Home Gujarat Ahmedabad Narendra Modi Stadium Road Widening Amc Demolition Motera Ahmedabad

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ બનશે 61 મીટર પહોળો : 50થી વધુ કોમર્શિયલ મિલકતો પર શરૂ થયું ડિમોલિશન

ડિમોલિશન
Published by: Chintan Chavda
Last Updated: Jul 09, 2026, 06:39 AM IST

અમદાવાદ: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના માર્ગ અને શહેરી માળખાકીય સુવિધાઓને વધુ આધુનિક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંભવિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવો, જેમાં કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલિમ્પિક સંબંધિત તૈયારીઓનો પણ સમાવેશ થાય છે, તેને ધ્યાનમાં રાખીને સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતો મુખ્ય માર્ગ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીના ભાગરૂપે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધી રોડલાઈનના અમલ માટે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ અસરગ્રસ્ત મિલકતધારકોને નોટિસ આપવામાં આવી હતી, જેના અનુસંધાને આજે સવારે મ્યુનિસિપલ તંત્રે જેસીબી સહિતના સાધનો સાથે સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી.

18 મીટરના રોડને 61 મીટર સુધી વિસ્તૃત કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજન મુજબ હાલનો આશરે 18 મીટર પહોળો માર્ગ આગામી સમયમાં 61 મીટર પહોળો બનાવવામાં આવશે. આ રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી મોટા આંતરરાષ્ટ્રીય રમતોત્સવો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન, વાહનવ્યવહાર અને મુલાકાતીઓની અવરજવર વધુ સરળ બને તે હેતુથી રોડનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

રોડલાઈનના અમલમાં અનેક કોમર્શિયલ અને કેટલીક રહેણાંક મિલકતો અસરગ્રસ્ત બનતી હોવા છતાં, હાલના તબક્કે માત્ર કોમર્શિયલ મિલકતો સામે જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

50થી વધુ કોમર્શિયલ મિલકતો તોડવાની કાર્યવાહી

સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધીના રોડ પર આવેલી અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત મિલકતધારકોને અગાઉથી નોટિસ આપી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે રોડલાઈનના અમલ માટે સ્થળ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલ રહેણાંક મિલકતોને નહીં અડાય

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલના તબક્કે કોઈ રહેણાંક મિલકતને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ડી-માર્ટ બાદ આવેલા કેટલાક કોમર્શિયલ તેમજ રહેણાંક બિલ્ડિંગોને લઈને મામલો હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં વિચારાધીન હોવાથી તે વિસ્તારમાં કોઈ ડિમોલિશન કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત રોડની સામે આવેલી ONGCની કચેરીને સ્થળાંતર કરવાની પ્રક્રિયા બાકી હોવાથી હાલ ત્યાં પણ કોઈ તોડફોડ કરવામાં આવશે નહીં. પરિણામે હાલ અંદાજે 500 મીટરના રોડ સ્ટ્રેચમાં આવતી મિલકતો પર જ કાર્યવાહી મર્યાદિત રાખવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પાલતુ કુતરા બાદ હવે બિલાડીનું પણ રજીસ્ટ્રેશન ફરજિયાત : જાણો અરજી કેવી રીતે કરવી

સ્ટેડિયમ આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ પર ભાર

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે અને અહીં સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો તેમજ મોટા કાર્યક્રમો યોજાતા રહે છે. ભવિષ્યમાં વધુ આંતરરાષ્ટ્રીય રમતોત્સવો અને મોટા જાહેર કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ આસપાસના માર્ગો, ટ્રાફિક મેનેજમેન્ટ અને શહેરી સુવિધાઓને વધુ સક્ષમ બનાવવાની દિશામાં વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

રોડ પહોળો થવાથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થવાની સાથે ઇમરજન્સી વાહનોની અવરજવર, પાર્કિંગ મેનેજમેન્ટ અને મોટા ઇવેન્ટ્સ દરમિયાન લોકોની અવરજવર પણ વધુ સુગમ બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now