અમદાવાદ: ગુજરાત ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની એન્ફોર્સમેન્ટ ટીમોએ રસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી કેરીઓના મોટા જથ્થા સામે કાર્યવાહી કરતાં શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ કેરીઓનો જથ્થો શોધી કાઢી જપ્ત કર્યો છે. વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કેરીઓનો ઉપયોગ કેરીનો રસ તૈયાર કરવા માટે થવાનો હતો.
તપાસ દરમિયાન કેરીમાંથી નીકળી જીવાત!
તપાસ દરમિયાન અધિકારીઓએ જોયું કે જપ્ત કરાયેલી કેરીઓ અત્યંત સડેલી હાલતમાં હતી. ઘણી કેરીઓ કીડા ખાધેલી હતી, જ્યારે અનેક ફળોમાં ફૂગ લાગી ગઈ હતી. કેટલાક ફળોમાં જંતુઓ પણ જોવા મળ્યા હતા, જેના કારણે તે માનવ આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે તેવી સ્થિતિમાં હતા.
ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે રાજ્યભરમાં નિયમિત ચકાસણીઓ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહી બાદ વિભાગે વેપારીઓ અને રસ ઉત્પાદકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત કાચા માલનો જ ઉપયોગ કરવાની સૂચના આપી છે. સાથે જ સામાન્ય નાગરિકોને પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ખાદ્ય સામગ્રી અંગે સંબંધિત સત્તાવાળાઓને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
ફૂડ સેફ્ટી વિભાગની આ કાર્યવાહીથી બજારમાં બિનગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ પર નિયંત્રણ લાવવાના પ્રયાસોને વધુ બળ મળ્યું છે અને ગ્રાહકોના આરોગ્યના રક્ષણ માટે વિભાગની સક્રિય કામગીરી ફરી એકવાર સામે આવી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં મજૂરી, સ્પા અને દેહવ્યાપાર... : 166 બાંગ્લાદેશીઓની ઓળખ






