Home Gujarat Gujarat Cabinet Wire Free City Decision Jitu Vaghani June 2026

રાજ્યના શહેરો બનશે 'વાયર ફ્રી' : કેબિનેટ બેઠકમાં લોવાયો મહત્વના નિર્ણય, જીતુવાઘાણીએ આપી માહિતી

જીતુ વાઘાણીની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 03, 2026, 10:22 AM IST

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠક બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકની શરૂઆત માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધન અંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.

બેઠકમાં રાજ્યના શહેરી વિકાસ, કૃષિ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતને ‘વાયર ફ્રી સિટી’ તરફ આગળ ધપાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં વિકસશે વાયર ફ્રી સિટી

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં દેખાતા વીજ, ટેલિકોમ અને અન્ય સેવાઓના વાયરોના જાળને સુવ્યવસ્થિત કરવા માટે ‘વાયર ફ્રી સિટી’નો અભિગમ અપનાવવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 100થી વધુ નગરપાલિકાઓમાં આ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ સેવાઓના વાયરિંગને ભૂગર્ભ અથવા સુવ્યવસ્થિત રીતે ગોઠવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારનું માનવું છે કે વાયર ફ્રી સિટી બનવાથી શહેરી સૌંદર્યમાં વધારો થશે, અકસ્માતોની સંભાવના ઘટશે, જાળવણી સરળ બનશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી શકશે.

સેવા ક્ષેત્ર માટે નવતર વ્યવસ્થા

રાજ્ય સરકાર દ્વારા સેવા ક્ષેત્ર (સર્વિસ સેક્ટર) માટે પણ નવી વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં કામ શરૂ કરવામાં આવશે. વિવિધ સેવા ક્ષેત્રો સંબંધિત ડેટાનું સંકલન કરીને ભવિષ્યમાં વધુ અસરકારક નીતિઓ ઘડવાનો પ્રયાસ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડેટા આધારિત અભિગમથી રોજગારી, વ્યવસાય અને સેવાઓના વિસ્તરણ માટે વધુ અસરકારક આયોજન શક્ય બનશે.

આ પણ વાંચો: 5 જૂનથી શરૂ થશે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર : વિરોધીઓને પણ ખુલ્લું આમંત્રણ, કડશ યાત્રાની તૈયારીઓ તેજ

નીતિ આયોગ બેઠકમાં ગુજરાત રજૂ કરશે વિકાસનો રોડમેપ

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આગામી નીતિ આયોગની બેઠકમાં ગુજરાત સરકાર રાજ્યની વિકાસ યાત્રા, સિદ્ધિઓ અને ભવિષ્યના રોડમેપની વિગતવાર રજૂઆત કરશે. રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસ કાર્યો, રોકાણ, ઔદ્યોગિક વૃદ્ધિ, કૃષિ ક્ષેત્રના સુધારા અને જનકલ્યાણ યોજનાઓ અંગેની માહિતી નીતિ આયોગ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભાજપનું ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026’ શરૂ : સંગઠન સશક્તિકરણ પર ભાર, CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને આપી હાજરી

PM સૂર્યઘર યોજનામાં ગુજરાતને મળશે સન્માન

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી PM સૂર્યઘર યોજનાના સફળ અમલીકરણ બદલ ગુજરાતને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કાર મળવાનો છે. રાજ્યમાં ઘરઆંગણે સોલાર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા પ્રયાસોની નોંધ લેવામાં આવી છે. આ સિદ્ધિ રાજ્યના ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

1 જૂનથી શરૂ થયું 'ખેત બચાવો અભિયાન'

કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 1 જૂનથી 30 જૂન સુધી ‘ખેત બચાવો અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે અને જમીન, પાણી તેમજ પાક સંરક્ષણ અંગે જાગૃતિ લાવવામાં આવશે. સરકાર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં કૃષિ વિભાગના અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો, ખેતી ખર્ચ ઘટાડવાનો અને જમીનની ફળદ્રુપતા જાળવવાનો છે.

આ પણ વાંચો: કચ્છમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પશ્ચિમ કચ્છ પોલીસનું મેગા ઓપરેશન : 80 શંકાસ્પદોની કરાઈ અટકાયત

મુખ્યમંત્રી આજે કલેક્ટરો સાથે કરશે ચર્ચા

ખેત બચાવો અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાનેથી વિશેષ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, કૃષિ વિભાગના અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાશે. મુખ્યમંત્રી અભિયાનની અમલવારી, ખેડૂતો સુધી પહોંચવાની વ્યૂહરચના અને આગામી કામગીરી અંગે માર્ગદર્શન આપશે. સરકારનું માનવું છે કે ખેતી અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે આવા અભિયાનો મહત્વપૂર્ણ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now