વાજબી ભાવની દુકાનના એસોસીએશનની તા.25/10/2025ની રજૂઆતનાં સંદર્ભે આજરોજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે તેમની પડતર માંગણીઓ સંદર્ભે એક બેઠક યોજવામાં આવી હતી.
11 જેટલા મુદ્દાઓ સાથે હકારાત્મક અભિગમ
આ બેઠકમાં એસોસીએશનનાં આવેદનપત્રની કુલ 20 માંગણીઓ પૈકી 11 જેટલા મુદ્દાઓ સાથે હકારાત્મક અભિગમ દાખવીને વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચનાઓ આપવામાં આવેલ છે.
દુકાનદારોના હિતાર્થે પગલા!
વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવેમ્બર માસનાં વિતરણ માટે નોંધપાત્ર સસ્તા અનાજનાં દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પૂર્ણ કરેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા NFSA લાભાર્થીઓ માટે શરૂ કરાયેલી યોજનાને માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુ સઘન બનાવી લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજનાં દુકાનદારોના હિતાર્થે ઘણાં પગલાં લેવામાં આવેલા છે.
વર્તમાન સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ અને જાહેરહિતને ધ્યાને લઈને, NFSA હેઠળ નોંધાયેલા ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને સર્વોપરી રાખીને, બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને સમયસર અનાજનો જથ્થો મળી રહે.






