Home Tech/Gadgets Government Blocks 87 Illegal Loan Apps To Curb Digital Fraud

ડિજિટલ ફ્રોડ સામે સરકારની લાલ આંખ : 87 ગેરકાયદે લોન એપ પર મુક્યો પ્રતિબંધ

ડિજિટલ ફ્રોડ સામે સરકારની લાલ આંખ
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 02:30 AM IST

દેશમાં વધી રહેલા ઓનલાઇન છેતરપિંડીના બનાવો અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતી ડિજિટલ પ્લેટફોર્મની પ્રવૃત્તિઓ સામે કેન્દ્ર સરકારે આકરું વલણ અપનાવ્યું છે. સામાન્ય લોકોને લોભામણી લાલચ આપીને ફસાવતી આવી એપ્લિકેશન્સ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે. તાજેતરમાં મળેલી માહિતી મુજબ સરકારે ગેરકાયદેસર રીતે લોન આપતી 87 જેટલી મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને આર્થિક નુકસાન અને સાયબર ફ્રોડથી બચાવવાનો છે.

લોકસભામાં મંત્રીએ આપી માહિતી સંસદના સત્ર દરમિયાન લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. તેમણે ગૃહને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગેરકાયદેસર રીતે ધિરાણનું કામ કરતી 87 એપ્લિકેશનને બ્લોક કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી કરવા માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 69A નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કલમ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને જાહેર જનતાના હિતમાં નુકસાનકારક માહિતી કે પ્લેટફોર્મને અટકાવવાની વિશેષ સત્તા આપે છે.

કંપની એક્ટ હેઠળ કડક તપાસ મંત્રીએ પોતાના જવાબમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે માત્ર એપ્લિકેશન બ્લોક કરવી જ નહીં પરંતુ આવી કંપનીઓની તપાસ પણ કરવામાં આવે છે. કંપની એક્ટ 2013 ના નિયમો અનુસાર શંકાસ્પદ જણાતી કંપનીઓના હિસાબી ચોપડાઓનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે. તપાસ દરમિયાન જો કોઈ પણ કંપની ગેરરીતિ કરતી જણાય અથવા નિયમોનું ઉલ્લંઘન કરતી માલૂમ પડે તો તેની સામે કાયદાકીય રાહે જરૂરી પગલાં લેવામાં આવે છે.

કેવી કંપનીઓ સામે થઈ કાર્યવાહી સરકારે કરેલી આ કાર્યવાહીમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન લોનની લેવડદેવડ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. ઘણીવાર આવી કંપનીઓ આરબીઆઈના નિયમોનું પાલન કર્યા વગર ઉંચા વ્યાજ દરે લોન આપતી હોય છે અને બાદમાં ગ્રાહકોને પરેશાન કરતી હોય છે. મંત્રી હર્ષ મલ્હોત્રાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યારે પણ કંપની એક્ટની જોગવાઈઓનો ભંગ થશે ત્યારે સરકાર દ્વારા યોગ્ય અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now