ઇન્ટરનેટ પર માહિતી શોધવાની રીત બદલવા માટે Google દ્વારા 2024 માં AI Overviews ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરનો હેતુ યુઝર્સને લાંબી વેબસાઇટ લિસ્ટને બદલે સીધો અને ટૂંકો જવાબ આપવાનો છે. પરંતુ હવે આ સુવિધા સાયબર અપરાધીઓ માટે નવું હથિયાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ઠગ ટોળકીઓ AI દ્વારા જનરેટ કરવામાં આવતા જવાબોમાં પોતાના નકલી હેલ્પલાઇન નંબર ઘુસાડી રહી છે, જેનાથી સામાન્ય લોકો છેતરપિંડીનો શિકાર બની શકે છે.
કેવી રીતે થાય છે આ નવું ફ્રોડ?
વર્ષોથી ઠગ લોકો Google Search માં સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન દ્વારા પોતાના ફેક નંબર ઉપર લાવવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ AI Overviews ના આવવાથી જોખમ વધી ગયું છે. જ્યારે કોઈ યુઝર બેંક કે કોઈ મોટી કંપનીનો કસ્ટમર કેર નંબર સર્ચ કરે છે, ત્યારે AI સિસ્ટમ વિવિધ વેબસાઇટ્સ પરથી માહિતી એકત્રિત કરીને સારાંશ આપે છે. જો કોઈ ઠગ દ્વારા નાની કે ઓછી જાણીતી વેબસાઇટ પર ખોટો નંબર મૂકવામાં આવ્યો હોય, તો AI તેને સાચી માહિતી તરીકે સ્વીકારીને ટોચ પર બતાવી શકે છે.
યુઝર્સ જ્યારે આ નંબર પર કોલ કરે છે, ત્યારે સામે છેડે બેઠેલો વ્યક્તિ કંપનીનો પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરીને તમારી બેંકિંગ વિગતો, OTP અથવા પૈસાની માંગણી કરે છે.
કેમ વધી જાય છે જોખમ?
પહેલા જ્યારે લોકો સર્ચ કરતા ત્યારે તેમને અનેક વેબસાઇટ લિંક્સ દેખાતી હતી, જેથી તેઓ માહિતીની સરખામણી કરી શકતા હતા. પરંતુ AI Overviews માં માહિતી સીધી નિષ્કર્ષ અથવા અંતિમ જવાબ તરીકે દેખાય છે. આ કારણે યુઝર્સ તેને સો ટકા સાચું માની લેવાની ભૂલ કરે છે અને છેતરપિંડીનો ભોગ બને છે.
બચવા માટે શું કરવું?
સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરો: કોઈપણ કંપનીનો હેલ્પલાઇન નંબર મેળવવા માટે હંમેશા તેની અધિકૃત (Official) વેબસાઇટ પર જ જાઓ.
આંખ મીંચીને ભરોસો ન કરો: AI દ્વારા આપવામાં આવેલી માહિતીને હંમેશા ક્રોસ-ચેક કરો. એકથી વધુ સ્રોત દ્વારા નંબરની ખરાઈ કરો.
બેંકિંગ વિગતો ક્યારેય શેર ન કરો: કોઈ પણ અસલી કસ્ટમર કેર એજન્ટ ક્યારેય તમારી પાસે OTP, પિન કે પાસવર્ડ જેવી અંગત માહિતી માંગશે નહીં.
Google નું કહેવું છે કે તેઓ આવી છેતરપિંડી રોકવા માટે સુરક્ષાના વધારાના પગલાં લઈ રહ્યા છે, છતાં યુઝર્સે પોતે જ સતર્ક રહેવું અનિવાર્ય છે.



















