Chandipura Virus Gujarat: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ફરી એકવાર આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના સોંદરડી ગામમાં પાંચ વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયાની માહિતી સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ચાંદીપુરા વાયરસને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાવચેતીના પગલાં વધુ કડક કરવામાં આવી રહ્યા છે. જ્યાં જ્યાં શંકાસ્પદ કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, સેમ્પલિંગ, જાગૃતિ અભિયાન અને બાળકોના આરોગ્યની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ શંકાસ્પદ કેસોની તપાસ ચાલી રહી છે, જોકે અત્યાર સુધી આવેલા કેટલાક રિપોર્ટ રાહત આપનારા રહ્યા છે.
ઊનાના સોંદરડી ગામમાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર ઊના તાલુકાના સોંદરડી ગામના પાંચ વર્ષના બાળકની તબિયત અચાનક બગડતા તેને સૌપ્રથમ સારવાર માટે ટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. બાળકના મોત બાદ ચાંદીપુરા વાયરસની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે મોતનું ચોક્કસ કારણ આરોગ્ય વિભાગની તપાસ અને લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે.
સોંદરડી ગામમાં આરોગ્ય વિભાગની 8 ટીમો તૈનાત
બાળકના મોત બાદ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની આઠ ટીમો સોંદરડી ગામમાં પહોંચી ગઈ છે. ગામના દરેક ઘરમાં આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી રહી છે તેમજ કોઈ અન્ય વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને ચાંદીપુરા વાયરસ અંગે માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ તાવ, બેભાન થવું, આંચકી આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 'સિંહને રેસ્ક્યૂ કરવા ટીમ કામે લાગી ગઈ છે' : અમરેલીના રબારિકામાં સિંહના હુમલાને લઈ પ્રવીણ માળીનું નિવેદન
પંચમહાલ જિલ્લામાં 23 શંકાસ્પદ કેસ, 5 બાળકોના મોત
બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા વધી છે. જિલ્લા આરોગ્ય વિભાગના ઉપલબ્ધ આંકડા મુજબ અત્યાર સુધી કુલ 23 શંકાસ્પદ બાળ દર્દીઓ નોંધાયા છે. આ પૈકી પાંચ બાળકોના મોત થયા છે. જોકે અત્યાર સુધી માત્ર બે બાળકોના સેમ્પલમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. હાલમાં આઠ બાળકો સારવાર હેઠળ છે, જ્યારે દસ બાળકો સારવાર પૂર્ણ થયા બાદ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સેમ્પલ રિપોર્ટમાં શું સામે આવ્યું?
આરોગ્ય વિભાગે અત્યાર સુધી કુલ 23 સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે. જેમાં બે રિપોર્ટ પોઝિટિવ અને 16 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે પાંચ સેમ્પલના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. અધિકારીઓનું કહેવું છે કે, તમામ શંકાસ્પદ કેસો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સારવાર સાથે સર્વેલન્સની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે.
જામનગરમાંથી રાહતના સમાચાર
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલા રવિ પાર્ક વિસ્તારમાં રહેતા બે વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું, પરંતુ તેના સેમ્પલનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના 11 માસની બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ નોંધાયો છે. જોકે જી.જી. હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ બાળ દર્દી સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: ગિરનારની સીડીઓ પર લાડુ ચડાવવા મામલે પોલીસ એક્શનમાં : અધિકારીઓની સ્થળ મુલાકાત બાદ મોટા નિર્ણયની શક્યતા
દેવભૂમિ દ્વારકાના બાળકના સેમ્પલ તપાસ હેઠળ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામના એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ જ તે બાળકને ચાંદીપુરા વાયરસ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે.
આરોગ્ય વિભાગની લોકોને અપીલ
આરોગ્ય વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે. બાળકોમાં અચાનક તાવ, બેભાન થવું, આંચકી આવવી, સતત ઊંઘ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, બાળકોને મચ્છર અને જીવાતોથી સુરક્ષિત રાખવા તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલ તમામ શંકાસ્પદ કેસો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.






