logo-img
Grand Welcome For Fast Bowler Hanil Who Returned Home After Winning The U 19 Cricket World Cup

U-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતી વતન ફરેલા ફાસ્ટ બોલર હેનીલનું ભવ્ય સ્વાગત : 'હેનીલ... હેનીલ...', ઢોલ-નગારા અને પુષ્પ વર્ષો, હેનીલે કહ્યું 'આ પ્રેમ મેડલ કરતા મોટું છે'

U-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતી વતન ફરેલા ફાસ્ટ બોલર હેનીલનું ભવ્ય સ્વાગત
Published by: Offbeat Team
| Last Updated: Feb 09, 2026, 06:45 AM IST

ICCની અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી વલસાડનું નામ રોશન કરનાર હેનીલ પટેલનું માદરે વતન પરત ફરતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની એક મેચમાં પાંચ વિકેટ ઝડપી હેનીલે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. હેનીલ વલસાડ પહોંચવાનો સમય નજીક આવતાં જ રવિવારે સાંજથી ધરમપુર ચોકડી ખાતે ચાહકો, યુવા ક્રિકેટરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થવા લાગ્યા હતા. લોકો હાથમાં તિરંગા ધ્વજ અને સ્વાગતના બેનરો લઈને કલાકો સુધી તેની રાહ જોતા રહ્યા હતા.

‘હેનીલ… હેનીલ…’ના નારાઓથી ગુંજી ઉઠ્યા

રાત્રે લગભગ 10 વાગ્યે હેનીલ પટેલના આગમન સાથે જ સમગ્ર વિસ્તાર ‘હેનીલ… હેનીલ…’ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. ઢોલ-નગારા, ડીજેના તાલ અને પુષ્પવર્ષા સાથે તેનું ઉત્સાહભર્યું અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ICCની અંડર-19 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રમીને આવ્યા છતાં હેનીલે કોઈ અભિમાન દર્શાવ્યા વગર ખૂબ જ સાદગીપૂર્વક ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ભીડ વચ્ચે પણ ધૈર્ય રાખીને તેણે યુવા ચાહકો સાથે સેલ્ફી પડાવી, વડીલોના આશીર્વાદ લીધા અને સ્થાનિક ક્રિકેટરોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

'...તે મારા માટે કોઈ પણ મેડલથી વધારે મૂલ્યવાન છે'

આ પ્રસંગે હેનીલ પટેલે જણાવ્યું હતું કે, 'મારા વતન વલસાડના લોકોએ જે પ્રેમ અને સ્નેહ આપ્યો છે, તે મારા માટે કોઈ પણ મેડલથી વધારે મૂલ્યવાન છે. આ જ સપોર્ટ મને આગળ વધુ મહેનત કરવા અને દેશ માટે વધુ સારું કરવા પ્રેરણા આપે છે.' હેનીલની આ સફળતા પાછળ તેની સતત મહેનત અને પરિવારના સંઘર્ષની મહત્વની ભૂમિકા રહી છે. સ્વાગત સમારોહ દરમિયાન તેના માતા-પિતાની આંખોમાં ગર્વ અને ખુશીના આંસુ જોવા મળ્યા હતા. સ્થાનિક કોચના જણાવ્યા મુજબ, હેનીલ પટેલની આ સિદ્ધિ વલસાડ સહિત સમગ્ર વિસ્તારમાંના ઉભરતા ખેલાડીઓ માટે પ્રેરણાસ્રોત અને સીમાચિહ્નરૂપ સાબિત થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now