં ગ્રીન કવરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આ આંકડા શહેરમાં પર્યાવરણલક્ષી કામગીરીના સકારાત્મક પરિણામો દર્શાવે છે.

નારણપુરા વિધાનસભા વિસ્તારમાં હરિયાળીના કુલ વિસ્તારમાં સૌથી વધુ 64.43 ટકા વધારો નોંધાયો છે. સઘન વૃક્ષારોપણ, ઓક્સિજન પાર્ક અને જાહેર સ્થળોના ગ્રીન ડેવલપમેન્ટને કારણે આ વિસ્તાર શહેરમાં સૌથી વધુ ગ્રીન ગ્રોથ ધરાવતો વિસ્તાર બન્યો છે. વેજલપુર વિધાનસભામાં 45.42 ટકા, ઘાટલોડિયા વિસ્તારમાં 27.57 ટકા અને સાબરમતી વિસ્તારમાં 10.21 ટકા ગ્રીન કવરનો વધારો નોંધાયો છે. શહેરીકરણ વચ્ચે પણ હરિયાળી જાળવવાના પ્રયાસોને આ પરિણામો મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહ્યા છે.

94 ઓક્સિજન પાર્કથી શહેરને મળી રહી હરિયાળી

અમદાવાદમાં માત્ર પરંપરાગત વૃક્ષારોપણ જ નહીં પરંતુ જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ અને ડેન્સ પ્લાન્ટેશન મોડલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધી 94 ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે. ઓછી જગ્યામાં વધુ ઘનતાથી વૃક્ષો ઉછેરતી આ પદ્ધતિથી શહેરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા, પ્રદૂષણ ઘટાડવા અને જૈવ વૈવિધ્યને પ્રોત્સાહન આપવા મદદ મળી રહી છે. નગરજનો માટે આ ઓક્સિજન પાર્ક હવે માત્ર હરિયાળા સ્થળો જ નહીં પરંતુ મોર્નિંગ વોક, આરોગ્યપ્રદ જીવનશૈલી અને પર્યાવરણ જાગૃતિના કેન્દ્રો તરીકે પણ વિકસ્યા છે.

2026-27માં 10 લાખથી વધુ વૃક્ષો વાવવાનો મેગા ટાર્ગેટ

અમદાવાદમાં હરિયાળી વધારવાના અભિયાનને વધુ વેગ આપવા માટે વર્ષ 2026-27 દરમિયાન 10 લાખથી વધુ નવા વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આયોજન મુજબ ઘાટલોડિયા વિસ્તારમાં સૌથી વધુ 4,46,996 વૃક્ષો, વેજલપુર વિસ્તારમાં 3,87,800 વૃક્ષો, સાબરમતી વિસ્તારમાં 1,43,192 વૃક્ષો અને નારણપુરા વિસ્તારમાં 79,400 નવા વૃક્ષો રોપવામાં આવશે. આ વૃક્ષારોપણ અભિયાનમાં જાહેર બગીચા, રોડ સાઈડ, સરકારી જમીન, ખુલ્લા પ્લોટ, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક સોસાયટીઓ અને વિવિધ જાહેર સ્થળોને પ્રાથમિકતા આપવામાં આવશે.

'હીટ આઇલેન્ડ ઇફેક્ટ' સામે કુદરતી રક્ષણ

અમદાવાદમાં ઉનાળા દરમિયાન તાપમાન ઘણી વખત 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જાય છે. શહેરમાં કોંક્રિટના વધતા બાંધકામ અને હરિયાળીની ઘટતી માત્રાને કારણે 'હીટ આઇલેન્ડ ઇફેક્ટ' વધુ ગંભીર બનતો જાય છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે વૃક્ષો જ આ સમસ્યાનો સૌથી અસરકારક અને કાયમી ઉપાય છે. લાખો નવા વૃક્ષો શહેરનું તાપમાન ઘટાડવામાં, હવામાં રહેલા પ્રદૂષક તત્વો અને ધૂળના રજકણોને શોષવામાં તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ નાગરિકોને વધુ શુદ્ધ હવા અને આરોગ્યપ્રદ વાતાવરણ ઉપલબ્ધ થશે.

નાગરિકોની ભાગીદારીથી બનશે 'હરિયાળી લોકસભા'

આ સમગ્ર અભિયાનમાં સ્થાનિક નાગરિકો, રહેણાંક સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુવાનોને પણ સક્રિય રીતે જોડવામાં આવી રહ્યા છે. વૃક્ષારોપણ બાદ તેના જતન અને ઉછેરને પણ સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે જેથી વાવવામાં આવેલા વૃક્ષો લાંબા ગાળે પર્યાવરણને લાભ આપી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશનો હરિયાળો અને પર્યાવરણલક્ષી લોકસભા વિસ્તાર બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે સુરક્ષાની ઉચ્ચસ્તરીય સમીક્ષા : હર્ષ સંઘવી એક્શનમાં, AI ટેક્નોલોજીથી રહેશે ચુસ્ત બંદોબસ્ત

12 જુલાઈએ મેગા વૃક્ષારોપણ અભિયાન

આ અભિયાનના ભાગરૂપે આગામી 12 જુલાઈના રોજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો જોડાશે. નાગરિકોને પરિવારના દરેક સભ્યના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનમાં જોડાવા માટે ઓનલાઈન નોંધણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now