ધાર્મિક દબાણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો પિટિશન પર ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગૃહ વિભાગના એફિડેવિટ મુજબ 16 એપ્રિલથી અત્યાર સુધીમાં રાજ્યમાં 261 ધાર્મિક દબાણ દૂર કરાયા છે, 28 ધાર્મિક દબાણ રિલોકેટ કરાયા કે અને 98 રેગ્યુલરાઈઝ કરાયા છે. 1177 ધાર્મિક દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે. જ્યારે 328 નોટિસ વર્તમાન પત્રોમાં અપાઈ છે. જે મુદ્દે વધુ સુનવણી 12 નવેમ્બરે યોજાશે.
ગત સુનવણીમાં કોર્ટે શું કહ્યું હતું?
ગત સુનવણીમાં કોર્ટને જણાવ્યું હતું કે ''ધાર્મિક દબાણોને ઓળખીને જિલ્લાઓને જુદી જુદી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં 01 હજારથી વધુ ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લા, 500થી 1 હજાર ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લા, 300થી 500, 200 થી 300, 100 થી 200 અને 100થી ઓછા ધાર્મિક દબાણો ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક દબાણો મુદ્દે જિલ્લા લેવલે બનેલી કમિટીની મિટિંગ મહિનામાં એક વખત મળે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. 2 જિલ્લા અને 1 મહાનગરપાલિકામાં એક પણ ધાર્મિક દબાણ નથી. 9 જિલ્લાઓમાં 50 કરતા ઓછા ધાર્મિક દબાણો છે. જેમાં પણ 4 જિલ્લાઓમાં 10 કરતા ઓછા ધાર્મિક દબાણો છે.
15 એપ્રિલ સુધી 99 ધાર્મિક દબાણો દૂર કરાયા
01 માર્ચ, 2025થી 15 એપ્રિલ,2025 સુધી રાજ્યમાંથી 99 ધાર્મિક દબાણો દૂર કરાયા છે. આ 99 ધાર્મિક દબાણો પૈકી 66 ધાર્મિક દબાણો જિલ્લાઓમાંથી દૂર કરાયા છે. જ્યારે 33 દબાણો મહાનગર પાલિકાઓમાંથી દૂર કરાયા છે. 49 દબાણોને રિલોકેટ કરાયા છે, જે પૈકી 04 જિલ્લાઓમાં અને 45 મહાનગરપાલિકોમાં આવેલા છે. જ્યારે 52 ધાર્મિક દબાણોને રેગ્યુલરાઈઝ કરવામાં આવ્યા છે. 310 નોટિસ દબાણકર્તાઓને આપવામાં આવી છે. 754 નોટિસ લોકલ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરાઈ છે. સ્થાનિક 175 ધાર્મિક અગ્રણીઓ સાથે મિટીંગો યોજવામાં આવી છે. આ મુદ્દે વધુ સુનવણી ઉનાળુ વેકેશન બાદ યોજાશે.
હાઇકોર્ટે શું નોંધ્યું હતું?
સુપ્રીમ કોર્ટના નિર્દેશોના ઝડપી અમલીકરણ માટે જિલ્લા સ્તરે અને મ્યુનિસીપલ સ્તરે કમિટીની રચના થઈ ચૂકી છે. ગૃહ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીની એફિડેવિટના આધારે હાઇકોર્ટે નોંધ્યું હતું કે 19 એપ્રિલ, 2024ના રોજ રાજ્ય સરકારે રિઝોલ્યુશન પાસ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર, 2009માં જાહેર જગ્યાઓ પરથી ધાર્મિક દબાણો દૂર કરવા નિર્દેશ આપ્યા હતા. ધાર્મિક દબાણોના રિવ્યુ અને તેને દૂર કરવા જિલ્લા સ્તરે કલેકટર હસ્તગત કમિટીની રચના કરવામાં આવી છે, જ્યારે મ્યુનિસિપલ સ્તરે કમિશનર હસ્તગત કમિટીની રચના કરવામાં આવી છે.






