Home Gujarat Amreli Rabarika Lion Attack Attempt Khambha Tulshishyam Forest Department

'સિંહને રેસ્ક્યૂ કરવા ટીમ કામે લાગી ગઈ છે' : અમરેલીના રબારિકામાં સિંહના હુમલાને લઈ પ્રવીણ માળીનું નિવેદન

Amreli Lion Attack
Published by: Nirali Gohil
Last Updated: Jul 20, 2026, 09:49 AM IST

Amreli Lion Attack: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા રબારીકા ગામમાં સિંહની હાજરીને લઈને ફરી એકવાર ચિંતા ફેલાઈ છે. ગામમાં પોતાના ઘરે બહાર બ્લેંકેટ ઓઢીને સૂતા એક વૃદ્ધ પર સિંહે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે સિંહે બ્લેંકેટ પર જ મોઢું માર્યા બાદ અંદર માણસ હોવાનો અહેસાસ થતાં ત્યાંથી જતો રહ્યો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર ગામડાઓ સુધી વધી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ઘરે બ્લેંકેટ ઓઢીને સૂતા હતા વૃદ્ધ

પ્રાપ્ત માહિતી અનુસાર રબારીકા ગામના રહેવાસી રવજીભાઈ સેંજલિયા પોતાના ઘરે બહાર બ્લેંકેટ ઓઢીને સૂતા હતા. તે દરમિયાન મધરાતના સમયે એક સિંહ ત્યાં પહોંચી ગયો હતો અને બ્લેંકેટમાં સૂતેલી વ્યક્તિને શિકાર સમજી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સિંહે બ્લેંકેટ પર મોઢું મારતાં વૃદ્ધને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે તરત જ અંદર માણસ હોવાનો અહેસાસ થતાં સિંહ કોઈ વધુ હુમલો કર્યા વિના ત્યાંથી જતો રહ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

વૃદ્ધને સારવાર માટે ઉના હોસ્પિટલ ખસેડાયા

ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત રવજીભાઈ સેંજલિયાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ વૃદ્ધને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે અને તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મોટી દુર્ઘટના ટળી જતાં પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: 'નદીના કોતરીમાંથી દીપડો આવ્યો હોય તમે બને' : શહેરમાં દીપડાની દહેશત વચ્ચે પ્રવીણ માળીની નાગરિકોને ખાસ અપીલ

ઘટનાસ્થળે પહોંચ્યો વન વિભાગ, તપાસ શરૂ

સિંહના હુમલાના પ્રયાસની જાણ થતાં તુલસીશ્યામ રેન્જનો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક રબારીકા ગામે પહોંચ્યો હતો. અધિકારીઓએ ઘટનાસ્થળની તપાસ કરી સિંહની હિલચાલ અંગે માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ ખાસ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ જો ગામમાં સિંહ દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

પરિવારજનોનો દાવો, સિંહે બ્લેંકેટ પર કર્યો હુમલો

ઈજાગ્રસ્ત રવજીભાઈ સેંજલિયાના પુત્ર ભાવેશ સેંજલિયાએ જણાવ્યું કે, તેમના પિતા બ્લેંકેટ ઓઢીને સૂતા હતા ત્યારે સિંહ ત્યાં પહોંચ્યો હતો. સિંહે બ્લેંકેટ પર હુમલો કરતાં તેમને સામાન્ય ઈજા પહોંચી હતી, પરંતુ માણસ હોવાનો અહેસાસ થતાં સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. પરિવારજનોના કહેવા મુજબ સિંહ થોડો સમય આસપાસ રહ્યો હતો, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાને લઈ વન વિભાગના અધિકારી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, અમરેલીના રબારિકા ગામમાં સિંહના હુમલાની ઘટનામાં રવજીભાઈ સેંજલિયાને સામાન્ય ઈજા પહોંચી છે. હાલ આ સિંહને પકડવા માટે ટીમો કામે લાગી ગઈ છે. સિંહોનો મેટિંગનો સમય ચાલતો હોવાથી તેઓ જંગલમાં ફરી રહ્યા છે. જેને લઈ હાલ ટીમો કામે લાગી ગઈ છે.

ગ્રામજનોમાં ભય, વન વિભાગ પર નજર

આ ઘટનાએ ફરી એકવાર ગીર પંથકના ગામોમાં વન્યજીવો અને માનવ વસાહતો વચ્ચે વધી રહેલા સંપર્કનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સિંહો ગામની સીમ સુધી આવી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે.વન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, સિંહ દેખાય તો તેને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવા અને તાત્કાલિક વિભાગને જાણ કરવા અપીલ કરી છે. વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે જેથી આવી ઘટના ફરી ન બને અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now