Home Gujarat Gujarat Cid 226 Crore Crypto Network Terror Funding Bust

ગુજરાત CID નો મોટો ખુલાસો : આતંકી ફંડિંગ, ડ્રગ્સ અને ડાર્ક વેબ સાથે જોડાયેલ ₹226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ

CIDએ ઝડપેલા આરોપીઓના દ્રશ્યો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: May 19, 2026, 11:38 AM IST

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ CID ક્રાઈમ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક, ડાર્ક વેબ અને આતંકવાદી ફંડિંગ સાથે જોડાયેલા વિશાળ ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. CID ક્રાઈમે કુલ ₹226 કરોડથી વધુના શંકાસ્પદ ક્રિપ્ટો વ્યવહારો સામે લાવી “ડર્ટી ક્રિપ્ટો”ને USDT માં કન્વર્ટ કરતી ટોળકીના 9 આરોપીઓની ધરપકડ કરી છે.

આ સમગ્ર કાર્યવાહી ગુજરાત CID ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ટેક્નિકલ બ્લોકચેઇન એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ડાર્ક વેબ પર ડ્રગ્સ વેચાણ, મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોના ફંડિંગ સાથે સંકળાયેલું હતું.

ARTEMISLAB.CC’ વેબસાઇટથી શરૂ થઈ તપાસ

મળતી માહિતી અનુસાર તપાસની શરૂઆત ગેરકાયદેસર ઓનલાઈન નાર્કોટિક્સ વેચતી વેબસાઇટ ‘ARTEMISLAB.CC’ના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પરથી થઈ હતી. આ વેબસાઇટના વ્યવહારો ગુજરાત સ્થિત એક ક્રિપ્ટો વોલેટ સુધી પહોંચતા હોવાનું સામે આવ્યું હતું, જે મોહસીન સદીક મોલાણી નામના વ્યક્તિ સાથે જોડાયેલ હતું.

આગળના બ્લોકચેઇન એનાલિસિસમાં જાણવા મળ્યું કે મોહસીન મોલાણીના વોલેટ સાથે ભારતના અન્ય અનેક વોલેટ્સ જોડાયેલા હતા અને તેમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થઈ રહ્યા હતા. તપાસમાં મોનેરો (Monero) જેવી અનટ્રેસેબલ ક્રિપ્ટોકરન્સીનો પણ મોટા પાયે ઉપયોગ થયાનો ખુલાસો થયો છે.

હમાસ અને હૂથી નેટવર્ક સાથે જોડાણનો દાવો

તપાસમાં સૌથી ગંભીર ખુલાસો એ થયો છે કે કેટલાક વોલેટ્સનો સંબંધ આતંકવાદી ફંડિંગ નેટવર્ક સાથે હોવાનું સામે આવ્યું છે. CID ના જણાવ્યા મુજબ, મોહંમદ ઝુબેર પોપટિયા નામના આરોપીનું વોલેટ ઇઝરાયલની NBCTF (National Bureau for Counter Terror Financing) દ્વારા 2025માં ફ્રીઝ કરાયેલા વોલેટ્સ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આ વોલેટ્સ ‘હમાસ’ સાથે સંકળાયેલા હોવાનું પણ જણાવાયું છે.

તપાસમાં અમેરિકાની OFAC (Office of Foreign Assets Control) દ્વારા પ્રતિબંધિત સંગઠનો અને હૂથી (અંસાર અલ્લાહ), IRGC-QF અને રશિયન પ્રતિબંધિત એક્સચેન્જ Garantex સાથે પણ ટ્રાન્ઝેક્શન જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ODI વર્લ્ડ કપ 2027 માટે આજે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત : રોહિત-વિરાટના ભવિષ્ય પર મોટો નિર્ણય! જાણો શું છે BCCI માટે સૌથી મોટો પડકાર

લંડન સુધી ડ્રગ્સ નેટવર્કના તાર

CID ક્રાઈમના દાવા મુજબ આરોપી મોહસીન મોલાણીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે 2023 થી લંડનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ કારોબાર કરવામાં આવતો હતો. તે ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન માધ્યમો દ્વારા ડ્રગ્સના ઓર્ડર લેતો હતો અને વિગતો દુબઈ સ્થિત મોહંમદ ઝુબેર પોપટિયાને મોકલતો હતો.

આ કેસમાં સલમાન ગુલામઅલી અન્સારી નામનો આરોપી હાલ બ્રિટનમાં ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં 6 વર્ષની સજા ભોગવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. CID ના જણાવ્યા મુજબ તે જેલમાં બેઠા બેઠા પણ નેટવર્ક સંચાલિત કરતો હોવાના પુરાવા મળ્યા છે.

કુલ ₹226 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો

તપાસમાં ઝડપાયેલા આરોપીઓના વોલેટ્સમાં કુલ US$ 23,962,383 જેટલા ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે, જેની ભારતીય ચલણમાં અંદાજિત કિંમત ₹226.54 કરોડથી વધુ થાય છે.

CIDના જણાવ્યા મુજબ આ આરોપીઓના Binance P2P બેંક એકાઉન્ટ્સ સામે NCCRP પોર્ટલ પર 935થી વધુ સાયબર ફ્રોડ ફરિયાદો પણ નોંધાઈ છે. આ એકાઉન્ટ્સ મારફતે સાયબર ક્રાઈમની રકમ અલગ અલગ લેયરમાં ફેરવવામાં આવતી હતી.

9 આરોપીઓની ધરપકડ, અનેક ડિજિટલ ડિવાઈસ જપ્ત

CID દ્વારા અમદાવાદ, મુંબઈ અને હરિયાણાથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોહસીન મોલાણી, મોહંમદ ઝુબેર પોપટિયા, ઝીશાન મોતીવાલા સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે.

કાર્યવાહી દરમિયાન 13 મોબાઈલ ફોન, એક લેપટોપ, એક ટેબ્લેટ અને રોકડ રકમ ₹1.25 લાખ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં કોંગ્રેસના બે ફાડિયા! : ભાજપ સામે લડવાને બદલે નેતાઓ અંદરોઅંદર જ બાખડ્યા, એક જ દિવસે બે સમાંતર બેઠકો યોજાઈ

જનતાને CIDની ખાસ અપીલ

CID એ લોકોને બેંક એકાઉન્ટ ભાડે ન આપવાની, અજાણ્યા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનથી દૂર રહેવાની અને ડાર્ક વેબ પર ગેરકાયદેસર ખરીદી ન કરવાની અપીલ કરી છે. સાથે સાયબર ફ્રોડની ઘટનામાં તરત 1930 હેલ્પલાઈન અથવા cybercrime.gov.in પર ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now